બીજ (મંત્ર)

January, 2000

બીજ (મંત્ર) : તંત્રની સાધના કરવા માટે જે મંત્રનો જપ કરવામાં આવે છે તે મંત્રનો એક ભાગ. તાંત્રિકો નિયત સિદ્ધિ મેળવવા નિયત ઇષ્ટદેવના મંત્રનો જપ કરે છે. આ મંત્રની આગળ, પાછળ કે વચ્ચે કોઈ દેવ કે દેવીના અર્થનો સંકેત ધરાવતા અક્ષરો મૂકે છે. આ અક્ષરોને ‘બીજાક્ષર’ કહે છે. અને તે અક્ષરો મંત્રનો ભાગ બનતાં તેને ‘બીજમંત્ર’ પણ કહે છે; દા.ત., नम: शिवाय અર્થાત્ શિવને નમસ્કાર હો. આ મુખ્ય મંત્ર છે. તેની આગળ ૐ મૂકવામાં આવે તેને બીજ અથવા બીજાક્ષર કે બીજમંત્ર કહેવાય. આથી આખો મંત્ર ‘ૐ नम: शिवाय’ એવો થશે. ૐ બીજ अ + उ + म् મળીને બન્યો છે. અહીં अ = વિષ્ણુ, उ = શિવ અને म् એટલે બ્રહ્મા એવો અર્થ થાય છે; પરંતુ સામાન્ય માણસને આ અર્થની ખબર નથી હોતી, તાંત્રિકોને જ તેની ખબર પડે છે. તેથી સામાન્ય માણસોથી ન જણાય તેવી રીતે આ તાંત્રિક ગુરુઓ અને તેમના અધિકારી શિષ્યો આ મંત્રને ગુપ્ત રાખી, તેનો જપ કરી ઇષ્ટ વસ્તુને મેળવી શકે છે. એટલે જેમ બીજગણિતમાં ચોક્કસ આંકડાઓ માટે क्ष, य, र જેવાં બીજરૂપો પ્રયોજવામાં આવે છે એ રીતે અહીં મંત્રમાં દેવ કે દેવીના અર્થના વાચક બીજ શબ્દો પ્રયોજવામાં આવે છે.

પ્રાચીન ભારતમાં તાંત્રિકો અનેક જુદાં જુદાં દેવદેવીઓનાં અનેક તંત્રોની ઉપાસના કરતા હોવાથી પાંચ સોથી વધુ તંત્રો પ્રચલિત હતાં. આજે એમાંથી મોટાભાગનાં તંત્રો અંતિમ તાંત્રિકના મૃત્યુ સાથે નાશ પામ્યાં છે, કારણ કે અંતિમ તાંત્રિકને કોઈ અધિકારી શિષ્ય મળ્યો જ નહિ. આ ગુરુઓ અધિકારી શિષ્યને જ તંત્રવિદ્યા આપી શકે. અનધિકારીને પોતાનું તંત્ર શીખવી શકે નહિ. તેથી તે તંત્રના છેલ્લા ગુરુએ અધિકારી શિષ્ય ન મળવાથી કોઈને શીખવ્યું ન હોવાથી એ ગુરુ સાથે જ તે તંત્ર નાશ પામ્યું છે.

આમ છતાં અલ્પ સંખ્યામાં જે તંત્રો પ્રગટ થયાં છે એ પણ બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન એ ત્રણેય પરંપરાઓનાં છે. કેટલાક વિદેશી વિદ્વાનો એમ માને છે કે બીજની ઉત્પત્તિ બૌદ્ધોના સાંપ્રદાયિક ગ્રંથોમાંથી થઈ છે. બૌદ્ધોના વજ્રયાન વગેરે સંપ્રદાયના ધાર્મિક ગ્રંથો સૂત્રોમાં રચાયેલા છે. એ સૂત્રોને સમજવા માટે નાની નાની ધરણીઓ રચવામાં આવી છે. એ ધરણીઓ જ તાંત્રિક ગ્રંથોમાં બીજ અને મંત્રોમાં પરિવર્તન પામી છે. મીમાંસાશાસ્ત્રમાં અક્ષરોમાં દેવતાઓની કલ્પના કરવામાં આવી છે. મીમાંસકો માને છે કે શબ્દ શાશ્વત છે અને એમાં અર્થ રહેલો છે. અર્થનું જ્ઞાન મેળવનાર મનુષ્યમાં અર્થ રહેલો નથી. શબ્દમાં અર્થ છે, તેથી એ શબ્દ જે વર્ણો કે અક્ષરોનો બનેલો છે તે અક્ષરોમાં પણ અર્થ રહેલો છે. એટલે એમાં ચોક્કસ દેવ કે દેવીનો અર્થ રહેલો છે. દેવ કે દેવી અવિનાશી છે, માટે શબ્દ અને અક્ષર પણ અવિનાશી છે. શબ્દ એ અર્થનો સંકેત છે એ રીતે અર્થ સંકેતનું વ્યાપક રૂપ છે. આ સંદર્ભમાં તંત્રશાસ્ત્રમાં શબ્દબ્રહ્મની કલ્પના કરવામાં આવી છે. શબ્દબ્રહ્મમાંથી જ દિવ્યા અને માનુષી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. આવા અક્ષરો મંત્રમાં રહેલા હોય છે, તેથી મંત્ર પોતે તો અવિનાશી છે જ, સાથે સાથે ચોક્કસ દેવ કે દેવીનો સંકેત આપતા તેમાં રહેલા અક્ષરો અને અક્ષરોનાં બનેલાં બીજો પણ અવિનાશી છે. બીજમાં મંત્રના આખા શબ્દને ચોક્કસ અક્ષરમાં ઘનીભૂત કરવામાં આવે છે. આ બીજને ઉચ્ચારવાથી મંત્ર સિદ્ધ થાય છે અને ચોક્કસ ફળ આપે છે. આવા મંત્રના બીજમાં એટલે ગૂઢ મંત્રમાં દેવ કે દેવીને પ્રસન્ન કરવાની શક્તિ રહેલી છે. આવા બીજમંત્રો ચારથી માંડી નવ અક્ષરોના બનેલા હોય છે. બીજ સિવાયનો મંત્રનો ભાગ એ મુખ્ય મંત્ર હોય છે અને તે સ્પષ્ટ અર્થવાળો હોય છે; દા.ત., ‘ૐ નમો નારાયણાય’ એ બીજ સાથેના મંત્રમાં ૐકાર અથવા પ્રણવ કે જેને તંત્રશાસ્ત્રમાં ‘તાર’ એવા નામથી ઓળખે છે તે ‘ૐ’ બીજ કહેવાય છે, જ્યારે ‘નમો નારાયણાય’ એ મુખ્ય કે પ્રધાન મંત્ર છે. ૐમાં રહેલા અ, ઉ અને મ્ એ બીજાક્ષરો કહેવાય છે. એ બીજાક્ષરો ચોક્કસ દેવતાઓનાં પ્રતીકો છે. અલબત્ત, યંત્રોમાં દેવતાઓનાં પ્રતીકો તરીકે બિંદુ, ત્રિકોણ, વર્તુળ વગેરે મૂકવામાં આવે છે એ નોંધવું ઘટે. તંત્રશાસ્ત્ર મુજબ સાત કરોડ મહામંત્રો છે કે જે સાત બીજાક્ષરોના બનેલા અને સાત સિદ્ધિઓ આપનારા છે. એમાં સાત બીજોની સાથે સાત અંકુરો પણ રહેલા હોવાની વાત પણ કરવામાં આવી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી