બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આણંદ : તમાકુનું રોકડિયા પાક તરીકે વિશેષ મહત્વ છે. કૃષિક્ષેત્રે આ પાક સૌથી વધુ જકાત(એક્સાઇઝ)ની આવક તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે. વળી આ પાકની ખેતી અને ઉત્પાદનની પશ્ચાદવર્તી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં માનવીને રોજી-રોટી મળે છે. આ અગત્યને ધ્યાનમાં લઈ તમાકુ-સંશોધનની કામગીરી ઈ.સ. 1947થી ખેડીવાડી સંસ્થા, આણંદ ખાતે શરૂ કરવામાં આવી. આ કેન્દ્ર ખાતે બીડી-તમાકુ, ખાવાની તમાકુ અને કલકત્તી પ્રકારની તમાકુ ઉપર સંશોધન-કામગીરી ચાલે છે. આણંદ ખાતે બીડી-તમાકુ-સંશોધનકેન્દ્ર વિવિધલક્ષી સંશોધન-કામગીરી કરે છે. તેના પ્રાદેશિક પેટા-ચકાસણીકેન્દ્રો આણંદ, વિજાપુર, લાડોલ અને ધર્મજ ખાતે કાર્યરત છે.

ગુજરાત રાજ્યમાં તમાકુના પાકનું વાવેતર અંદાજે 1.0 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે, જે ભારતના કુલ વાવેતર-વિસ્તારના 25 % જેટલું છે. ઉત્પાદનક્ષેત્રે 30 % ફાળો ગુજરાતનો છે. પ્રતિહેક્ટરે મળતી ઉત્પાદકતા (1,631 કિગ્રા./હેક્ટર)માં ગુજરાત દેશમાં મોખરે છે.

અવિરત સંશોધન-કામગીરીના ફળસ્વરૂપે આ કેન્દ્ર પરથી અત્યારસુધીમાં વધુ ઉત્પાદન આપતી, સ્વાસ્થ્ય માટે ઓછી નુકસાનકારક, રોગપ્રતિકારક, સુગંધિત પ્રકારની તેમજ સૂકી ખેતીને અનુકૂળ એમ બધી મળી કુલ આઠ જાતોની ખેડૂત માટે ભલામણ કરવામાં આવેલ છે. વધુમાં આ કેન્દ્ર પરથી ક્ષેત્રવિજ્ઞાનને લગતી 56 તેમજ પાક-સંરક્ષણ ક્ષેત્રે કુલ 20 – એમ બધી મળી કુલ 76 ખેડૂત-ઉપયોગી ભલામણો કરવામાં આવેલ છે.

અરવિંદભાઈ મણિલાલ અમીન