બુખારી, મહેમૂદશાહ ભડિયાદી

January, 2000

બુખારી, મહેમૂદશાહ ભડિયાદી (સત્તરમી સદી) : હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક. તેઓ સત્તરમી સદીમાં બુખારાથી ભારત આવીને ધંધુકા તાલુકાના ભડિયાદ ગામે રહ્યા હતા. તેઓ હિંદુ અને મુસલમાન – બધા લોકોને શાંતિથી, હળીમળીને રહેવાનો બોધ આપતા હતા. તેમના સંદેશામાં કોમી એકતાનાં દર્શન થતાં હતાં. તેથી તેમના અનુયાયીઓમાં હિંદુ અને મુસ્લિમ બંને કોમના ધોબી, હરિજનો, ઘાંચી, બબરચી વગેરેનો સમાવેશ થયો હતો. વિશેષ કરીને તેમણે પછાત વર્ગોના લોકોને પ્રભુભક્તિનો સંદેશો આપ્યો. આ બધા લોકો તેમના ઉપદેશના પ્રભાવથી સંપીને રહેતા હતા. વળી ગુજરાતના ધર્મસહિષ્ણુ અને શ્રદ્ધાળુ લોકો તેમને માટે ઘણો આદર તથા સદભાવ ધરાવતા હતા. ભડિયાદ ગામે આવેલા તેમના રોજા ઉપર પ્રતિવર્ષ ઉર્સના દિવસે હજારો ભાવિકો અને શ્રદ્ધાળુઓ પગપાળા સંઘમાં ભડિયાદ જાય છે. પ્રવાસ દરમિયાન તેઓ બાવા બુખારીની ધૂન પોકારે છે. ત્યાં પહોંચીને તેઓ દરગાહ ઉપર નિશાન ચડાવીને બાવાની દુઆ માંગે છે. આ પ્રસંગે ભેગા થયેલા હજારો લોકોમાં કોમી એકતાનાં દર્શન થાય છે. સામાન્ય રીતે આવા ઓલિયાઓના રોજામાં ઉર્સની વિધિ મુસલમાનોના ખાસ વર્ગના લોકો કરે છે; જ્યારે અહીં ઉર્સની વિધિ ઘાંચી, મોદી કોમના લોકો કરે છે. તે સમયે મુસ્લિમ બિરાદરો દરગાહની બહાર ઊભા રહીને અંદર પ્રવેશવાની આતુરતાપૂર્વક રાહ જુએ છે. હિજરી સનના માહે રજબની છઠ્ઠી તારીખથી અગિયારમી સુધી બુખારીસાહેબના ઉર્સ-મેળાનો ઉત્સવ ઊજવવામાં આવે છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા