બીબીજી કી મસ્જિદ : અમદાવાદમાં રાજપુર-ગોમતીપુરના વિસ્તારમાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ ગુજરાતના સુલતાન કુત્બુદ્દીને (1451–1459) સૈયદ ખુદમીરની માતા બીબીજી માટે 1454માં બંધાવી હતી. લેખમાં મસ્જિદને જુમા મસ્જિદ તરીકે ઓળખાવી છે. તેનો નિર્માણકાલ ઈ. સ. 1454 છે. હાલ આ મસ્જિદ ગોમતીપુરની મિનારાવાળી મસ્જિદ તરીકે ઓળખાય છે. મસ્જિદના મકસૂરા(મુખભાગ)માં મુખ્ય કમાનની બંને બાજુ મિનારા આવેલા હતા;

બીબીજી કી મસ્જિદ

પરંતુ તેમાંનો દક્ષિણ બાજુનો મિનારો વીજળી પડવાને કારણે તૂટી ગયો હતો તેથી તે અડધા કદનો છે. ઉત્તર બાજુનો મિનારો સંપૂર્ણ છે. એક મિનારાને હલાવતાં બીજો મિનારો પણ હાલતો હતો. ઉત્તર બાજુના મિનારાને હલાવવાથી કંપનનો અનુભવ આજે પણ થાય છે. મસ્જિદમાં મુલુકખાનું આવેલું છે. તેની કમાનો સુશોભન પૂરતી છે. લિવાનનો મધ્યનો ભાગ ઊંચો કરેલો છે અને તે ચારેય બાજુથી ખુલ્લો હોવાથી મસ્જિદમાં હવા-પ્રકાશ આવી શકે છે.

થૉમસ પરમાર