બાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના માઇમોસોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia nilotica Delite subsp. indica (Benth.) Brenan syn. A. arobica Willd. var. indica Benth. (સં. बब्बुल, आभाल, किंकिंरात, हिं. बबूल, पंकीकर; બં. બાબલા; મ. બાભૂળ; ગુ. બાવળ, કાળો બાવળ, રામબાવળ; અં. Indian Gum Arabic Tree) છે. તે મધ્યમ કદનું લગભગ સદાહરિત વૃક્ષ છે. તેનું મુખ્ય પ્રકાંડ ટૂંકું અને પર્ણમુકુટ પ્રસારિત હોય છે અને ભારતના શુષ્ક પ્રદેશોમાં 900 મી.ની. ઊંચાઈ સુધી બધે જ થાય છે. તેનું વૃક્ષ 15 મી.થી 30 મી. સુધીની ઊંચાઈ અને 1.2 મી.થી 3.0 મી.નો ઘેરાવો ધરાવે છે. છાલ ઘેરી બદામીથી માંડી લગભગ કાળી હોય છે અને ઊભી અને ઊંડી તિરાડો ધરાવે છે. પર્ણો 2.5 સેમી.થી 5.0 સેમી. લાંબાં, દ્વિપીંછાંકાર (bipinnate) સંયુક્ત હોય છે. તેનાં ઉપપર્ણો (stipules) કંટકીય (spinescent) હોય છે. પર્ણિકાઓ સાંકડી, લંબચોરસ (oblong) હોય છે. પુષ્પો સોનેરી-પીળાં અને સુગંધિત હોય છે અને કક્ષીય લાંબા પુષ્પવૃન્ત (peduncle) પર 1.5 સેમી. વ્યાસ ધરાવતા ગોળાકાર મુંડક (head) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ મણકામય શિંબી (lomentum), ચપટાં, 7.5 સેમી.થી 15.0 સેમી. લાંબાં હોય છે અને પાસપાસેના ગોળ બીજ વચ્ચે ખાંચ ધરાવે છે.

બાવળ સૂકા પ્રદેશની વનસ્પતિ હોવા છતાં અત્યંત શુષ્ક આબોહવામાં સિંચાઈ વિના ઊગી શકતી નથી. તેના છાંયડાનું મહત્તમ તાપમાન 40° સે.થી 50° સે. અને લઘુતમ તાપમાન –1° સે.થી 15° સે. હોય છે. તે 7.5 સેમી.થી 125 સેમી. વરસાદમાં થાય છે. તેને માટે હિમ અસહ્ય હોવા છતાં શુષ્કતા અવરોધક હોય છે. પરંતુ તે અગ્નિ-અવરોધક નથી.

બાવળ : (1) પર્ણ અને પુષ્પો સાથેની શાખા; (2) ફૂલનો ઊભો છેદ; (3) શિંગ

તે નદીની આપ્લાવિત (inundated) કાંપયુક્ત ભૂમિમાં અને કૃષ્ણ કપાસી ભૂમિ(black cotton soil)માં સારી રીતે ઊગે છે. ઉત્તર ભારતનાં મેદાનોમાં તે કાંપયુક્ત ગોરાડુ ભૂમિમાં થાય છે. તે ઊસર (ક્ષારવાળી) ભૂમિમાં પણ તેનું અસ્તિત્વ ટકાવી શકે છે.

વર્ષાઋતુમાં તે પુષ્પનિર્માણ કરે છે; પરંતુ આ ક્રિયા ડિસેમ્બર—જાન્યુઆરી સુધી લંબાઈ શકે છે અને ફળનિર્માણની પ્રક્રિયા એપ્રિલથી જૂનમાં થાય છે. તેની શિંગ ઘેટાં, બકરાં, ગાય, ભેંસ વગેરે ખાય છે અને તેમના દ્વારા જ બીજવિકિરણ થાય છે.

બાવળને વિવિધ ફૂગની જાતિઓ દ્વારા રોગો થાય છે અને તેને નુકસાન પહોંચાડે છે. Fomes pappianus Bres. દ્વારા જૂનાં વૃક્ષોને ચેપ લાગતાં તેનું કાષ્ઠ બરડ (brittle) બને છે અને તેનું ચૂર્ણ થાય છે. બાવળને ચેપ લગાડતી બીજી જાતિઓમાં Phyllactinia acaciae Syd, Sphaerostilbe acaciae Tilak, Diplodia acaciae Tilak & Rokde, Cytospora acaciae Tilak & Rokde અને Fusicoccum indicum Tassi.નો સમાવેશ થાય છે.

