બિંદ્રા, અભિનવ

January, 2000

બિંદ્રા, અભિનવ (જ. 28 સપ્ટેમ્બર 1982, દહેરાદૂન, ઉત્તરાખંડ) : ઑલિમ્પિક સ્પર્ધાઓના 108 વર્ષના ઇતિહાસમાં ભારતને સૌપ્રથમ વાર વ્યક્તિગત હરીફાઈમાં સુવર્ણચંદ્રક મેળવી આપનાર નિશાનબાજ. ધનાઢ્ય પરિવારમાં જન્મ. પિતા અપજીત ઉદ્યોગપતિ અને માતા બબલી ઘરકામમાં વ્યસ્ત હોય છે. અભિનવનું શાલેય શિક્ષણ દહેરાદૂન અને ચંડીગઢ ખાતે સંપન્ન થયા બાદ ઉચ્ચ શિક્ષણ અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીમાં જ્યાંથી વ્યવસ્થાપન ક્ષેત્રની બી.બી.એ.ની પદવી તેણે પ્રાપ્ત કરી છે. સ્વદેશ પાછા આવ્યા પછી પિતાના વ્યવસાયમાં જોડાયા. હાલ વર્ષ 2008માં તેઓ ‘અભિનવ ફ્યુચરિસ્ટિક્સ’ કંપનીના મુખ્ય વહીવટી અધિકારી(C.E.O.)ના પદ પર કાર્યરત છે. તેની આ કંપનીનું ધંધાકીય જોડાણ સૅમસંગ અને સહારા કંપની સાથે થયેલું છે.

અભિનવ બિંદ્રા

અભિનવને નાની ઉંમરથી રાઇફલ શૂટિંગમાં રસ જાગ્યો હતો અને તેને પ્રોત્સાહન આપવા માટે તેના પિતાએ પોતાના નિવાસની પાછળની ખુલ્લી જગ્યામાં ઑલિમ્પિકના ધારાધોરણ મુજબ અભિનવ માટે શૂટિંગ રેન્જ બનાવી આપી હતી. અભિનવને વર્ષ 2008ના ઑગસ્ટ મહિનામાં ચીનના પાટનગર બૈજિંગ ખાતે યોજવામાં આવેલી ઑલિમ્પિક હરીફાઈઓમાં 10 મીટર ઍર રાઇફલ નિશાનબાજીની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવવા માટે વ્યક્તિગત સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેણે તેની અંતિમ સ્પર્ધામાં 700.5 પૉઇન્ટ મેળવ્યા હતા. આ અંતિમ સ્પર્ધાના કોઈ પણ રાઉન્ડમાં તેનો જુમલો 10 કરતાં નીચે ન હતો અને બધા જ રાઉન્ડ સાથે ગણીએ તો તેનો વધુમાં વધુ જુમલો 10.8 હતો, જ્યારે તે પછીના નિશાનબાજ હેન્રી હેકિનનનો જુમલો 9.7 રહ્યો હતો. વર્ષ 1980માં મૉસ્કો ખાતે આયોજિત ઑલિમ્પિક સ્પર્ધાઓમાં હૉકીની સાંઘિક રમતમાં ભારતને સુવર્ણચંદ્રક મળ્યો હતો તે પછી 28 વર્ષે અભિનવ બિંદ્રાએ ભારત માટે વ્યક્તિગત સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. આ અંગેની અભિનવની કારકિર્દી તપાસીએ તો જાણવા મળે છે કે વર્ષ 2001માં તેણે જુદી જુદી નિશાનબાજીની સ્પર્ધાઓમાં છ ચંદ્રકો મેળવ્યા હતા, જ્યારે વર્ષ 2002માં ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટર નગરમાં આયોજિત રાષ્ટ્રકુટુંબના દેશોની સ્પર્ધાઓમાં તેને યુગલ(pairs event)માં ગગન નારંગની સાથે સુવર્ણચંદ્રક અને એકલ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો હતો. તે પૂર્વે વર્ષ 2000માં સિડની ખાતે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં અભિનવ સૌથી નાની ઉંમરનો સ્પર્ધક હતો, જે માત્ર એક પૉઇન્ટ પાછળ રહેવાથી ચંદ્રકથી વંચિત રહ્યો હતો. વર્ષ 2004માં ઍથેન્સ ખાતે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવની ઍર રાઇફલ શૂટિંગ સ્પર્ધાનાં ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં તેણે 597 જુમલા સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે 2006માં ઇન્ટરનૅશનલ સ્પૉટ શૂટિંગ ફેડરેશન (ISSF) દ્વારા આયોજિત વિશ્વસ્તરની સ્પર્ધામાં અભિનવ બિંદ્રાએ 699.1 પૉઇન્ટ્સ સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. તેવી જ રીતે વર્ષ 2006માં ઑસ્ટ્રેલિયાના મૅલબૉર્ન નગરમાં આયોજિત રાષ્ટ્રકુટુંબના દેશોની હરીફાઈઓમાં અભિનવ બિંદ્રાએ યુગલ રમતમાં સુવર્ણચંદ્રક અને એકલ સ્પર્ધામાં કાંસ્ય પદક પ્રાપ્ત કરેલ.

વર્ષ 2000માં અભિનવને અર્જુન ઍવૉર્ડથી અને વર્ષ 2001માં રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા.

બૈજિંગ ખાતેના ઑલિમ્પિક રમતોત્સવમાં સુવર્ણચંદ્રક મેળવ્યા બાદ ભારતનાં જુદાં જુદાં રાજ્યો અને રમતગમતમાં રસ ધરાવતી સંસ્થાઓએ અભિનવ બિંદ્રાને માટે અનેક પારિતોષિકો જાહેર કર્યાં છે, જેમાં પંજાબ રાજ્યના એક કરોડ રૂપિયાનું પારિતોષિક, કેન્દ્ર સરકારના રૂપિયા પચાસ લાખનું પારિતોષિક અને બોર્ડ ઑવ્ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ(BCCI)ના રૂપિયા પચ્ચીસ લાખના પારિતોષિકનો સમાવેશ થાય છે. ભારતના રેલ મંત્રાલયે તેને આજીવન નિ:શુલ્ક રેલપ્રવાસ માટેનો પાસ તથા કેરળ સરકારે સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત કરી છે. અભિનવના પિતાએ તેને રૂપિયા 200 કરોડનું રોકાણ ધરાવતી એક પંચતારક હોટલની ભેટ પણ જાહેર કરી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે