બુઝર્વા, લિયોં વિક્ટર ઑગુસ્ત

January, 2000

બુઝર્વા, લિયોં વિક્ટર ઑગુસ્ત (જ. 21 મે 1851, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1925, શેટો દ’ ઑંજેં, ફ્રાન્સ) : ફ્રેન્ચ રાજપુરુષ તથા નોબેલ પારિતોષિકવિજેતા શાંતિવાદી કાર્યકર. કાયદાનું શિક્ષણ પૂરું કરીને લિયોં 1876માં ફ્રાન્સની શાસનસેવામાં અધિકારી તરીકે જોડાયા. 1887માં તેઓ પૅરિસના સેઇન વિભાગમાં ઉચ્ચ પોલીસ અધિકારી થયા.

લિયોં વિક્ટર ઑગુસ્ત બુઝર્વા

1888માં માર્ની મંડળમાંથી રાષ્ટ્રીય સંસદમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે કામ કર્યા પછી તેઓ વડાપ્રધાનપદે પહોંચ્યા. આગળ જતાં રેડિકલ સોશિયાલિસ્ટ પાર્ટીના વડા થયા. સેનેટમાં તેમણે માર્ની મંડળનું પ્રતિનિધિત્વ કર્યું. 1920થી 1923 સુધી સેનેટના અધ્યક્ષ રહ્યા. 1899માં હેગ પરિષદ મળી ત્યારે તેમાં બુઝર્વાએ ફ્રાંસના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. તેમણે વિવિધ દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા પર ભાર મૂક્યો. 1903માં તેઓ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં નિમાયા. 1906ના મોરોક્કોના સ્વાતંત્ર્યના પ્રશ્ને થયેલી સમજૂતીમાં તેમણે મહત્વનો ફાળો આપ્યો. રાષ્ટ્રોના પ્રશ્નો વિચારવા રાષ્ટ્રોનું મંડળ હોવું જોઈએ એવી એમની ભાવના લીગ ઑવ્ નેશન્સની રચનામાં મૂર્તિમંત થઈ. આ વિશ્વસંસ્થામાં તેમણે ફ્રાંસના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો અને તેને ર્દઢ કરવા કામ કર્યું. સંપના સામાજિક સિદ્ધાંતના પ્રવક્તા તરીકે તેઓ જાણીતા થયા. આ સિદ્ધાંત સમાજના સભ્યોનાં પરસ્પર કર્તવ્યો પર ભાર મૂકે છે. તેમાં કેવળ અધિકારની વાત નથી; કર્તવ્ય પર ધ્યાન અપાય તો અધિકાર આપોઆપ પ્રાપ્ત થાય છે, એ પ્રાચીન ભારતીય ભાવના લિયોના મંતવ્યમાં પ્રતિબિંબિત થાય છે. પ્રાચીન ભારતમાં રાજાના અધિકાર, પ્રજાના અધિકાર, શિષ્યના અધિકાર, માતાપિતાના અધિકાર…… આવી, અધિકારને મહત્વ આપવાની પ્રથા નહોતી. તેના બદલે રાજાનો ધર્મ, પ્રજાનો ધર્મ, શિષ્યનો ધર્મ, વડીલોનો ધર્મ…. એમ કર્તવ્ય પર ભાર મુકાયો છે. લિયોંએ સમાજ પ્રત્યેના વ્યક્તિના કર્તવ્યને યાદ દેવડાવ્યું. તેમની પ્રમુખ કૃતિઓ છે : ‘સૉલિડૅરિટી’ (1896), ‘લા પોલિટિક દ લા પ્રિવોયાન્સ સોશિયેલ’ (બે ખંડ, 1914–19), ‘લા પૅકેટ દ 1919 એ લા સોસાયટી દ નેશન્સ’ (1919), ‘લ’ઑવર દ લા સોસાયટી દ નેશતેસ’’ (1920–23). તેમને સમાજસેવાના તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે 1920નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક અર્પણ કરાયું હતું.

બંસીધર શુક્લ