બિંદુસાર (ઈ. પૂ. ત્રીજી સદી) : પ્રાચીન ભારતનો મૌર્યવંશનો રાજવી. શાસનકાળ ઈ. પૂ. 300થી ઈ. પૂ. 273. પિતા ચંદ્રગુપ્ત અને પુત્ર અશોકની યશસ્વી કારકિર્દી વચ્ચે તેનો સમય ઓછો જાણીતો છે. પ્રાચીન ગ્રંથોમાં તેનાં વિભિન્ન નામ મળે છે. જૈન ગ્રંથોએ તેને ચંદ્રગુપ્તની પત્ની દુર્ધરાના પુત્ર સિંહસેન તરીકે ઓળખાવ્યો છે. સંસ્કૃત ગ્રંથોમાં અમિત્રઘાત નામ મળે છે. ગ્રીક સાહિત્યમાં તેને મળતો ‘અમિત્રચેટ્સ’ શબ્દ પ્રયોજાયો છે. પુરાણો તેનું નામ ‘બિંદુસાર’ આપે છે. ચીની સાહિત્યમાં ‘બિંદુપાલ’ નામનો ઉલ્લેખ મળે છે. પિતા ચંદ્રગુપ્ત મૌર્યે વિશાળ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કર્યા પછી પોતાના જીવનનાં અંતિમ વર્ષોમાં જૈન ધર્મની દીક્ષા લઈ ગાદીત્યાગ કર્યો અને સત્તા બિંદુસારને સોંપી. આ જવાબદારી તેણે કુશળતાપૂર્વક સંભાળી. જૈન ગ્રંથોના વર્ણન પ્રમાણે ચંદ્રગુપ્તે ગાદીત્યાગ કર્યો ત્યારે બાર વર્ષનો ભીષણ દુષ્કાળ પડ્યો હતો. આવી ભયાનક આપત્તિએ સર્જેલી આર્થિક અવ્યવસ્થા વચ્ચે રાજ્યની સ્થિરતા અને સલામતી જાળવીને તેણે કુશળ શાસક તરીકેની તેની શક્તિઓનો પરિચય કરાવ્યો છે. તેના કોઈ મહત્વના લશ્કરી વિજયોનો ઉલ્લેખ મળતો નથી. તેના સમયમાં ઉત્તરાપથની રાજધાની તક્ષશિલામાં વિદ્રોહ થયો હતો. અલબત્ત, આ વિદ્રોહ રાજ્ય કે સમ્રાટ સામે નહિ, પરંતુ અત્યાચારી અમલદારો સામે હતો. તક્ષશિલાના તત્કાલીન સૂબા યુવરાજ અશોકે ત્વરિત પગલાં ભરી આ વિદ્રોહ ડામી દીધો. પડોશી ગ્રીક રાજ્યો સાથે તેણે મૈત્રીભર્યા સંબંધો જાળવ્યા હતા. સીરિયાના રાજવી એન્ટિયોક્સ પહેલાએ પોતાના રાજદૂત ડાયમૅક્સને તેના દરબારમાં મોકલ્યો હતો. સિરિયન રાજવી પાસેથી બિંદુસારે સૂકી દ્રાક્ષ, આસવ તથા ગ્રીક સૉફિસ્ટ(ફિલસૂફ)ની માગણી કરતો પત્ર પાઠવતાં તેણે પ્રથમ બે વસ્તુઓ મોકલી આપી, પરંતુ ગ્રીક કાયદા વિરુદ્ધ હોવાને કારણે સૉફિસ્ટને મોકલવાની અશક્તિ દર્શાવી હતી. બંને વચ્ચેના પત્રવ્યવહારમાં બિંદુસારની સાંસ્કૃતિક અભિરુચિનાં દર્શન થાય છે. ગ્રીક રાજવી ટૉલકેમીએ પણ પોતાના દૂત ડાયોનિસિયસને તેના દરબારમાં મોકલ્યો હતો. પુરાણોએ તેના શાસનને 25 વર્ષનું ગણાવ્યું છે. ઈ. પૂ. 273માં તેનું અવસાન થતાં તેના પ્રતાપી પુત્ર અશોકે મૌર્ય શાસનની ધુરા સંભાળી હતી.

રોહિત પ્ર. પંડ્યા