બીચ, આલ્ફ્રેડ એલી (જ. 1 સપ્ટેમ્બર 1826, સ્પ્રિંગફિલ્ડ, મૅસેચૂસેટ્સ; અ. 1 જાન્યુઆરી 1896, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના એક ખ્યાતનામ શોધક તથા પ્રકાશક. તેમના પિતાનું નામ મોઝેસ યેલ તથા માતાનું નામ નૅન્સી ડે હતું. બીચ જ્યારે મૅસેચૂસેટ્સમાં આવેલી મોનસન એકૅડેમીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતાએ ‘ન્યૂયૉર્ક સન’ નામનું પ્રકાશન ખરીદી લીધું અને 22 વર્ષની યુવાન-વયે તેઓ તેમના ભાઈ મૉસેઝ બીચની સાથે, તેના પ્રકાશક બન્યા. તે સમયનું નવું એક સામયિક ‘સાયન્ટિફિક અમેરિકન’ તેમને આકર્ષી ગયું. તેમણે તે ખરીદી લીધું. તે પછી તેઓ તેના સંપાદક બન્યા. 1846માં ઑરસન ડી. મનની સાથે ‘મન ઍન્ડ કંપની’ નામની પ્રકાશનની પેઢી સ્થાપી. 30મી જૂન 1847ના રોજ તેઓ હેરિયટ એલિઝા હોલબ્રુક સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
બીચે ટાઇપરાઇટરની શોધ કરી અને 1847માં તેની પેટન્ટ મેળવી. ત્યારબાદ તેમણે અંધજનો માટેનું ટાઇપરાઇટર વિકસાવ્યું અને તેની પેટન્ટ 1857માં મેળવી. તેમણે ‘ન્યૂમેટિક કેરિયર સિસ્ટમ’ વિકસાવી. આ પદ્ધતિમાં એક ટ્યૂબમાં સરકી શકે તેવો નળાકાર પસંદ કરવામાં આવે છે. આ નળાકાર ટ્યૂબની અંદર એક છેડાથી બીજા છેડા સુધી હવાના પ્રવાહના દબાણને કારણે, અથવા તો એક તરફ એર-કમ્પ્રેસર દ્વારા ઉત્પન્ન થતા શૂન્યાવકાશ(અથવા એર-કમ્પ્રેસર દ્વારા હવા શોષી લેતાં ઉત્પન્ન થયેલ હવાના અતિ ઓછા દબાણ)ના કારણે, સરકી શકે છે. 1868માં તેમણે 120મા સેમી. લાંબી ન્યૂમૅટિક ટ્યૂબ વિકસાવી. તેની મદદથી ટપાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાતી. આ પહેલાં 1867માં તેમણે ન્યૂયૉર્ક સિટીમાં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટના એક મેળામાં શક્તિશાળી પંખાની મદદથી ચાલતી એક ન્યૂમૅટિક ટ્યૂબનું પ્રદર્શન કર્યું, જેમાં 10 મુસાફરો બેસી શકે તેવી કાર એક છેડેથી બીજા છેડે હવાના પ્રવાહ વડે મોકલી શકાતી હતી. ન્યૂયૉર્ક સિટીમાં બ્રૉડવેની 90 મીટર નીચે વૉરન અને મરે નામની બે ગલીઓ વચ્ચે 240 સેમી.નો વ્યાસ ધરાવતું એક બોગદું ખોદી 100 અશ્વશક્તિ (Horse Power) ધરાવતા બ્લોઅર વડે તેમાં રાખેલ કારને સફળતાપૂર્વક આગળ-પાછળ સરકાવી હતી; પરંતુ તે સમયના ન્યૂયૉર્ક સિટીની એક વગદાર રાજકીય વ્યક્તિ બૉસ ટિડલરના વિરોધના કારણે, 1873ની આર્થિક મંદી તથા અંતમાં ઇલેક્ટ્રિક ટ્રૅક્શનના આગમનના કારણે આ યોજના પડી ભાંગી.
આ ઉપરાંત બીચે 1864માં ‘કેબલ-રેલ’ તેમજ ‘ટનલ-શીલ્ડ’ પણ વિકસાવ્યાં હતાં. ટાઇપરાઇટર વિકસાવવા બદલ તેમને 1856માં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટનો સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો.
મિહિર જોશી