બાલ્ઝાક, હોનોરે દ

January, 2000

બાલ્ઝાક, હોનોરે દ (જ. 20 મે 1799, ટુર્સ, ફ્રાંસ; અ. 18 ઑગસ્ટ 1850, ફ્રાંસ) : ફ્રેંચ નવલકથાકાર. પોતાના જમાનાના સમગ્ર સમાજનું પ્રતિબિંબ નવલકથામાં ઉપસાવનાર, સામાજિક વાસ્તવવાદના જન્મદાતા સાહિત્યકાર. 8 વર્ષની ઉંમરે એક અત્યંત રૂઢિચુસ્ત શાળામાં છાત્ર તરીકે દાખલ થયા, પણ ત્યાંની કડક શિસ્ત ન ખમી શકવાથી થોડાંક વર્ષોમાં ઘેર પરત આવ્યા. ત્યારબાદ માતા-પિતા પૅરિસમાં સ્થાયી થયાં; તેથી બાલ્ઝાકનું શાળાનું અને કાયદાના સ્નાતક સુધીનું શિક્ષણ પૅરિસમાં થયું. કાયદાના અભ્યાસ દરમિયાન અને એક ધારાશાસ્ત્રીના મદદનીશ તરીકે પ્રાપ્ત થયેલ અનુભવ તેમની ઘણી નવલકથાઓમાં પ્રતિબિંબિત થયેલો છે. મા-બાપની ઇચ્છા તેમને ધારાશાસ્ત્રી બનાવવાની હતી, પણ બાલ્ઝાકે સાહિત્યકાર થવાના પોતાના સ્વપ્નની વાત તેમને કહી. પિતાએ એક શરત મૂકી કે 2 વર્ષમાં કોઈ મહાન સાહિત્યકૃતિનું સર્જન ન કરી શકો તો આ મહત્વાકાંક્ષા પડતી મૂકવી. અથાક પ્રયત્નો છતાં, એવી કોઈ મૂલ્યવાન કૃતિનું  નિર્માણ તે સમયગાળામાં તે કરી શક્યા નહિ. 1820થી 1825ના ગાળા દરમિયાન જે કાંઈ વાર્તાઓ, વિનોદી કે રોમાંચક નવલકથાઓ સર્જાઈ તેમાં સાહિત્યની ર્દષ્ટિએ સત્વ ઘણું જ ઊણું રહ્યું, પણ આજીવિકા મળતી રહી અને કલા અને સાહિત્યમાં પલોટાવાનો અનુભવ મળ્યો. બાલ્ઝાકને હવે આ વ્યવસાય દ્વારા સમૃદ્ધ થવાની ધૂન લાગી અને પોતે પ્રકાશક બન્યા. 1825માં જાણીતા ફ્રેન્ચ સાહિત્યકારોની સમગ્ર કૃતિઓને એક જ ગ્રંથમાં પ્રકાશિત કરવાની યોજના અમલમાં મૂકી, પણ વેચાણ ખૂબ જ પાંખું રહ્યું. ગભરાયા વિના થોડુંક વધુ સાહસ કરીને છાપખાનું નાખ્યું, પણ તેમાંય નિષ્ફળતા જ મળી અને 1828 સુધીમાં તો માથે દેવાના ડુંગર ખડકાયા. ફરી પાછું 1829માં સાહિત્યક્ષેત્રમાં પુનરાગમન થયું. 1799માં પ્રજાસત્તાક સરકાર સામે થયેલા  બ્રેટૉન બળવા અંગેના ઐતિહાસિક વિષય-વસ્તુવાળી નવલકથા પ્રસિદ્ધ કરી અને તેને સારો આવકાર મળ્યો. બેએક વર્ષ બાદ એક બીજી નવલકથા લખી, જેમાં વાર્તા એવી છે કે એક માણસને એક જાદુઈ ચામડાની ચીજ મળી જાય છે. તે ધારણ કરનારને જે જોઈએ તે આપે છે. પણ ધારણ કરનારને ખબર છે કે જેટલી વાર તે તેનો ઉપયોગ કરે છે તેટલી વાર તે ચીજ સંકોચાય છે અને પોતાનું જીવન ટૂંકાતું જાય છે. આમ એક તરફ ભૌતિક સુખ ભોગવવાની વૃત્તિ અને બીજી તરફ જિજીવિષા – એમ બે બાબતો વચ્ચે માનવીના સંઘર્ષની આ સુંદર રૂપકકથા બની અને બાલ્ઝાક યશસ્વી સાહિત્યકાર તરીકે પ્રકાશમાં આવ્યા. અગાઉનું દેવું ખૂબ મોટું હતું અને લેણદારોનો તકાદો ચાલુ જ હતો એટલે બાલ્ઝાકે રોજના 14થી 18 કલાક કામ કરવા માંડ્યું. પ્રકાશકોના વાયદાને પહોંચી વળવા ક્યારેક તો દિવસ દરમિયાન માત્ર કૉફીના કપ ઉપર જ રહીને તેમણે સતત લખ્યા કર્યું. બીજી ખરાબ આદતો હતી નહિ અને શરીર તંદુરસ્ત હતું, તેથી આ સખત પરિશ્રમ સામે તેઓ ટકી શક્યા; પણ અંદરથી તો સ્વાસ્થ્ય કથળતું જતું હતું. આ ગાળા દરમિયાન લખાયેલી તેમની નવલકથાઓમાં નારીનાં મન અને સંવેદનાઓના જ્ઞાતા તરીકે તેમની ખ્યાતિ ખૂબ પ્રસરી.

