બુદ્ધિપ્રકાશ (1854થી ચાલુ) : ગુજરાત વિદ્યાસભા(અગાઉની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)નું ગુજરાતી મુખપત્ર. 1818માં ગુજરાતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના પછી 1846માં ઍલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બ્સ અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ તરીકે આવ્યા. ઇતિહાસમાં તેમજ ઇતિહાસને લગતાં તથા અન્ય પ્રકારનાં પુસ્તકોનો સંગ્રહ કરવાનો તેમને ભારે શોખ હતો. ગુજરાતની પ્રજામાં વિદ્યા-કેળવણીનો પ્રસાર થાય, તેમને માટે પુસ્તકો સુલભ બને, પુસ્તકોના સંગ્રહ માટે કોઈ સંસ્થા હોય એવા શુભ હેતુથી તેમણે 1848ના ડિસેમ્બરની 26મી તારીખે કેટલાક મિત્રોની સહાયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી.
એ અરસામાં ‘બુદ્ધિપ્રકાશ’ નામના એક મંડળે એ જ નામનું એક ચોપાનિયું 1850ની સાલમાં 15મી મેના રોજ પ્રસિદ્ધ કર્યું. એ પાક્ષિક હતું, તેની પૃષ્ઠસંખ્યા 16ની હતી. કિંમત દોઢ આનો (નવા નવ પૈસા) હતી અને તે લિથોમાં છપાતું હતું.
એ પાક્ષિક ‘બુદ્ધિપ્રકાશ’ ઝાઝો સમય ચાલ્યું નહિ. તે બંધ પડ્યું, પણ ફરી વાર સોસાયટીના સહારે 1854ના માર્ચમાં કોઈ વિદ્યાભ્યાસક મંડળે તે પ્રસિદ્ધ કર્યું. હવે તે પાક્ષિકમાંથી માસિક બન્યું. આ માસિકનું વાર્ષિક લવાજમ આગોતરા ગ્રાહકો માટે પોણો રૂપિયો હતું અને પાછળથી ગ્રાહક થાય તેને માટે દોઢ રૂપિયો હતું.
‘બુદ્ધિપ્રકાશ’ માસિક નિયમિત રીતે ચલાવવાની જવાબદારી એ મંડળને ભારે પડવા માંડી એટલે ખુદ સોસાયટીએ જ તે માસિક પોતાને હસ્તક લીધું અને તેનું સંપાદનકાર્ય તે વખતના સોસાયટીના સહાયક મંત્રી હરિલાલ મોહનલાલને સોંપ્યું; પણ તેમનેય તે કાર્ય ગજા બહારનું લાગ્યું અને સોસાયટીમાંથી એ છૂટા થતાં ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકેની જવાબદારી ‘અમદાવાદનો ઇતિહાસ’ના લેખક મગનલાલ વખતચંદે સંભાળી. એમાં પણ મુશ્કેલી આવી. મગનલાલ વખતચંદ સરકારી નોકરીમાં જોડાતાં ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદનનું કાર્ય ડામાડોળ થવા માંડ્યું. એ મુશ્કેલીના નિવારણ માટે સોસાયટીના માનદ મંત્રી કર્ટિસે કવિ દલપતરામને મદદનીશ મંત્રી તરીકે નીમવાનું ફૉર્બ્સને સૂચન કર્યું.
કવિ દલપતરામ ફૉર્બ્સના મિત્ર અને પુસ્તકોના સંશોધનકાર્યમાં સહાયક હતા. ફૉર્બ્સે તેમને સાદરાની સરકારી નોકરી છોડાવીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મદદનીશ મંત્રી તરીકે બોલાવી લીધા અને ‘બુદ્ધિપ્રકાશ’નું તમામ સંપાદનકાર્ય 1855માં કવિ દલપતરામને ભાગે આવ્યું. આમ 1854થી શરૂ થયેલું ‘બુદ્ધિપ્રકાશ’ આજ (ઈ.2000) પર્યંત નિયમિત રીતે પ્રગટ થતું રહ્યું છે.
દલપતરામે એનો ઉલ્લેખ એમની કવિતામાં કર્યો છે –
સન અઢાર ચોપન તણો, મનહર મારચ માસ;
પ્રથમ થકી ચોપાનિયું, પ્રકટ્યું બુદ્ધિપ્રકાશ.
કવિ દલપતરામ ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રીપદે 1854માં જુલાઈની પહેલીથી જોડાયા અને 1879માં નિવૃત્ત થયા. તેમણે ‘બુદ્ધિપ્રકાશ’ને ઉચિત વાચનસામગ્રીથી સારી પેઠે સમૃદ્ધ પણ કર્યું. દલપતરામ એમના તંત્રીપદ દરમિયાન બે વાર આંખોની તકલીફને કારણે રજા પર રહ્યા તે દરમિયાન તેનું સુકાન અનુક્રમે રણછોડલાલ ઉદયરામે અને શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસે સંભાળ્યું હતું. દલપતરામના તંત્રીપદે ‘બુદ્ધિપ્રકાશ’ લોકપ્રિય થવા માંડ્યું. એટલે એની પૃષ્ઠસંખ્યા 24ની કરવામાં આવી અને તેનું લવાજમ આગોતરા ગ્રાહકો માટે રૂપિયો એક અને પછીથી થનાર ગ્રાહક માટે રૂપિયો દોઢ ઠરાવવામાં આવ્યું. એ વખતે તેનો ફેલાવો 600 નકલનો હતો.
