બિસ્મિલ્લાખાં (જ. 21 માર્ચ 1916, ડુમરાવ, જિ. ભોજપુર; અ. 21 ઑગસ્ટ 2006, વારાણસી) : પરંપરાગત વાદ્ય શરણાઈને આધુનિક યુગમાં વિશેષ પ્રચલિત બનાવનાર વિખ્યાત ભારતીય કલાકાર. છેલ્લા લગભગ પાંચ દાયકાઓ દરમિયાન યોજાયેલાં વિભિન્ન સંમેલનો તથા કાર્યક્રમોની શરૂઆત તેમના શ્રુતિમધુર શરણાઈવાદનથી થતી રહી છે.

બિસ્મિલ્લાખાં

ખાંસાહેબનો જન્મ પ્રસિદ્ધ શરણાઈવાદકોના કુટુંબમાં થયો હતો. તેમના દાદા રસૂલબક્ષ તથા પરદાદા ભોજપુર દરબારમાં શરણાઈવાદક હતા. પિતા ઉસ્તાદ પૈગંબરબક્ષ પણ સારા સંગીતકાર હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની તાલીમ 6 વર્ષની ઉંમરથી તેમના મામા ઉસ્તાદ અલીબક્ષ પાસેથી લેવાની શરૂઆત કરી હતી. અલીબક્ષ વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરમાં શરણાઈ વગાડતા હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈ સાથે સાથે એહમદહુસેનખાં પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ લીધી હતી. ઉપરાંત તેમણે હાર્મોનિયમની તાલીમ લક્ષ્મણપ્રસાદ તથા ગ્વાલિયરના ગણપતરાવ ભૈયા પાસેથી મેળવી. મામાની સાથે નાની ઉંમરથી જ અનેક સંગીતસંમેલનોમાં હાજર રહેવાની તેમને તક મળી. સખત રિયાઝને પરિણામે આશરે 16 વર્ષની નાની વયે તો તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં કુશળ કલાકાર તરીકે ઓળખાવા લાગ્યા. 1926માં પ્રયાગ સંગીત વિદ્યાલયના સંગીતસમારોહમાં શરણાઈ વગાડવા માટે તેમને સુવર્ણચંદ્રક મળ્યો અને ત્યારથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળતી ગઈ. શાસ્ત્રીય સંગીતના લગભગ દરેક મોટા સંગીતસંમેલનમાં તેમનું શરણાઈવાદન રજૂ થવા માંડ્યું. તેમની જોડે તેમના ભાઈ શમ્સુદ્દીનખાં પણ શરણાઈ વગાડતા હતા. પરંતુ તેઓ લાંબું જીવ્યા નહિ.

શરણાઈનો સમાજમાં પ્રચાર થાય એ માટે કાશીમાં ખાંસાહેબે શરણાઈવાદન માટેની એક પાઠશાળા ખોલી છે. રોજ સવારે ગંગાતટે જઈ શરણાઈવાદન કરવું એવો ખાંસાહેબનો નિત્યક્રમ છે.

1956માં શરણાઈવાદન માટે ખાંસાહેબને રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવેલા. 1962માં અફઘાનિસ્તાનના પ્રવાસ દરમિયાન તે દેશના તત્કાલીન બાદશાહ ઝહીરશાહે બિસ્મિલ્લાખાંનું જાહેર સન્માન કર્યું હતું. 1965માં લંડનમાં યોજાયેલ એડિનબરો ફેસ્ટિવલમાં અને કૉમનવેલ્થ ફેસ્ટિવલમાં તથા 1967માં કૅનેડાના મૉન્ટ્રિયલ નગરમાં યોજાયેલ ‘એક્સપો’ સમારંભમાં તેમણે શરણાઈવાદન રજૂ કરી અપૂર્વ પ્રશંસા પ્રાપ્ત કરી હતી. તે જ વર્ષે (1967) તેમણે અમેરિકા, સોવિયટ સંઘ, સાઉદી અરેબિયા તથા ઇરાકની યાત્રા કરી હતી અને ત્યાંનાં મોટાં મોટાં નગરોમાં પોતાની કળાનો પરિચય આપ્યો હતો. 1968માં ભારત સરકારે તેમને પદ્મભૂષણના ઇલકાબથી સન્માનિત કર્યા તે પૂર્વે 1961માં તેમને પદ્મશ્રીના ઇલકાબથી નવાજવામાં આવ્યા હતા. 1968માં તેમને રૉયલ નેપાલ આર્ટ અકાદમીએ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય નાગરિક રહ્યા છે. આકાશવાણી દ્વારા તેમના અનેક કાર્યક્રમો રજૂ થયા છે તથા તેમના શરણાઈવાદનની અનેક રેકર્ડ પણ ઉતારવામાં આવી છે. વિદેશમાં પણ તેમણે આ ભારતીય વાદ્યને ખૂબ પ્રતિષ્ઠા અપાવી છે.

તેમના શરણાઈવાદન વખતે તબલાંની સંગતને બદલે ખુર્દક નામક ઓછા ગુંજાયમાન ચર્મવાદ્યની સંગત તેઓ વધુ ઉપયુક્ત ગણે છે. તેમની એવી દલીલ છે કે ખુર્દક કરતાં તબલાંનો અવાજ વધુ લાંબા સમય સુધી ગુંજતો હોવાથી શરણાઈના સ્વરોને તે દબાવી દે છે; વળી આમેય શરણાઈનો વાદ્ય તરીકે આવિષ્કાર તબલાંના આવિષ્કાર અગાઉ ઘણા સમય પૂર્વે થયેલો.

બિસ્મિલ્લાખાંની શરણાઈવાદનની કળામાં અન્ય રસોના આવિષ્કાર કરતાં કરુણરસને વિશેષ સ્થાન અપાય છે. બનારસની ‘ચૈતી’ અને ‘કજરી’માં વિરહિણીની વેદનાનો આબેહૂબ ચિતાર રજૂ કરવામાં તેઓ પારંગત છે.

નીના ઠાકોર