બીબી મુઘલી : સિંધના નગરઠઠ્ઠાના રાજા જામ જૂણાની પુત્રી. તે ગુજરાતના સુલતાન મુહમ્મદશાહની બેગમ હતી. ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાની તે માતા થાય. સિંધના રાજા જામને બે પુત્રીઓ હતી – મીર્ઘી(મરકી)બીબી અને મુઘલીબીબી. જામ પોતાની આ પુત્રીઓનાં લગ્ન અનુક્રમે મુહમ્મદશાહ અને શાહઆલમ સાથે કરાવવા ઇચ્છતા હતા અને તે માટે તેમણે માગું પણ કર્યું હતું; પરંતુ મુઘલીબીબી વધારે સુંદર હોવાથી મુહમ્મદશાહે ધન અને બળથી અમીરોને સમજાવીને સગપણમાં ફેરફાર કરાવીને મુઘલીબીબી સાથે લગ્ન કર્યાં. મુહમ્મદશાહ પછી ગુજરાતની ગાદીએ આવનાર કુત્બુદ્દીન મુઘલીબીબીના પુત્ર ફતેહખાન(મહમૂદ બેગડા)ને પકડીને હેરાન કરવા ઇચ્છતો હતો. આથી મુઘલીબીબી પોતાના પુત્ર ફતેહખાનને લઈને પોતાની બહેન મીર્ઘીબીબી અને બનેવી શાહઆલમને આશ્રયે ગઈ હતી. મીર્ઘીબીબીના અવસાન પછી છેવટે મુઘલીબીબી સાથે શાહઆલમનું લગ્ન થયું. મુઘલીબીબીની કબર અમદાવાદમાં માણેકચોકમાં રાણીના હજીરામાં આવી હોવાનું મનાય છે.

થૉમસ પરમાર