બુદ્ધિધન નિસ્સરણ (brain drain) : કોઈ પણ દેશના નિષ્ણાત લોકો (એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો, ટૅકનિશિયનો અને જુદા જુદા વિષયમાં નામાંકિત વ્યક્તિઓ) પોતાનો દેશ છોડીને વધારે આવક મેળવવા માટે થોડાં વર્ષો કે કાયમ માટે બીજા દેશોમાં નોકરી-ધંધા સ્વીકારી ત્યાં સ્થળાંતર કરે તે. બુદ્ધિધન નિસ્સરણને માનવમૂડીની નિકાસ પણ કહી શકાય.

બુદ્ધિધન નિસ્સરણ એ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર(international migration)ની એક સમસ્યા છે. કેટલાક દેશો પોતાના નાગરિકો સાથે હરીફાઈ અટકાવવા બીજા દેશના લોકોને પોતાના દેશમાં વસવાટ માટે પરવાનગી કે નાગરિકતા આપતા નથી; તો કેટલાક દેશો પોતાને જરૂરી, વિદેશી નિષ્ણાતોને સરળતાથી નાગરિકતા આપે છે અને તે દ્વારા પોતાના દેશનો વધુ વિકાસ સાધવા પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે અલ્પવિકસિત દેશોમાંથી નિષ્ણાતો વિકસિત દેશોમાં વધુ આવક મેળવવા માટે જતા હોય છે, તો ક્યારેક વિકસિત દેશોના નિષ્ણાતોને અલ્પવિકસિત દેશમાં કેટલાક વિકાસાત્મક કાર્યક્રમો માટે ઊંચાં વેતનો આપીને આમંત્રવામાં આવતા હોય છે. આ દેશાન્તર કાયમી નથી હોતું.

વિકાસશીલ દેશોમાંથી કેળવાયેલા લોકો વિકસિત દેશોમાં જવા પ્રેરાય છે તે માટે કેટલાંક કારણો છે. વિકાસશીલ દેશોમાં નિષ્ણાતોને સુયોગ્ય નોકરીઓની તકો ઓછી મળે છે; કેમ કે, આ દેશોમાં ઉદ્યોગધંધા અને સંશોધનપ્રવૃત્તિ ઝાઝી વિકસી હોતી નથી. વિકાસશીલ દેશોની સરકારો કે સંસ્થાઓ નિષ્ણાતોને સ્વતંત્ર રીતે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિ માટે જરૂરી તકો અને પ્રોત્સાહનો પૂરાં પાડી શકતી નથી. વળી કેટલાક દેશોમાં કરવેરાના દર ઊંચા હોવાથી તેનાથી બચવા માટે પણ નિષ્ણાતો વિદેશમાં ચાલ્યા જવાનું પસંદ કરતા હોય છે. ઇંગ્લૅન્ડ આદિ યુરોપના કેટલાક દેશોમાંથી વિદ્વાનો અમેરિકા ચાલ્યા ગયા તેના માટે આ કારણ આપવામાં આવ્યું હતું. અલબત્ત, મુખ્ય કારણ આવકનો તફાવત છે. વિકાસશીલ દેશોની તુલનામાં વિકસિત દેશોમાં વેતનદરો ઘણા ઊંચા હોય છે.

કેળવાયેલા શ્રમના દેશાન્તરના લાભાલાભની ચર્ચા વિવિધ ર્દષ્ટિબિંદુઓથી થઈ શકે; જેમ કે, સ્થળાંતર કરનાર વ્યક્તિઓના ર્દષ્ટિબિંદુથી, સમગ્ર દુનિયાના ર્દષ્ટિબિંદુથી, જે દેશમાંથી લોકો દેશાન્તર કરી જતા હોય તે દેશના ર્દષ્ટિબિંદુથી અને જે દેશમાં એ લોકો જતા હોય તેના ર્દષ્ટિબિંદુથી.

પરદેશગમન કરનાર વ્યક્તિઓની બાબતમાં સરળતાપૂર્વક એક આ વિધાન કરી શકાય : તે સામાન્ય રીતે આર્થિક ર્દષ્ટિએ વ્યક્તિના લાભમાં હોય છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાંથી અમેરિકા આદિ દેશોમાં જતી શિક્ષિત વ્યક્તિઓ અનેકગણી વધારે કમાણી કરી શકે છે. આજે ઇંગ્લૅન્ડ જેવા વિકસિત દેશોમાંથીયે અધ્યાપકો, વૈજ્ઞાનિકો વગેરે અમેરિકા જવા ઇચ્છે છે તે હકીકતને આના સમર્થનમાં ટાંકી શકાય.

સમગ્ર દુનિયાના ર્દષ્ટિબિંદુથી વિચારીએ તો આર્થિક ભૂમિકા ઉપર થતાં સ્થળાંતરો લાભદાયી નીવડે છે. એક ઉદાહરણ દ્વારા આ મુદ્દાને સ્પષ્ટ કરી શકાય. ધારો કે ભારતમાંથી અમેરિકા જનાર વ્યક્તિની વાર્ષિક કમાણી ભારતમાં રૂ. 2 લાખ હતી અને અમેરિકામાં તે રૂ. 10 લાખ છે. આ વ્યક્તિના દેશાન્તરથી સમગ્ર દુનિયાની આવકમાં રૂ. 8 લાખનો વધારો થયો છે, કારણ કે વ્યક્તિ તેની ઉત્પાદનશક્તિ જે દેશમાં ઓછી છે ત્યાંથી તેની ઉત્પાદનશક્તિ જે દેશમાં વધારે છે ત્યાં જાય છે.

જે દેશમાંથી કાર્યકુશળતા ધરાવતી વ્યક્તિઓ દેશાન્તર કરે છે તેના ર્દષ્ટિબિંદુથી પણ આ પ્રશ્નને વિચારી શકાય : વિકાસશીલ દેશોમાંથી થતાં શિક્ષિતોનાં સ્થળાંતર સામે બે ભૂમિકા પર વિરોધ કરવામાં આવે છે : (ક) શૈક્ષણિક મૂડીરોકાણ પરના વળતરનો પ્રશ્ન : વિકાસશીલ દેશોમાંથી જે ડૉક્ટરો, ઇજનેરો વગેરે વિકસિત ઔદ્યોગિક દેશોમાં ચાલ્યા જાય છે એમના શિક્ષણનું મોટાભાગનું ખર્ચ સરકારે અથવા સમાજે ઉપાડ્યું હોય છે. જો આવી સુશિક્ષિત વ્યક્તિઓ તેમનું શિક્ષણ પૂરું કરીને પરદેશમાં ચાલી જાય તો શિક્ષણને કારણે વ્યક્તિની વધેલી ઉત્પાદકતાનો લાભ દેશને મળતો નથી. આમાં એવું બને છે કે જે દેશો પ્રમાણમાં ગરીબ છે તેઓ કાર્યકુશળ વ્યક્તિઓ તૈયાર કરવા માટે શિક્ષણના રૂપમાં મૂડીરોકાણ કરે છે, પણ તેના પરનું વળતર વિકસિત દેશો મેળવે છે. (ખ) વિકાસશીલ દેશોમાંથી જેઓ વિદેશોમાં ચાલ્યા જાય છે તેઓ પ્રમાણમાં વધુ શક્તિશાળી અને સાહસિક હોય છે. આવી વ્યક્તિઓ વિદેશોમાં જતી રહેવાથી વિકાસશીલ દેશોને વધુ નુકસાન ભોગવવું પડે છે.

ઉપર્યુક્ત ટીકાઓમાં રહેલા તથ્યનો સ્વીકાર કરીને તેની સામે કેટલાક મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે : એક, વિકાસશીલ દેશો પોતે ઉપયોગમાં લઈ શકે તે કરતાં ઘણી મોટી સંખ્યામાં કાર્યકુશળ વ્યક્તિઓને તૈયાર કરે છે. આનો ફલિતાર્થ એ છે કે શિક્ષણના રૂપમાં તેઓ જે મૂડીરોકાણ કરે છે તેના પર પૂરતું વળતર મેળવવાની ક્ષમતા તેઓ ધરાવતા નથી. બીજું, આ દેશો તેમની પ્રતિભાસંપન્ન વ્યક્તિઓના બહિર્ગમન પર વસવસો કરે છે, પણ જે પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને દેશમાં રહેવાનું પસંદ કરે છે તેમને જરૂરી સવલતો આપી શકતા નથી. તેથી એવી વ્યક્તિઓની શક્તિ વેડફાય છે.

સૈદ્ધાંતિક રીતે એ મુદ્દો સ્વીકારવામાં આવે છે કે સુશિક્ષિત વ્યક્તિઓના બહિર્ગમન પર વેરો નાખીને, વિકાસશીલ દેશોને તેમણે કરેલા શૈક્ષણિક મૂડીરોકાણ પર વળતર પ્રાપ્ત થાય એવો પ્રબંધ કરવો જોઈએ. આ સૂચન ભારતીય અર્થશાસ્ત્રી શ્રી જગદીશ ભગવતીએ કર્યું હતું.

છેલ્લે, જે દેશોમાં બહારથી આવેલા શિક્ષિતો પ્રવેશે છે તે દેશોના ર્દષ્ટિબિંદુથી કેળવાયેલા શ્રમના સ્થળાંતરની કેટલીક અસરોને તપાસી શકાય. ઉપર નોંધ્યું છે તેમ, અન્ય દેશોમાં તૈયાર થયેલા માણસોનો લાભ, વિકસિત દેશોને, કોઈ વધારાના ખર્ચ વિના મળી જાય છે. આવી વિશિષ્ટ શક્તિઓ અને આવડત ધરાવતી વ્યક્તિઓના જ્ઞાનનો તથા તેમની આવડતનો લાભ યજમાન દેશને સાંપડે છે. જ્ઞાન-વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં અમેરિકાની આગેવાની ઘણે અંશે બીજા દેશોમાંથી આવીને વસેલા વૈજ્ઞાનિકોને આભારી છે.

શાંતિલાલ બ. મહેતા