Coelosterna scabrator Fabr, Psiloptera fastuosa Fabr., P. coerulia oliv. અને Aeolesthes holosericea Fabr. બાવળ પર આક્રમણ કરતાં સૌથી વધુ નુકસાનકારક કીટકો છે. C. scabrator મૂળવેધક (root boren) છે; જ્યારે બાકીનાં કીટકો પ્રરોહ અને શાખાઓની છાલ ખાઈ જાય છે. A. holosericea કાષ્ઠને નુક્સાન  પહોંચાડે છે.

અમરવેલ (Cuscuta sp.) નામની આવૃતબીજધારી પરોપજીવી વનસ્પતિ પણ તેના પર આક્રમણ કરી તેનો વૃદ્ધિનો દર ઘટાડે છે અને કેટલીક વાર તેનો નાશ પણ કરે છે. બકરી અને ઊંટ જેવાં તૃણાહારીઓ સૌથી વધારે વિનાશકારી હોય છે. ઘેટાં અને ભેંસો પણ ચારા માટે તેનો નાશ કરે છે.

ટેનિન : બાવળની છાલનો સૌથી મહત્ત્વના ચર્મશોધન (tanning) દ્રવ્ય તરીકે ભારતમાં હરિયાણાથી પશ્ચિમ બંગાળ સુધી ગ્રામીણ ચર્મપરિષ્કારશાલા(tannery)માં ઉપયોગ થાય છે. કાનપુરમાં ચર્મશોધન-ઉદ્યોગમાં તે મોટા જથ્થામાં વપરાય છે. છાલ અને કાષ્ઠનું વજનમાં પ્રમાણ 1 : 5 જેટલું હોય છે; અને પ્રતિ હેક્ટરે 620 જેટલાં વૃક્ષોનું વાવેતર થયું હોય અને તે 15 વર્ષનાં હોય તો 5 ટન જેટલી છાલ ઉત્પન્ન કરે છે.

છાલમાં ટેનિન દ્રવ્ય 12%થી 20% જેટલું હોય છે. સંગ્રહ દરમિયાન તેમાં ઘટાડો થાય છે. જૂનાં વૃક્ષોમાં ટેનિનનું પ્રમાણ વધે છે અને તેથી તે ઘેરા રંગની બને છે. છાલનો ઘેરો રંગ અને ટેનિન સિવાયનાં દ્રવ્યોની ઉચ્ચ સાંદ્રતા તેનો અવગુણ ગણાય છે. છાલમાં આવેલાં કેટલાંક પૉલિફિનૉલિક સંયોજનોમાં (+)કૅટેચિન, (–)એપિકૅટેચિન, (+) ડાઇ-કૅટેચિન, ક્વિર્સેટિન, ગૅલિક ઍસિડ, (+) લ્યૂકોસાયનિડિન વગેરેનો સમાવેશ થાય છે. છાલમાંથી મળી આવતા પૉલિફિનૉલ ફૂગ માટે વિષાળુ હોય છે. છાલમાં સૂક્રોઝ પણ હોય છે.

બાવળની છાલમાંથી બનાવાયેલાં ચર્મ મજબૂત અને ટકાઉ હોય છે; જોકે તે રુક્ષ (harsh) અને ઘેરા રંગનું હોય છે. ભારે ચર્મ માટે  બાવળનું ટેનિન ખૂબ સારું ગણાય છે. હરડેની છાલ સાથે સંયોજિત બાવળની છાલ સુંદર પરિષ્કૃત (finished) ચર્મ આપે છે.

બાવળની શિંગમાં 12 %થી 19 % જેટલું ટેનિન હોવા છતાં તેનો ચર્મશોધનદ્રવ્ય તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે તેના દ્રવ્યનું આથવણ થાય છે.

કાષ્ઠ : તેનું રસકાષ્ઠ (sapwood) પહોળું હોય છે અને સૌપ્રથમ વાર ખુલ્લું થતાં તે સફેદ હોય છે. અંત:કાષ્ઠ ગુલાબી-સફેદથી આછા લાલ રંગનું હોય છે. ઉંમર વધતાં તે રતાશ પડતું બદામી બને છે અને તેમાં વધારે ઘેરી રેખાઓ જોવા મળે છે. તેનું કાષ્ઠ ઝાંખું, લાક્ષણિક ગંધ કે સ્વાદરહિત, સાધારણ વજનદારથી માંડી વજનદાર (વિ.ગુ. 0.8; વજન 817–865 કિગ્રા./ઘમી.), સુરેખ (straight) અથવા કેટલેક અંશે વ્યાવર્તિત-કણીદાર (twisted-grained) અને બરછટ ગઠનવાળું (coarse-textured) હોય છે. તે મજબૂત (strong) અને કઠોર (hard) પ્રકાષ્ઠ (timber) આપે છે. ગરમ આબોહવામાં તેની ચિરાવાની શક્યતા રહેલી છે તેથી તેને છાંયડામાં રાખવું જોઈએ.

જો સારી રીતે સંશોષણ (seasoning) થયેલું હોય તો તે પૂરતા પ્રમાણમાં ટકાઉ બને છે. અંત:કાષ્ઠ પર ઊધઈ દ્વારા આક્રમણ થતું નથી. તેના પ્રકાષ્ઠનું સાગના પ્રકાષ્ઠની તુલનામાં ગુણધર્મોની ર્દષ્ટિએ ટકાવારીમાં મૂલ્યાંકન આ પ્રમાણે છે : વજન 118; પાટડાનું સામર્થ્ય (strength) 93; પાટડા તરીકેની દુર્નમ્યતા (stiffness) 84; થાંભલા તરીકેની ઉપયુક્તતા (suitability) 82; આઘાત-અવરોધ શક્તિ (shock-resisting ability) 126; આકારની જાળવણી 83, અપરૂપણ (shear) 151; કઠોરતા (hardness) 135; પેચ-ધારણશક્તિ (screw-holding capacity) 113.

તેનું પ્રકાષ્ઠ ગાડાનું પૂડિયું, આરા, નાભ અને ધૂંસરી બનાવવામાં ઉપયોગી છે. તેનો કૃષિવિદ્યાકીય ઓજારો જેવાં કે હળ, રાંપડી, ઢેફાં ભાંગવાનું કોલુ (crusher) અને પર્શિયન ચક્રો (persian wheels) બનાવવામાં ઉપયોગ થાય છે. તે કૂવાની ચોકડી (curb), તંબૂની ખૂંટીઓ, હોડીના હાથા, હલેસાં, ખાંડ અને તેલદાબકો, રેલવે-વૅગનના બફર્સ, હૂકાના હાથા, ચાલવાની લાકડીઓ, કોતરકામ અને ખરાદીકામમાં વપરાય છે. બળતણ તરીકેની તેની માંગ પુષ્કળ છે. તેનું કૅલરી-મૂલ્ય 4,224 છે.

ગુંદર : A. nilotica subsp. indicaના ગુંદરને બાવળનો ગુંદર (gum arabic) કહે છે, છતાં તે સાચો બાવળનો ગુંદર નથી, જે A. senegalમાંથી મેળવવામાં આવે છે. મુંબઈનાં બજારોમાં (1) સાચો બાવળનો ગુંદર, (2) ઈસ્ટ ઇંડિયન ગુંદર અને (3) ભારતીય બાવળનો ગુંદર – એમ ત્રણેય જાતો મળે છે. મોટાભાગના સાચા બાવળના ગુંદરની સાઉદી અરેબિયા અને આફ્રિકામાંથી આયાત થાય છે. ઈસ્ટ ઇંડિયન ગુંદર એડન અને રાતા સમુદ્રનાં અન્ય બંદરોએથી આયાત થાય છે. ભારતીય બાવળનો ગુંદર તે ભારતમાં થતી પેદાશ છે. તે બાવળ અને બીજા એકેસિયા ગુંદરનું મિશ્રણ ધરાવે છે. આ ગુંદરની બે જાતો છે : (1) બાવળનો ગુંદર અને (2) ઘાટી ગુંદર. બાવળનો ગુંદર મુખ્યત્વે Acacia nilotica subsp. indica, A. catechu અને A. modestaમાંથી બને છે. કેટલીક વાર તે ધાવડો (Anogeissus latifolia), લીમડો (Azadirachta indica) અને કોઠી(Feronia elephantum Correa.)ના ગુંદર સાથે મિશ્રિત જોવા મળે છે. ઘાટી ગુંદરમાં ઍકેસિયા ગુંદરનું પ્રમાણ 40 % જેટલું જ હોય છે.

ગુંદરનો સ્રાવ માર્ચથી મે દરમિયાન છાલમાં થયેલી ઈજા કે કાપમાંથી થાય છે. કેટલાંક વૃક્ષો દ્વારા 1 કિગ્રા. જેટલા ગુંદરનો પ્રતિ વર્ષ સ્રાવ થાય છે. ઉંમર વધતાં ગુંદરનું ઉત્પાદન ઘટે છે. તે ગોળ અથવા અંડાકાર ગાંગડાના સ્વરૂપમાં થાય છે. પ્રત્યેક ગાંગડો લગભગ 1.0 સેમી. જેટલું કદ ધરાવે છે. તેનો રંગ આછા પીળાથી માંડી બદામી અથવા લગભગ કાળો હોય છે.

બાવળના ગુંદરમાં 13 % ભેજ હોય છે અને તેનું જ્વલન (ignition) કરતાં 1.8 % જેટલી ભસ્મ રહે છે; જેમાં CaO 52.2 % અને MgO 19.7 % હોય છે. ગુંદરમાં ગેલૅક્ટોઝ, L-અરેબિનોઝ, અરેબિનોબાયૉઝ, L-રહેમ્નોઝ અને ચાર આલ્ડોબાયૉયુરોનિક ઍસિડ હોય છે.

સારી જાતના બાવળના ગુંદરનો કૅલિકો-છાપકામ અને રંગકામમાં, રેશમ અને સુતરાઉ કાપડમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) તરીકે અને કાગળ બનાવવામાં ઉપયોગ થાય છે. સામાન્ય રીતે જે ઉદ્યોગમાં શ્લેષ્મ (mucilage) કે આસંજક(adhesive)ની જરૂરિયાત હોય ત્યાં બધે જ તેનો ઉપયોગ થાય છે. તેને ઘીમાં તળીને માંસની મીઠી વાનગીઓ બનાવવામાં આવે છે. તે આઇસક્રીમ-સ્થાયીકારક (stabilizer) તરીકે વપરાય છે. તે ચર્વક (masticatory) તરીકે ઉપયોગી છે. નીચી ગુણવત્તા ધરાવતા ગુંદરમાંથી દીવાસળીઓ, શાહી, ડિસ્ટૅમ્પર અને બીજા રંગો અને ચૂર્ણલેપ (mortar) બનાવવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર તે ગ્રાહક, કડવો, મધુર, સ્નિગ્ધ, શીત, ઉષ્ણ અને તૂરો છે. તે આમ, રક્તવિકાર, કફ, કોઢ, કૃમિ, ઉધરસ, પિત્ત, દાહ, રક્તાતિસાર, વાયુ અને પ્રમેહનો નાશ કરે છે. તેનાં પર્ણો ગ્રાહક, રુચિકર, તીખાં અને ઉષ્ણ છે અને ઉધરસ, અર્શ, કફ, વાયુ તથા પુંસ્ત્વનો નાશ કરે છે. ગુંદર ગ્રાહી હોવાથી મળને બાંધે છે અને કબજિયાત કરે છે. તે શરીરનું બળ વધારનાર છે અને કમરના દુ:ખાવામાં, લોહીવા, અતિસાર અને મરડામાં ઉપયોગી છે. પૌષ્ટિક પાકોમાં ગુંદર નાખવામાં આવે છે. પ્રદર, પેશાબની બળતરા, ઝાડા, મરડો, રક્તપ્રદર વગેરેમાં બાવળના ગુંદરનું ચૂર્ણ સાકર સાથે મેળવી ફકાવવાથી સારો લાભ થાય છે. મધુપ્રમેહના દર્દીઓમાં ગુંદર સારા ખોરાકની ગરજ સારે છે, કારણ કે તેના પાચનથી થોડી પણ ખાંડ ઉત્પન્ન થતી નથી.

બાવળની છાલનો ઉકાળો કરી તેને ગાળી લઈ તેને વધારે ઘટ્ટ કરવામાં આવે છે. તેની સાથે મધ ઉમેરી આંખોમાં આંજવાથી આંખોમાંથી નીકળતું પાણી બંધ થાય છે; ઉપરાંત, તે છાશ સાથે પીવાથી અને અનાજ બંધ કરી છાશ પર રહેવાથી જલોદર મટે છે. મોં આવી ગયું હોય અથવા પેઢામાંથી લોહી નીકળતું હોય, દાંત હાલતા હોય અને મોંમાંથી પુષ્કળ ચીકાશ આવતી હોય તો બાવળની છાલના કોગળા કરવાથી તે દૂર થાય છે. છાલના ઉકાળાનો ‘ઍનિમા’ આપવાથી જો ‘ગુદભ્રંશ’ થયો હોય તો તે પણ સારો થઈ જાય છે. ઘા સાફ કરવા માટે પણ ઉકાળાનો ઉપયોગ થાય છે. તેનો ઍનિમા આપવાથી જૂનો મરડો કે ઝાડા મટે છે. કર્ણસ્રાવ ઉપર તેની છાલનો કાઢો કરી તે બારીક ધારથી કાનમાં રેડવામાં આવે છે. ત્યારબાદ તેને લૂછી ગરમ પાણીમાં ફુલાવેલી ફટકડી નાખી તે પાણી કાનમાં નાખવામાં આવે છે.

હડકાયા કૂતરાના વિષ પર તેનાં પર્ણોના રસમાં ગાયનું ઘી અને  કસ્તૂરી નાખી ખાવા આપવામાં આવે છે. કુમળાં પર્ણો ફાકવાથી ઝાડા મટે છે. તેનાં પર્ણોનું ચૂર્ણ સગર્ભા સ્ત્રીઓને આપતાં સંતાનો ગોરાં થાય છે. તેનાં કુમળાં પર્ણોનો કાઢો અમ્લપિત્તમાં ઉપયોગી છે.

બાવળના બીજનું ચૂર્ણ કરી ત્રણ દિવસ મધમાં ખાવાથી અસ્થિભંગ થયેલો દૂર થઈ અસ્થિ વજ્ર જેવાં મજબૂત થાય છે. તેનાં બીજ ગોમૂત્રમાં વાટી તેનો લેપ વાળા પર કરવામાં આવે છે. બાવળની શિંગો, કેરીના મરવા, શિમળાની છાલ અને ગૂંદીનાં બીજનું ચૂર્ણ રાતા પ્રદર પર પાવામાં આવે છે.

તીવ્ર અછત દરમિયાન તેનાં બીજ ભૂંજીને કે કાચાં ખાવામાં આવે છે. તેના શુષ્ક બીજના રાસાયણિક બંધારણમાં પાણી 8.83 %; અશુદ્ધ પ્રોટીન 26.4 %, મેદ 3.3 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 62.9 %; રેસા 2.7 % અને ભસ્મ 4.7 % હોય છે. કૅલ્શિયમ 673.0 મિગ્રા.; ફૉસ્ફરસ 420 મિગ્રા.; લોહ 4.95 મિગ્રા.; નાયેસિન 3.17 મિગ્રા.; એસ્કૉર્બિક ઍસિડ 4.51 મિગ્રા. અને થાયેમિન 0.24 મિગ્રા. પ્રતિ 100 ગ્રા. હોય છે.

બાવળની કુમળી શિંગોનું અથાણું અને શાક કરવામાં આવે છે. ગુજરાતમાં તેની શિંગોને ‘પરડા’ કહે છે. તે ઢોરોને ખવડાવવાથી દૂધ વધારે આવે છે. તેની લીલી સોટી દાતણના કામમાં સારી ઉપયોગી છે.

છાલનો ઉકાળો સાબુની અવેજીમાં વપરાય છે. કાંટાવાળી ડાળીઓનો વાડનું પ્રવેશદ્વાર બનાવવામાં ઉપયોગ થાય છે.

બાવળની એક જાતિને દેવબાવળ (Acacia latronum willd) કહે છે. તેનાં પુષ્પોનો ઉકાળો આપવાથી ‘સંનિપાત-જ્વર’ મટે છે. તે હડકાયા કૂતરાનું વિષ ઉતારે છે.

ગોવિંદપ્રસાદ કૃષ્ણલાલ દવે

બળદેવભાઈ પટેલ