બુધ (મૂર્તિવિધાન) : હિંદુ ખગોળશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રમાંના નવ ગ્રહ તરીકે જાણીતા ગ્રહો પૈકીનો એક. ગ્રહો કેટલાંક મંદિરોમાં પૂજાતા હોવાથી ત્યાં એમની મૂર્તિઓ જોવામાં આવે છે. બુધને સામાન્યપણે ચંદ્રનો પુત્ર ગણવામાં આવે છે. તેની મૂર્તિ સિંહાસન પર બેઠેલી હોય છે. તેને પીળાં પુષ્પોનો હાર, સોનાના અલંકારો પહેરાવાય છે. બુધના શરીનો વર્ણ કર્ણિકાર પુષ્પના જેવો પીળો છે. તે પીળાં વસ્ત્રો ધારણ કરે છે. બુધને ચાર હાથ હોય છે. તેમાંનો જમણો એક હાથ વરદ મુદ્રામાં હોય છે જ્યારે બીજા ત્રણમાં ખડ્ગ, ખેટક અને ગદા ધારણ કરેલાં હોય છે. વિષ્ણુધર્મોત્તર પુરાણ અનુસાર બુધની મૂર્તિ વિષ્ણુને મળતી આવે છે અને તે મંગળની જેમ આઠ ઘોડાથી જોડાયેલા સોનાના રથમાં બિરાજે છે.

પ્રવીણચંદ્ર પરીખ