1864થી ‘બુદ્ધિપ્રકાશ’ ટાઇપમાં છપાવા માંડ્યું. એમાં કેટલાંક કારણોસર ધાર્મિક તથા રાજકારણને લગતા લેખો છાપવાનો નિષેધ હતો. ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રીપદે દલપતરામ લગભગ અઢી દાયકા રહ્યા તે દરમિયાન મુખ્યત્વે અને નિયમિત રીતે લખનારા તેઓ પોતે જ હતા. એમના તંત્રીકાળ દરમિયાન પ્રગટ થયેલા લેખોની યાદી જોતાં સમજાય છે કે દલપતરામે નવી વિદ્યા અને કેળવણીના પ્રસાર માટે વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ચરિત્ર, વાર્તા એમ ઘણાબધા વિષયો પર કલમ ચલાવી હતી. અંગ્રેજી અને સંસ્કૃત ગ્રંથોમાંથી અનુવાદો પણ પ્રગટ કર્યા–કરાવ્યા હતા. એ સમયના ‘બુદ્ધિપ્રકાશ’ના લેખકમંડળમાં મુખ્યત્વે મગનલાલ વખતચંદ, મન:સુખરામ સૂર્યરામ, રણછોડભાઈ ઉદયરામ, મહીપતરામ રૂપરામ, વિષ્ણુ નરસોપંત, શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ, હરગોવિંદદાસ કાંટાવાળા, લાલશંકર ઉમિયાશંકર, ગોપાલ હરિ દેશમુખ વગેરે હતા. તે વખતે લેખકોને પૃષ્ઠદીઠ એક રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવતો હતો.
દલપતરામે આંખોની તકલીફને કારણે સોસાયટીમાંથી અને તે સાથે ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રીપદેથી નિવૃત્તિ લીધી તે પછી થોડા થોડા સમય માટે ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદનકાર્ય સોસાયટીના સહાયક મંત્રીઓએ અથવા સોસાયટી સાથે સંકળાયેલા મહાનુભાવોએ સંભાળ્યું.
વીસમી સદીના લગભગ બીજા દાયકાથી હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે સહાયક મંત્રી તરીકે જીવનપર્યંત – લગભગ 3 દાયકા એ સામયિકનું તંત્રીપદ સંભાળ્યું. એ સમયગાળા દરમિયાન સામયિકને ત્રૈમાસિકનું રૂપ આપવામાં આવ્યું; પણ એ ત્રૈમાસિક સ્વરૂપે અનુકૂળ નહિ જણાવાથી વળી પાછું એ માસિક રૂપે પ્રકાશિત કરવાનું ઠરાવવામાં આવ્યું.
આ એક અત્યંત જૂના સામયિક ‘બુદ્ધિપ્રકાશ’માં અગાઉનો ધાર્મિક લેખો તથા રાજકીય લેખો છાપવાનો નિષેધ હવે રહ્યો નથી. એમાં મુખ્યત્વે સાહિત્ય અને શિક્ષણને લગતા તેમજ સામાજિક, રાજકીય, અર્થશાસ્ત્ર તથા ફિલસૂફીના અને એવા બીજા લેખો પ્રકાશિત થાય છે. એમાં લલિત સાહિત્યને પણ દર અંકમાં એકથી દોઢ ફર્મા જેટલાં પૃષ્ઠ ફાળવવામાં આવ્યાં છે અને તે હવે વિદ્વદભોગ્ય તેમજ લોકભોગ્ય બની રહ્યું છે. ગુજરાતના આ સામયિકના સંપાદનમાં સુપ્રસિદ્ધ સાક્ષરોનો – સર્વશ્રી રસિકલાલ છો. પરીખ, નગીનદાસ પારેખ, ઉમાશંકર જોશી, ભોગીલાલ સાંડેસરા ઇત્યાદિનો – ફાળો રહ્યો છે.
હાલ એમાં અંદાજે પાંચેક ફર્મા જેટલું લખાણ પ્રગટ થાય છે અને એના સંપાદક તરીકેની જવાબદારી 1999માં યશવંત શુક્લનું અવસાન થતાં ચીનુભાઈ નાયક અને મધુસૂદન પારેખ સંભાળી રહ્યા છે.
આ માસિક તરફથી હીરાલાલ પારેખ સ્મારક અંક, રસિકલાલ પરીખ સ્મૃતિ અંક, નરસિંહરાવ સવાશતાબ્દી અંક, ઉમાશંકર જોશી શ્રદ્ધાંજલિ અંક. ગણેશ માવળંકર જન્મશતાબ્દી અંક અને યશવંત શુક્લ સ્મારક અંક જેવા વિશેષાંકો પણ પ્રસંગોપાત્ત મળતા રહ્યા છે.
મધુસૂદન પારેખ