બુનબુન (લછમન રૈના) (જ. 1812; અ. 1884) : કાશ્મીરી લેખક.  ફારસી મહાકાવ્ય ‘શાહનામા’નું ‘સમનામા’ નામે કાશ્મીરીમાં રૂપાંતર કરનાર ‘બુનબુન’ (તખલ્લુસ) કાશ્મીરી સાહિત્યના અગ્રગણ્ય કવિ છે. રૂપાંતર કરતાં, એમણે મૂળ ફારસીના માળખાનું એવું પરિવર્તન કર્યું છે, કે એ કાવ્ય પૂર્ણાંશે કાશ્મીરી લાગે. પાત્રોનાં નામો, સ્થળવર્ણનો, અલંકારો, રીતરિવાજો અને સમગ્ર વાતાવરણ કાશ્મીરનું છે. નાયકના વ્યક્તિત્વમાં પણ ઘણો ફેરફાર કર્યો છે. ‘સમનામા’માં એમણે જે દૈત્યનું પાત્ર સર્જ્યું છે તે કાશ્મીરી સાહિત્યનું એક શ્રેષ્ઠ પાત્ર ગણાય છે. એમાં એમણે અત્યુક્તિ તથા ઠઠ્ઠાચિત્રની નિરૂપણરીતિ અખત્યાર કરી છે. બુનબુને એમની ભક્તિકવિતા તથા કટાક્ષકાવ્યો દ્વારા કાશ્મીરી કવિતાને એક નવો વળાંક આપ્યો તથા એ બંને પ્રકારોમાં તેઓ આધુનિકતા લાવ્યા. એમનાં કેટલાંક કાવ્યો – ‘રાધાસ્વયંવર’, ‘નલ-વા-દમન’ અને ‘સિકંદરનામા’ હજી અપ્રગટ છે.

ચન્દ્રકાન્ત મહેતા