બીડલ, જ્યૉર્જ વેલ્સ (જ. 22 ઑક્ટોબર 1903, વાહો (Wahot), નેબ્રાસ્કા, યુ.એસ.; અ. 9 જૂન 1989) : વિશ્વવિખ્યાત અમેરિકન જનીનશાસ્ત્રી અને નોબેલ પારિતોષિકવિજેતા. તેમણે જૈવ-રાસાયણિક જનીનશાસ્ત્રના ક્ષેત્રે મહત્વનું સંશોધન કરી જૈવ-રાસાયણિક જનીનવિદ્યા(biochemical genetics)નો ‘જનીનો પાયો નાંખ્યો. ‘જનીનો ઉત્સેચકોની રચના નક્કી કરે છે અને તેમની ચયાપચયી પ્રક્રિયા દ્વારા આનુવંશિક લક્ષણો ઉદભવે છે’ એવું તેમણે પ્રયોગો દ્વારા સાબિત કરી આપ્યું. તેની મદદથી જનીનો જૈવરાસાયણિક ક્રિયાપથોનું કેવી રીતે નિયંત્રણ કરે છે તે જાણી શકાયું.

જ્યૉર્જ વેલ્સ બીડલ

તેઓ 1926માં નેબ્રાસ્કા યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા અને 1927માં અનુસ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે કૉર્નેલ યુનિવર્સિટીમાં પ્રો. આર. એ. એમર્સનના માર્ગદર્શન હેઠલ કૉર્ન-જેનેટિક્સમાં સંશોધન કરીને 1931માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. નૅશનલ રિસર્ચ ફેલોશિપ મળતાં તેઓ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં પ્રખ્યાત જનીનશાસ્ત્રી ટૉમસ હન્ટ મૉર્ગનની પ્રયોગશાળામાં જોડાયા. ત્યાં તેમણે ફળમાખી (fruit fly), ડ્રોસોફિલા મેલૅનોગેસ્ટર ઉપર જનીનિક સંશોધન શરૂ કર્યું. આ સંશોધનના આધારે જનીનો રાસાયણિક રીતે આનુવંશિકતા ઉપર અસર કરે છે એમ પ્રતિપાદન કર્યું. 1935માં તેમણે એક વર્ષ પૅરિસ ખાતે બોરિસ એફ્રુસી સાથે સંશોધન કર્યું. ત્યાં તેમને ડ્રોસોફિલામાં આંખના રંજકકણ-નિર્માણમાં રહેલી કેટલીક આનુવંશિક ખામીઓ ધ્યાનમાં આવી. પૅરિસની ઇન્સ્ટિટ્યૂટ દ બાયોલાજ ફિઝિકો-કેમિક પ્રયોગશાળામાં સંશોધન કરતાં ડ્રોસોફિલામાં ઉદભવતા રાસાયણિક ફેરફારો માટે કારણભૂત જટિલ તાંત્રિક જ્ઞાન અંગેની રૂપરેખા તૈયાર કરી. આ સંશોધનને કારણે તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે કોઈ પણ એકાદ લક્ષણ (ઉદા. આંખનો રંગ) એ લાંબી રાસાયણિક પ્રક્રિયાઓની હારમાળાનું પરિણામ છે અને તેમાં જનીનો અગત્યનો ભાગ ભજવે છે.

એકાદ વર્ષ હાર્વર્ડ ખાતે જીવવિજ્ઞાન વિભાગમાં કામ કર્યા પછી તેઓ સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા, જ્યાં 1946 સુધી જીવવિજ્ઞાન વિભાગમાં કામ કર્યું. આ સમયગાળામાં તેમણે ઈ. એલ. ટૅટમની સાથે નોંધપાત્ર સંશોધનકાર્ય કર્યું. ન્યૂરોસ્પોરા ક્રૅસા નામની બ્રેડ ઉપરની ફૂગ ઉપર પ્રયોગો કરતાં વિટામિનો અને ઍમિનોઍસિડનું સંશ્લેષણ જનીનોને આભારી છે એમ સમજાયું. ન્યૂરોસ્પોરામાં જનીનિક ફેરફારો કે વિકૃતિઓ(mutations)નો આનુવંશિક અભ્યાસ ઘણી સરળતાથી થઈ શકે છે તે ધ્યાનમાં આવતાં તેમણે ફૂગના હજારો ર્દઢાણુ(spores)ને વિકસાવ્યા. આ ફૂગને એક્સ-કિરણનાં વિકિરણો આપવાથી વિકૃતિઓ સર્જાઈ અને વિટામિન-બી6 બનાવવાની તેમની ક્ષમતાને અસરગ્રસ્ત કરી. આ વિકૃતિ વારસાગત રીતે બીજી પેઢીઓમાં પણ ઊતરી. કેટલીક વિકૃત ન્યૂરોસ્પોરામાં પોષણ અંગની જરૂરિયાતો પર અસર થઈ. આ સંશોધન ઉપરથી તેમણે એવું તારવ્યું કે દરેક જનીન વિશિષ્ટ ઉત્સેચકની રચના નક્કી કરે છે. આ ઉપરથી ‘એક જનીન એક ઉત્સેચક’ની સંકલ્પના ઉદભવી. તેમણે અને ટેટમે જનીનોની ક્રિયાપ્રવિધિ (mechquism) અંગે સંશોધન કરીને જણાવ્યું તે જનીનો ચોક્કસ પ્રકારની રાસાયણિક ઘટનાઓનું નિયમન કરીને પોતાનું કાર્ય કરે છે. બીડલ, એડવર્ડ લોરી ટેટમ અને જોશુઆ લેડરબર્ગને તેમના આ મહત્વના સંશોધન માટે સંયુક્ત રીતે દેહધર્મ અને આયુર્વિજ્ઞાનનું 1958નું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.

બીડલ અને ટેટમના સંશોધનલેખ જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓનું જનીનિક નિયંત્રણ genetic control of bio-chemical reactions in neurospora બાયૉટૅકનૉલૉજીના પ્રકાશનથી ન્યૂરોસ્પોરામાંના ક્ષેત્રે નવાં દ્વાર ખૂલી ગયાં.

1946થી 1963 સુધી તેઓ કૅલિફૉર્નિયા, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીના જીવવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષપદે રહ્યા અને ત્યારબાદ 1963થી શિકાગો યુનિવર્સિટીમાં આર. વેન્ડલ હરિસનના અનુગામી તરીકે પ્રથમ ચાન્સેલર અને ત્યારબાદ અધ્યક્ષપદે રહ્યા. તેઓ 1968થી 1970માં અમેરિકન મેડિકલ એસોસિયેશનની ઇન્સ્ટિટ્યૂટ ફૉર બાયૉકેમિકલ રિસર્ચના નિયામક હતા.

અમેરિકા અને ઇંગ્લૅન્ડની  અનેક યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ઉપાધિઓ એનાયત કરી છે. નોબેલ પારિતોષિક ઉપરાંત તેમને લાસ્કર એવૉર્ડ (1950), ડેર લેક્ચરરશિપ ઍવૉર્ડ (1951), આલ્બર્ટ આઇન્સ્ટાઇન કૉમેમૉરેટિવ ઍવૉર્ડ (1958) વગેરે દેશ-વિદેશનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. વળી તેઓ નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, રૉયલ ડેનિશ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ અને રૉયલ સોસાયટીના માનાર્હ સભ્ય બન્યા. છેલ્લે તેઓ અમેરિકન એસોસિયેશન ફૉર એડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સ અને જેનેટિક્સ સોસાયટી ઑવ્ અમેરિકાના અધ્યક્ષપદે હતા. તેમના ગ્રંથોમાં નીચેના મુખ્ય છે :

(1) ઍન ઇન્ટ્રોડક્શન ટુ જેનેટિક્સ (1939, એ. એચ. સ્તર્તયાં સાથે),

(2) જેનિટિક્સ ઍન્ડ મૉડર્ન બાયૉલૉજી (1963), અને

(3) ધ લગ્વેજ ઑવ્ લાઇફ (1966, તેમનાં પત્ની મ્યુરિયેલ બીડલની સાથે).

શિલીન નં. શુક્લ

રા. ય. ગુપ્તે