બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ

January, 2000

બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ (જ. 9 ઑક્ટોબર 1888, મૉસ્કો; અ. 14 માર્ચ 1938, મૉસ્કો) : સોવિયત સંઘના બૉલ્શેવિક પક્ષના નેતા, અર્થશાસ્ત્રી અને કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલના એક અગ્રણી. તેમણે સમગ્ર અભ્યાસ તેમના વતન મૉસ્કો નગરમાં કર્યો. કૉલેજકાળમાં અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસ દરમિયાન તેઓ માર્કસના વિચારોથી પ્રભાવિત થયા અને તેને અનુસરવાનો ર્દઢ નિર્ધાર કર્યો. 1906માં રશિયન સોશિયલ ડેમોક્રૅટિક પક્ષમાં જોડાયા અને તેની મૉસ્કો સમિતિના સભ્ય બન્યા. ત્યારબાદ તેઓ 1905થી 1917 દરમિયાન ભૂગર્ભપ્રવૃત્તિમાં સક્રિય બન્યા. આ પ્રવૃત્તિ દરમિયાન 1911માં તેમની ધરપકડ થઈ અને તેમને હદપાર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો; પરંતુ આ અરસામાં તેઓ રશિયામાંથી છટકીને પશ્ચિમ યુરોપ જતા રહ્યા. 1912માં ત્યાં તેમની મુલાકાત લેનિન સાથે થઈ અને તેમણે સામ્યવાદી પક્ષના મુખપત્ર ‘પ્રવદા’(Truth)માં કામ કરવાની જવાબદારી સ્વીકારી. ઑક્ટોબર 1916માં તેઓ ન્યૂયૉર્ક ગયા જ્યાં ‘નોવી મીર’ (New world) સામયિકનું સંપાદન સંભાળ્યું. 1917ની ફેબ્રુઆરી ક્રાંતિ ટાણે તેઓ રશિયા પાછા ફર્યા અને ઑગસ્ટ માસમાં બૉલ્શેવિક પક્ષની કેંદ્રીય સમિતિમાં ચૂંટાયા અને ફરીથી ‘પ્રવદા’ના સંપાદક બન્યા. વળી, મૉસ્કોમાં રહી ઑક્ટોબર ક્રાંતિમાં સંગઠન-કક્ષાએ તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)ના છેલ્લા વર્ષમાં લેનિન બ્રેસ્ટ-લિટોવસ્ક સંધિમાં જોડાવા અને વિશ્વયુદ્ધમાંથી બહાર નીકળી જવા આતુર હતા. આ બાબતે લેનિન સાથે પ્રામાણિક મતભેદ ઊભા થતાં તેમણે ‘પ્રવદા’ના સંપાદક-પદેથી રાજીનામું આપ્યું તેમજ ડાબેરી સામ્યવાદીઓના વિરોધી જૂથમાં જોડાવાનું પસંદ કર્યું. આ જૂથ વિશ્વયુદ્ધને યુરોપીય ક્રાંતિમાં પરિવર્તિત કરવા ઉત્સુક હતું. માર્ચ 1919માં તેઓ કૉમિન્ટર્નની કારોબારી સમિતિના સભ્ય બન્યા. ત્યારપછીનાં થોડાં વર્ષો તેમણે પોતાની રાજકીય પ્રવૃત્તિઓ પર મર્યાદા મૂકી તથા અર્થશાસ્ત્રના અભ્યાસ અને લેખનમાં વ્યસ્ત રહ્યા. તે દરમિયાન તેમણે અર્થશાસ્ત્રનાં કેટલાંક પ્રકાશનો પણ હાથ ધર્યાં.

નિકોલાઈ ઇવાનૉવિચ બુખારિન

1924–29ના ગાળા દરમિયાન ફરીવાર બૉલ્શેવિક પક્ષના પૉલિટ-બ્યૂરોના સભ્ય બન્યા અને 1922માં સોવિયત સંઘમાં લેનિને દાખલ કરેલ ન્યૂ ઇકૉનૉમિક પૉલિસી(NEP)નું સમર્થન કર્યું. સાથોસાથ સ્ટાલિનની ત્યારપછીની સામૂહિકીકરણની ઝુંબેશનો વિરોધ કર્યો. સ્ટાલિને ‘ગ્રેટ પર્જ’ (ભારે સાફસૂફી) વ્યૂહરચના યોજેલી ત્યારે 1937માં તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા. બનાવટી આક્ષેપો મૂકી તે અંગે તેમની સામે કામ ચલાવવામાં આવ્યું તથા પક્ષવિરોધી પ્રવૃત્તિઓ માટે તકસીરવાર ઠરાવી મોતની સજા ફરમાવવામાં આવી.

ત્યારબાદ લાંબા સમય સુધી તેમને ફરમાવવામાં આવેલ સજા અંગે પક્ષમાં ભારે ઊહાપોહ ચાલુ રહ્યો. પરિણામે 1987માં તેની તપાસ કરવા અંગે અધિકૃત રીતે ન્યાયિક તપાસ બોર્ડ નીમવામાં આવેલું, જેણે તેમને અગાઉના સ્થાને મરણોત્તર માનભેર પુન:સ્થાપિત કર્યા.

રક્ષા મ. વ્યાસ