બુઝર્વા : ઔદ્યોગિક માલિકી દ્વારા હંમેશાં રાજકીય પ્રભુત્વ જાળવી રાખવા ઉત્સુક મૂડીવાદી વર્ગ. મધ્યયુગમાં ફ્રાંસમાં શહેરની દીવાલોની અંદર વસતો ગ્રામીણ પ્રજા કરતાં કંઈક ધનિક એવો વર્ગ. શબ્દકોશોમાં તેને મધ્યમવર્ગ તરીકે ઓળખાવવામાં આવે છે.

ફ્રાંસનો આ શહેરી, ધનિક અને નાનકડો વર્ગ સમાજમાં ઉપલા વર્ગ તરીકેની માન્યતા ધરાવતો નહોતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં ઉત્પાદનક્ષેત્રમાં જોડાઈને આ વર્ગ વધુ ધનવાન બન્યો. સમગ્ર યુરોપમાં આવા ધનિક અને આર્થિક રીતે પ્રભાવક વર્ગે રાજકીય વગ વધારવા પ્રયાસો કર્યા. તેનો આર્થિક પ્રભાવ વધતાં રાજકીય પ્રભાવ પણ વધ્યો અને ક્રમશ: સામંતો પાસેથી સત્તા આંચકી લેવામાં તે કામયાબ રહ્યો. ઔદ્યોગિક ક્રાંતિની સૌથી વધુ અસર પામેલા દેશ બ્રિટનમાં આથી સામંતશાહી માત્ર ભૂતકાલીન ઘટના બની ગઈ અને આ શબ્દે નવો અર્થ ધારણ કર્યો મૂડીવાદનો. આમ બ્રિટનમાં અને યુરોપમાં બુઝર્વાઓ મૂડીવાદી તરીકે ઓળખાયા.

માર્ક્સ અને સામ્યવાદી સિદ્ધાંતો અનુસાર બુઝર્વા એવો આર્થિક-સામાજિક વર્ગ છે, જેઓ ઔદ્યોગિક સાહસોમાંથી શોષણ દ્વારા આર્થિક ઉપાર્જન કરી રાજકીય પ્રભુત્વ પેદા કરે છે. પોતાના આર્થિક પ્રભુત્વને કાયમી બનાવવા તેઓ રૂઢિચુસ્ત વલણોની હિમાયત કરી, રાજકીય સલામતી સર્જી, રાજકીય સંસ્થાઓ પર પોતાની પકડ જાળવી રાખે છે. આમ સામ્યવાદી સિદ્ધાંતો મુજબ બુઝર્વાઓ મૂડીવાદી અને શોષણખોર અને તેથી ઘૃણાસ્પદ છે.

વીસમી સદીના અંતિમ દસકામાં આ ‘બુઝર્વા’ શબ્દનો પ્રયોગ માત્ર ચર્ચાઓમાં જ સીમિત થઈ ગયો છે; કારણ કે સમાજવિજ્ઞાનીઓ સમાજના ઉચ્ચ, મધ્યમ અને નીચલો એવા જે ત્રણ મુખ્ય વર્ગો પાડે છે તેમાંના કોઈ પણ વર્ગને ‘બુઝર્વા’ના ચોકઠામાં મૂકી શકાય તેમ નથી. આ શબ્દ સાથે સંકળાયેલી ચોક્કસ વિભાવના લગભગ લુપ્ત થઈ ગઈ છે.

રક્ષા મ. વ્યાસ