બુદ્ધિસાગરસૂરિ (જ. 31 જાન્યુઆરી 1874, વિજાપુર; અ. 9 જૂન 1925, વિજાપુર) : જૈન ધર્મના સુપ્રસિદ્ધ કવિ, લેખક, શાસ્ત્રવિશારદ, યોગનિષ્ઠ તપસ્વી આચાર્ય. દીક્ષા પૂર્વેનું નામ બેચરદાસ શિવાભાઈ પટેલ. જ્ઞાતિએ કડવા પાટીદાર. વિજાપુરની ગ્રામશાળામાં ગુજરાતી છ ચોપડી સુધી અભ્યાસ. ધીમે ધીમે સ્વપ્રયત્ને સંસ્કૃત અને પ્રાકૃત શીખ્યા. પિતૃપક્ષે શિવપૂજક અને માતૃપક્ષે વૈષ્ણવ ધર્મના સંસ્કારો ધરાવતા બેચરદાસ યુવાન વયે શ્વેતાંબર આચાર્ય રવિસાગરસૂરિના પ્રભાવથી જૈન ધર્મ તરફ આકર્ષાયા. તેમણે પારિવારિક કૃષિજીવનને બદલે વિદ્યામય જીવન ગાળવા અને આત્મોન્નતિ અર્થે આજીવન બ્રહ્મચારી રહી શિક્ષકનો વ્યવસાય અપનાવવાનું નક્કી કર્યું. તદનુસાર વિજાપુર છોડી નજીકના આજોલ ગામમાં શિક્ષકપદ સ્વીકાર્યું. અધ્યાપનની સાથોસાથ તેઓ ધર્મ, સમાજ અને દેશના ઉત્થાન માટે ચિંતન કરતા રહ્યા. ગુરુશ્રી રવિસાગરસૂરિની આજ્ઞાથી તેઓ આજોલ છોડી મહેસાણાની પાઠશાળામાં જોડાયા અને ધીમે ધીમે જૈન ધર્મના રંગે રંગાતા ગયા. થોડા સમય પછી માતા-પિતાનું અવસાન થતાં ગુરુની આજ્ઞા અનુસાર શ્રી સુખસાગરસૂરિજી મહારાજ પાસે 1900માં પાલનપુર મુકામે 26 વર્ષની વયે દીક્ષા લીધી અને બુદ્ધિસાગર નામ પામ્યા. હવે રાગદ્વેષના ક્ષયપૂર્વક આત્માની શુદ્ધિ કરી પૂર્ણાનંદ પ્રાપ્ત કરવો અને અન્ય લોકોને પણ એ માર્ગે પ્રેરી તેમને પણ એ આનંદ પ્રાપ્ત કરાવવો એ તેમના જીવનનું ધ્યેય બન્યું. સ્વાધ્યાય, ચિંતન-મનન, લેખન અને યોગાભ્યાસની સાથોસાથ મુનિવ્રતનું ઉગ્રપણે પાલન કરી તેઓ આત્મસાધના દ્વારા આત્મદશાને પામ્યા. બ્રહ્મચર્યનો પ્રભાવ, હૃદયનું વાત્સલ્ય અને આત્માના દિવ્ય સામર્થ્યને કારણે તેમના દ્વારા જે કાર્યો થતાં તે જગતને ચમત્કાર લાગતાં. તેથી સ્વાર્થી લોકો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા તેમની આસપાસ આંટા મારવા લાગ્યા, જ્યારે રોગિયા અને દુખિયા લોકો તેમની પાસે દવા અને દુવા માટે આવવા લાગ્યા. એમની કૃપા અને આશીર્વાદ પામેલા ઘણા લોકોને તેમનો સાક્ષાત અનુભવ પણ થયેલા હોવાનું જણાય છે. તેમનું વિહારક્ષેત્ર મુખ્યત્વે પાલનપુરથી સૂરત સુધી અને ખાસ કરીને વિજાપુર અને મહુડીની આસપાસ રહ્યું. જૈન સંઘે તેમને પેથાપુર મુકામે 1913માં સૂરિપદ આપ્યું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રાજમહેલમાં નિમંત્રી તેમનાં વ્યાખ્યાન સાંભળ્યાં હતાં. ધરમપુરના રાજવી પણ તેમનો ખૂબ આદર કરતા હતા. આત્મસાધનાની સાથોસાથ તેમની સાહિત્યસાધના પણ ચાલુ હતી. તેમણે ગુજરાતી ઉપરાંત હિંદી અને સંસ્કૃતમાં પણ ગ્રંથો રચ્યા હતા. તેમણે 125 ગ્રંથો રચ્યા હતા તે પૈકીના 108 ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમણે 1908માં વિજાપુરમાં ‘આત્મજ્ઞાન-પ્રસારક મંડળ’ની સ્થાપના કરી અને તેના ઉપક્રમે તેમના બધા ગ્રંથો છપાયા છે. આ ગ્રંથોમાં મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને યોગની અને પ્રાસંગિકપણે સમાજસુધારા અને દેશસેવાની ચર્ચા પણ કરવામાં આવી છે. આ ગ્રંથો પૈકી અધ્યાત્મશાંતિ, આત્મતત્વદર્શન, આનંદઘનપદસંગ્રહ, ઈશાવાસ્યોપનિષદભાવાર્થ, કક્કાવલી સુબોધ, ગુજરાત-વિજાપુર વૃત્તાંત, જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ (ભાગ 1-2), જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો, જૈન રાસમાળા, જૈનોપનિષદ, જૈન શંકાસમાધાન, તત્વજ્ઞાનદીપિકા, પત્રસદુપદેશ (ભાગ 1-2-3), પરમાત્મજ્યોતિ, યોગદીપક, ષડ્દ્રવ્યવિચાર, શ્રીમદ્ દેવચંદ્ર (ભાગ 1-2) વગેરે મુખ્ય છે. તેમની ચોવીસ જેટલી કાવ્યકૃતિઓ પૈકીનાં પદો અને ભજનો ધરાવતી વાણી બધી કોમોમાં લોકપ્રિય થઈ હતી.

બુદ્ધિસાગરસૂરિ મોટા સાહિત્ય-સંશોધક પણ હતા. તેમણે વિજાપુરમાં હસ્તલિખિત તેમજ મુદ્રિત ગ્રંથોનો વિશાળ ભંડાર ધરાવતા જ્ઞાનમંદિરની સ્થાપના કરી હતી. જૈનધાતુપ્રતિમાઓ પરના અભિલેખો વાંચીને તેને પ્રકાશિત કરવામાં એમણે કરેલ પરિશ્રમ પ્રશંસનીય છે.

વિજાપુર પાસેનું મહુડી ગામ એકાંત સાધના માટે યોગ્ય જણાતાં ત્યાં 1918થી 1924 દરમિયાન બુદ્ધિસાગરસૂરિએ એક સુંદર જિનાલય બંધાવ્યું. અહીં રહી તેઓ શુક્લધ્યાન અને યોગસાધના કરતા. તેમની પ્રેરણાથી અન્ય સ્થળોએ પણ જ્ઞાનમંદિરો અને જિનાલયો નિર્માણ પામ્યાં હતાં.

તેઓ એક સંવેદનશીલ આચાર્ય હતા. આત્મવિશ્વાસ ખોઈ બેઠેલી અને અજ્ઞાન તથા વહેમનો શિકાર બનેલી, દુર્બળ હૈયું અને હામવિહોણી બનેલી પ્રજાને જોઈને કરુણાથી તેમનું હૃદય દ્રવતું હતું. તેમણે આનો ઉપાય કરવા ઉગ્ર તપસ્યા આદરી. મહુડીના દેરાસરના ભોંયરામાં તેઓ આસો વદ તેરસની વહેલી પરોઢથી પદ્માસન લગાવીને બેસી ગયા. ત્રણ દિવસ ન ખાધું, ન પીધું, ન કર્યાં હાજત-પાણી. અંગને સહેજે હલાવ્યા વિનાની આ ઉગ્ર તપસ્યા દ્વારા તેમને મંત્રસિદ્ધિ પ્રાપ્ત થઈ અને સંકલ્પ મુજબ શ્રી ઘંટાકર્ણ વીરનાં સાક્ષાત્ દર્શન પણ થયાં. તેમણે એ સ્વરૂપને સાકાર કરતી પાષાણ-પ્રતિમા બનાવરાવી. જિનાલયના મધ્યમાં એક અલગ મંડપમાં પ્રતિષ્ઠિત કરાવી (1924).

આ દેવને નિવેદમાં કેવળ સુખડી જ ચડે અને તેય મંદિરની બહાર લઈ ન જવાય તેમ રાત વાસી ન રખાય એવો નિયમ કર્યો. નાતજાતના ભેદભાવ વગર સહુ ત્યાં ખવાય એટલી સુખડી ખાય તેવી વ્યવસ્થા ગોઠવી. વહેમમાં ડૂબેલી પ્રજાને આ સ્થાનકથી નવું બળ મળ્યું અને તેમના અંતરમાં નવી શ્રદ્ધા પ્રગટી. આમાં દૈવી સહારો આત્માની તાકાત ખીલવનારો બને એ જ સૂરિજીનો હેતુ હતો.

પ્રવીણચંદ્ર પરીખ