બી.બી.સી. : બ્રિટનની સરકારી માલિકીની રેડિયો-ટેલિવિઝન પ્રસારણસંસ્થા. પૂરું નામ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન. 1922માં એમ્પાયર બ્રૉડકાસ્ટિંગ સર્વિસ નામે ખાનગી પેઢી સ્થપાઈ. તેનું રાષ્ટ્રીયકરણ કરી, 1927માં બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન નામે સંસ્થા એક ખાસ કાયદાથી સ્થાપવામાં આવી. 1922માં નિમાયેલા તેના પ્રથમ નિયામક જૉન રિટ 1938માં નિવૃત્ત થયા. સ્થાપનાપત્રમાં જ અમુક ખાસ બાબતો અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી : એક, સંસ્થા ધંધાદારી વિજ્ઞાપનો સ્વીકારશે નહિ. બે, સમાચાર-પ્રસારણમાં રાજકીય પૂર્વગ્રહો કે પક્ષપાત દાખવશે નહિ. વ્યવહારમાં આ પ્રાવધાનનું ઉલ્લંઘન સામાન્ય છે; જેમ કે છૂટીછવાયી જાહેરખબરો લેવાતી નથી, પણ પૂરા કાર્યક્રમો વેચાણ અપાય છે. વળી, ‘હિન્દુએ મુસલમાનની કૂતરીને ગોળી મારી’ જેવા સમાચારોને વિશેષ સ્થાન અપાય છે. કાશ્મીરનો ઉલ્લેખ ‘……..ભારતશાસિત કાશ્મીર’ (ઇંડિયન એડમિનિસ્ટર્ડ કાશ્મીર) એ રીતે કરાય છે. ભારતીય જનતા પક્ષના નામનો ઉલ્લેખ હંમેશાં ‘હિન્દુ બીજેપી’ તથા તે જ રીતે શિવસેનાનો ‘હિન્દુ શિવસેના’ એ રીતે કરાય છે. બાબરી ધ્વંસ પ્રસંગે થયેલાં તોફાનોના સમાચારોમાં વિકૃતિ અંગે સંસ્થાએ ક્ષમા માગવી પડેલી. ભારતમાં અશાંતિના પ્રસંગોને તે હિન્દુ-મુસલમાન-ખ્રિસ્તી-શીખ એમ સાંપ્રદાયિક રંગે રંગવાનું ચૂકતી નથી.

બી.બી.સી.નું લંડન ખાતેનું પ્રસારણકેન્દ્ર

આથી વિરુદ્ધ બૉસ્નિયાના પ્રસંગોને તે ખ્રિસ્તી-મુસલમાન સંઘર્ષના બદલે સર્વ-બૉસ્નિયાઈ સંઘર્ષ કહે છે. કાશ્મીરના તેના વૃત્તાંતનિવેદક યૂસુફ જમીલને 27 મે 1995ની શ્રીનગરની પત્રકાર પરિષદમાંથી ભારતના તત્કાલીન પ્રમુખ ચૂંટણી કમિશનર શેષને કાઢી મૂક્યો હતો. બ્રિટનનાં ‘ટેલિગ્રાફ’ તથા ‘ધ ટાઇમ્સે’ પણ બીબીસીના આ વલણની ટીકા કરી હતી. ભારતમાં દિલ્હી તથા મુંબઈમાં બીબીસીના વૃત્તાંતનિવેદકો છે. થોડાં વર્ષ ઉપર થયેલા એક સર્વેક્ષણ મુજબ સમાચારમાં તેનો ક્રમ તેરમો હતો. અત્યારે ઉપગ્રહો તથા સ્થાનિક મથકો દ્વારા બીબીસી વિશ્વના લગભગ બધા દેશોમાં હિન્દી ઉપરાંત 42 ભાષાઓમાં રેડિયો-ટીવી-પ્રસારણ કરે છે. સમાચારોનું પ્રસારણ દર કલાકે કરે છે. વિશ્વ-સમાચાર ઉપરાંત પ્રાદેશિક સમાચારો અને વિશેષ રૂપે આર્થિક તથા વૈજ્ઞાનિક સમાચારો આપે છે. વળી રમતગમતના નાનામોટા પ્રસંગોના સમાચારો પણ તે આપે છે અને ઘટનાઓનું વિશ્લેષણ પણ પ્રસારે છે. ટીવી-સમાચારોમાં ઘટનાનાં ર્દશ્યોનું પ્રસારણ તેની વિશેષતા છે. તેનો દાવો છે કે તેના શ્રોતા-પ્રેક્ષકોનું વર્તુળ 13 કરોડથી વધારેનું છે. વિજ્ઞાપનોની આવક નહિ હોવાથી, તે દેશમાં પરવાના-શુલ્ક ઉઘરાવે છે. આવકનો બીજો મોટો સ્રોત તેનાં પ્રકાશનોનું વેચાણ છે.

લિબિયા તથા ઈરાન જેવા દેશોમાં બીબીસીનું પ્રસારણ ઝીલવા પર પ્રતિબંધ છે. ચીને બીબીસીનું પ્રસારણ રોકવા પગલાં લીધાં છે. સોવિયેટ સંઘે 24 વર્ષ સુધી બીબીસીના પ્રસારણ સામે પ્રતિપ્રસારણ કરી તેની અસર નાબૂદ કરી હતી. છેક 1988માં રશિયાએ એની ભૂતકાળની નીતિમાં સુધારો કરી પ્રતિબંધો દૂર કર્યા.

બંસીધર શુક્લ