બુજુમ્બુરા : મધ્ય આફ્રિકાના બુરુન્ડી દેશનું પાટનગર તથા સૌથી મોટું શહેર. તે દેશના પશ્ચિમ ભાગમાં ટાંગાનીકા સરોવરના ઈશાન ખૂણા પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 3° 23´ દ.અ. અને 29° 22´ પૂ. રે. તેની વસ્તી 3,00,000 (1994) છે.

બુજુમ્બુરા દેશની મોટાભાગની વહીવટી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલું છે. તે ટાંગાનીકા સરોવર મારફતે વહાણો દ્વારા થતી રહેતી માલની હેરફેર માટેનું તથા વેપારનું મથક છે. અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સુવિધા છે. આ શહેરમાં યુનિવર્સિટી, કૃષિવિષયક સાંસ્કૃતિક સંસ્થા તથા સંગ્રહાલય પણ છે.

આ શહેર અગાઉના સમયમાં ઊજુમ્બુરા નામથી ઓળખાતું હતું. 1897માં જ્યારે બુરુન્ડી જર્મન પૂર્વ આફ્રિકાનો એક ભાગ હતું ત્યારે જર્મન દળોએ ત્યાં એક લશ્કરી મથક સ્થાપીને તેની સ્થાપના કરેલી. 1919માં ઊજુમ્બુરા રુઆન્ડા-ઉરુન્ડીનું પાટનગર બન્યું. 1962માં બુરુન્ડી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારે પણ તેનો પાટનગર તરીકેનો દરજ્જો કાયમ રહ્યો અને તે વર્ષમાં જ તેનું નામ બદલીને બુજુમ્બુરા રાખવામાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા