બિંબટંક-આહત સિક્કા પદ્ધતિ

April, 2024

બિંબટંક-આહત સિક્કા પદ્ધતિ : ભારતના સહુથી પ્રાચીન સિક્કા પાડવાની પદ્ધતિ. આ પદ્ધતિનો કંઈક ખ્યાલ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કૂટ-રૂપકારકના સંદર્ભમાં આપેલો છે. એમાં જણાવ્યા પ્રમાણે પહેલાં ધાતુને ભઠ્ઠીમાં મૂષા (ધાતુ ગાળવાની કુલડી)માં ઓગાળવામાં આવતી ને વિવિધ ક્ષાર વડે શુદ્ધ કરવામાં આવતી. પછી એના ઠરેલા ગઠ્ઠાને અધિકરણી (એરણ) પર મુષ્ટિકા (હથોડી) વડે ટીપીને એનાં નાનાં પતરાં ઘડવામાં આવતાં, એમાંથી પછી સંદંશ (કાપણી) વડે સાંકડી પટ્ટી કાપવામાં આવતી ને એ પટ્ટીમાંથી જોઈતા કદના ટુકડા કાપવામાં આવતા. આથી આ ટુકડા આકારમાં ચોરસ બનતા. એનો તોલ કરાતો અને નિયત તોલ કરતાં જેટલો તોલ વધારે હોય તેટલા પ્રમાણમાં એની ધાર કાપી કાઢતા. તેમ છતાં તેનો તોલ હજી જરાક વધુ રહે તો એના ખૂણા કાપી કાપીને તેનો તોલ હજી જરાક વધુ રહે તો એના ખૂણા કાપી કાપીને તેનો તોલ ઘટાડતા. પરિણામે ઘણી વાર સિક્કાનો આકાર બહુકોણ કે તદ્દન અનિયમિત પ્રકારનો બની જતો. સિક્કા પાડવાની ક્રિયાપદ્ધતિ (technique)માં વધુ હથોટી આવતાં એમાંથી વધારાના તોલના અંશ એવી રીતે કાપવામાં આવતા કે સિક્કાનો છેવટનો આકાર સમચોરસ રહે.

ધાતુના નિયત તોલના ટુકડા તૈયાર થયા પછી તેના પર ચિહન અંકિત કરવામાં આવતાં. પ્રાચીન સિક્કાની આગલી બાજુ પર ચાર-પાંચ ચિહન પડેલાં હોય છે. એમાંનું દરેક ચિહન અલગ અલગ રીતે પાડવામાં આવતું. આથી આ ચિહનો વચ્ચે એકસરખું અંતર રહેતું નહિ એટલું જ નહિ, કોઈ વાર એક ચિહનો થોડો ભાગ બીજા ચિહનો થોડા ભાગ પર પડી જતો. સિક્કા પર આવું ચિહન ધાતુના નિયત તોલના ટુકડાને તપાવીને તેના પર તે ચિહન (બિંબ) કોતરેલા ટંક (અડી) વડે પાડવામાં આવતું. અંગ્રેજીમાં આવી અડીને   કહે છે, તેથી આ પ્રકારે પાડવામાં આવેલા સિકકાઓને અંગ્રેજીમાં Punch-marked (બિંબટંક આહત) તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં આવાં ચિહન સિક્કાની આગલી બાજુ પર જ પાડવામાં આવતાં, જ્યારે પાછલી બાજુ કોરી રખાતી. આગળ જતાં પાછલી બાજુ પર પણ ચિહનો પાડવામાં આવવા લાગ્યાં.

પ્રવીણચંદ્ર પરીખ