બુખારા : મધ્ય એશિયામાં ઉઝબેકિસ્તાન ગણરાજ્યનું મહત્વનું શહેર અને મધ્યયુગની ઇસ્લામી સભ્યતા તથા સંસ્કૃતિનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 39° 50´ ઉ. અ. અને 64° 20´ પૂ. રે. તે અફઘાન સરહદથી 440 કિમી. અને સમરકંદથી પશ્ચિમે 225 કિમી. અંતરે આવેલું છે.

બારમી સદીમાં બંધાયેલો બુખારાનો ગગનચુંબી મિનારો

ઉઝબેક જાતિના તુર્કમાન લોકોની ભૂમિમાં ઝરઅફશાન નામની નદીના કાંઠે વસેલા બુખારાની સ્થાપના ઈસુની પહેલી સદીમાં થઈ હતી. એક સમયે આ વિસ્તારમાં બૌદ્ધ ધર્મ પ્રવર્તમાન હતો. સાતમા સૈકાના ચીની ગ્રંથોમાં બુખારાનો ઉલ્લેખ મળે છે. જોકે તેનું સ્થાનિક નામ ‘પૂહૂ’ અથવા ‘પૂહર’ પ્રચલિત હતું. આરબોએ આઠમા સૈકામાં ટ્રાન્સઑક્સિયાના–માવરા ઉનનહર વિસ્તારમાં પ્રવેશ કર્યો ત્યારે તે વેપારનું કેન્દ્ર હતું. ત્યારબાદ બુખારાનું ઐતિહાસિક મહત્વ વધી ગયું. શરૂઆતના આરબ વર્ચસ્ પછી નવમી-દસમી સદીમાં ઈરાનના સાસાની વંશના સ્વતંત્ર રાજ્યનું તે પાટનગર બન્યું અને ફારસી ભાષાના વિકાસનું એક મહત્વનું કેન્દ્ર બની ગયું. દસમા સૈકામાં વસ્તીની ગીચતાને લઈને તેની પડતી થઈ અને બુખારાનું સ્થાન સમરકંદે લઈ લીધું. બુખારાના ઇતિહાસમાં બારમા સૈકામાં બુરહાન નામના એક વિદ્વાન ખાનદાને પોતાના સાંપ્રદાયિક રાજ્ય દીની હકૂમતની સ્થાપના કરી હતી. આમ આઠમીથી તેરમી સદીની શરૂઆત સુધીના લગભગ 500 વર્ષના ગાળા માટે મધ્ય એશિયાનું આ જૂનું શહેર મુસ્લિમ સંસ્કૃતિનું કેન્દ્ર ગણાતું હતું.

બુખારા પર થોડા સમય માટે ચીની પ્રભુત્વ પણ રહ્યું હતું. બુખારા જ્યારે મધ્ય એશિયાના સામ્રાજ્યનો ભાગ હતું ત્યારે 1220માં ચંગીઝખાને તેને તારાજ કર્યું હતું. પાછળથી ઇસ્લામ ધર્મ સ્વીકારીને વસી ગયેલા મૉંગોલ તથા તૈમૂરી લોકોએ બુખારાને આબાદ કર્યું હતું. 1506માં ઉઝબેક જાતિના શયબાનીખાને પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપીને બુખારા શહેરને ઉઝબેકોનું નગર બનાવી દીધું. ઓગણીસમા સૈકામાં રશિયા સાથે તેના આર્થિક સંબંધો બંધાયા અને 1910માં તે સોવિયેત રશિયાનો ભાગ બની ગયો. 1980ના દાયકામાં રશિયાના વિભાજન પછી અલગ પડેલા ઉઝબેકિસ્તાન રાજ્યમાં બુખારાનો સમાવેશ થયો છે.

જૂના સમયથી વેપારી કેન્દ્ર તરીકે વિકસેલું આ શહેર આજે પણ મહત્વનું વેપારી કેન્દ્ર રહ્યું છે. અહીં ગાલીચા, રેશમી કાપડ, ઊની કપડાં તથા સુતરાઉ કાપડના ઉદ્યોગો વિકસ્યા છે. બુખારા શહેર ઇસ્લામી શિક્ષણસંસ્થાઓ, સ્થાપત્ય અને સભ્યતા માટે જાણીતું છે. પ્રખ્યાત હદીસ-વિદ અને હદીસ-સંગ્રહ ‘સહીહ અલ બુખારી’ના સંપાદક ઇમામ બુખારીએ સમસ્ત મુસ્લિમ જગતમાં કાયમને માટે બુખારાનું નામ પ્રચલિત બનાવી દીધું છે. આજે પણ બુખારા તેનાં ભવ્ય મસ્જિદો, મદરેસાઓ અને મકબરાઓ માટે જગવિખ્યાત છે. બુખારાથી ઘણાં વિદ્વાન ખાનદાનો ભારતમાં આવીને વસી ગયાં હતાં. અમદાવાદના હઝરત શાહઆલમ મૂળ બુખારી સંત છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

નિયતિ મિસ્ત્રી