બિંદુસ્રાવ

January, 2000

બિંદુસ્રાવ (guttation) : ઉષ્ણ અને ભેજવાળી આબોહવામાં ઊગતી કેટલીક વનસ્પતિઓની પર્ણકિનારીઓ દ્વારા પ્રવાહીમય સ્વરૂપ પાણીનું થતું નિ:સ્રવણ (exudation). બર્ગરસ્ટેઈને સૌપ્રથમ આ શબ્દને પ્રચલિત કર્યો. આ પ્રક્રિયા મોટેભાગે શાકીય વનસ્પતિઓની લગભગ 333 જેટલી પ્રજાતિઓ પૂરતી મર્યાદિત છે; જેમાં બટાટા, ટમેટાં, અળવી, જવ, ઓટ, પ્રિમ્યુલા ટ્રોપિયોલમ અને ઘાસની વિવિધ જાતિઓનો સમાવેશ થાય છે. અળવીની એક જાતિ(colocasia antiquorum)માં એક દિવસમાં 100 મિલી. કે તેથી વધારે બિંદુસ્રાવ થાય છે. આ પ્રક્રિયા વહેલી સવારે તેમજ ઉષ્ણ અને ભેજવાળી રાતોમાં ઝાકળનાં બિંદુઓને સ્વરૂપે થાય છે. વનસ્પતિમાં મૂળ દ્વારા વધારે પ્રમાણમાં થતું પાણીનું અભિશોષણ અને પર્ણ દ્વારા થતી બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં થતો ઘટાડો બિંદુસ્રાવ માટે જવાબદાર છે.

પાણીના અભિશોષણમાં વધારાને પરિણામે મૂળદાબ (root pressure) ઉત્પન્ન થાય છે; તેથી તે જલવાહિનીઓમાં ઉપરની તરફ ધકેલાય છે અને પર્ણમાં શિરાઓને છેડે આવેલી જલોત્સર્ગી (hydathode) નામની વિશિષ્ટ રચના દ્વારા બહાર આવે છે. પ્રત્યેક જલોત્સર્ગી એક મોટું રંધ્ર્ર ધરાવે છે. તેની દીવાલ ક્યુટિનરહિત અને અચલિત હોય છે; તેથી રંધ્ર હંમેશાં ખુલ્લું રહે છે. રંધ્રની અંદરની તરફ વાયુકોટર અને તે પછી શિથિલ રીતે ગોઠવાયેલી પેશી આવેલી હોય છે. તેને શિરાંતિકા (epithem) કહે છે. તેના કોષો નાના, મૃદુ, હરિતકણવિહીન અને આંતરકોષીય અવકાશવાળા હોય છે. તેની પછી તુરત જ જલવાહિનિકીઓના અંતિમ બંધ છેડાઓ આવેલા હોય છે. જલવાહિનિકીમાંથી શિરાંતિકાના આંતરકોષી અવકોશોમાં મૂળદાબ વડે  પ્રવાહી ધકેલાય છે.

જલોત્સર્ગીમાંથી પસાર થતો પર્ણનો છેદ

હાબરલૅંડ્ટે બે પ્રકારની જલોત્સર્ગીઓ વર્ણવી છે : (1) શિરાંતિકા જલોત્સર્ગી (epithem hydathode) : આ પ્રકારની જલોત્સર્ગીમાં મૂળદાબ દ્વારા પાણી બહાર ધકેલાય છે. (2) સક્રિય જલોત્સર્ગી (active hydathode) : આ પ્રકારની જલોત્સર્ગીના કોષોમાં ઉદભવતા દાબ દ્વારા પાણીનું નિ:સ્રવણ થાય છે.

જલોત્સર્ગીમાંથી બહાર આવતા પાણીમાં ઉત્સેચકો, શર્કરાઓ, કાર્બનિક ઍસિડ, પ્રજીવકો અને અન્ય કાર્બનિક સંયોજનો તેમજ ક્ષારો દ્રવેલાં હોય છે. પાણીનું બાષ્પીભવન થતાં દ્રાવ્ય પદાર્થો અવક્ષેપરૂપે પર્ણસપાટીએ જોવા મળે છે. કેટલીકવાર આ અવક્ષેપિત ક્ષારો પુન: દ્રવી પર્ણમાં પ્રવેશ પામે છે. આ સ્થિતિમાં ખનિજ-સાંદ્રતા ઘણી વધી જાય તો પર્ણને ઈજા પહોંચી શકે છે.

બિંદુસ્રાવનું મુખ્ય કારણ સંભવત: મૂળદાબ છે. મૂળદાબમાં ઘટાડો કરતાં ઠંડી, શુષ્ક અને વાયુમિશ્રિત (aerated) ભૂમિ અને ખનિજ તત્વોની ન્યૂનતા જેવાં પરિબળો બિંદુસ્રાવના દરને ઘટાડે છે.

વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર