બિસ્મિલ, રામપ્રસાદ (જ. 1897, શાહજહાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 19 ડિસેમ્બર 1927, ગોરખપુર) : ભારતીય ક્રાંતિકારી. રામપ્રસાદના પિતાનું નામ મુરલીધર તિવારી હતું. રામપ્રસાદે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમણે યુવાન વયે રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લેવા માંડ્યો. તે હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન નામની ક્રાંતિકારી સંસ્થાના સભ્ય બન્યા. ઑક્ટોબર 1924માં ક્રાંતિકારીઓની પરિષદ કાનપુરમાં ભરવામાં આવી. તેમાં દેશના વિવિધ પ્રાંતોના ક્રાંતિકારી નેતાઓ હાજર રહ્યા હતા. તે નેતાઓએ હિંદુસ્તાન રિપબ્લિકન ઍસોસિયેશનની સ્થાપના કરી. પાછળથી તે ‘હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિએશન’ નામથી જાણીતું થયું. તેનો ઉદ્દેશ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતનું પ્રજાસત્તાક સમવાયતંત્ર સ્થાપવાનો હતો.
કાનપુર પરિષદના નિર્ણયાનુસાર ઉત્તરપ્રદેશમાં ક્રાંતિકારી ચળવળનું સંગઠન સાધવાની જવાબદારી રામપ્રસાદને સોંપવામાં આવી હતી. તેનું સંગઠન બંગાળની ક્રાંતિકારી સમિતિઓ જેવું હતું અને તેની નાણાની તંગી નિવારવાનો એકમાત્ર ઉપાય લૂંટ કરવાનો હતો. રામપ્રસાદે એમાં નવો વિચાર દાખલ કરીને નિર્ણય કર્યો કે કોઈ ખાનગી વ્યક્તિનાં નહિ, પરંતુ સરકારનાં જ નાણાં લૂંટવાં. તેમના આયોજન મુજબ ઉત્તર રેલવેના સહરાનપુર–લખનૌ વિભાગમાં કાકોરીથી આલમનગર તરફ જતી રેલવે-ટ્રેનમાં 9 ઑગસ્ટ 1925ના રોજ કરેલી લૂંટ નોંધપાત્ર હતી. ગાડીમાં બેઠેલા આશરે દસ ક્રાંતિકારી યુવાનોએ સાંકળ ખેંચીને ટ્રેન થોભાવી. રિવૉલ્વર ધરીને ગાર્ડને પકડી રાખ્યો. પ્રવાસીઓને ડબ્બામાં બેસાડી રાખવા રિવૉલ્વરમાંથી આડેધડ ગોળીબારો કરવામાં આવ્યા. ગાર્ડના ડબ્બામાંની લોખંડની તિજોરીમાંથી નાણાં લૂંટીને સૌ ક્રાંતિકારીઓ નાસી ગયા. તે પછી તેમની ધરપકડ કરવામાં આવી. રામપ્રસાદ, આ ઉપરાંત શેરગંજ, બિચપુરી અને મૈનપુરીના ક્રાંતિકારી હુમલાઓમાં પણ સંડોવાયેલા હતા. કાકોરી કાવતરા કેસ એક વર્ષ કરતાં વધુ સમય ચાલ્યો. આ દરમિયાન તેમના પ્રત્યેના ઘાતકી વર્તાવના વિરોધમાં રાજકીય કેદીઓએ ઉપવાસ પણ કર્યા હતા. ગોરખપુરની જેલમાં તેને ફાંસીએ લટકાવવામા્ં આવ્યા ત્યારે તેમના છેલ્લા શબ્દો આ હતા : ‘ બ્રિટિશ સામ્રાજ્યનું પતન થાય એવી હું ઇચ્છા રાખું છું.’
જયકુમાર ર. શુક્લ