હોનોરે દ બાલ્ઝાક

બાલ્ઝાકની સાહિત્યકાર તરીકેની પ્રતિષ્ઠાને સર્વોચ્ચ શિખરે પ્રસ્થાપિત કરનાર ગ્રંથ છે ‘ધ હ્યૂમન કૉમેડી’. 90 જેટલી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓનો આ સંચય 1841 સુધીના ગાળા દરમિયાનની રચનાઓનો શ્રેષ્ઠ સમુચ્ચય છે. આ રચનાઓના ગુચ્છ વિભાજિત કરીને ‘અંગત જીવનનાં ર્દશ્યો’, ‘રાજકીય જીવનના રંગ’, ‘પૅરિસનું જીવનદર્શન’, ‘આધિભૌતિક અભ્યાસો’ વગેરે અનેક પ્રકાશનો થયાં છે. ‘આધિભૌતિક અભ્યાસો’માં બાલ્ઝાકનો રહસ્યમય અને આધિભૌતિક ઘટનાઓમાંનો ઊંડો રસ પ્રગટ થાય છે. મેસ્મેરિઝમ, વિચાર-વિવર્તન, સ્ફુરણા જેવી અનેક અલૌકિક બાબતોને ઐતિહાસિક પાર્શ્વભૂમિકામાં મૂકીને અદભુત કથાઓ તેમણે સર્જી છે. પણ આ સિવાયની જે કથાઓનો ‘ધ હ્યૂમન કૉમેડી’માં સમાવેશ થાય છે તે બાલ્ઝાકના પોતાના જમાનાના ફ્રેન્ચ સમાજને પશ્ચાદભૂમિકામાં રાખીને લખાયેલી કથાઓ છે. 1814થી 1830 સુધીના ફ્રાંસના સમાજજીવનને સમજવાની એ જાણે ચાવી  છે. સમાન ઐતિહાસિક ભૂમિકા હોવા ઉપરાંત કેટલાંક પાત્રોને એક કથામાંથી બીજી કથામાં પ્રવેશ કરાવીને બાલ્ઝાકે આ નવલકથાઓને એકબીજી સાથે જોડતી કડીની મૌલિક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. એક જ નવલકથામાં આવતા પાત્રની મનોભૂમિકાને પ્રગટ થવાનો વ્યાપ તે પાત્ર અનેક બીજી કથાઓમાં દેખાવાને કારણે ખૂબ વધી જાય છે. ઉન્નતભ્રૂ ભદ્રસમાજનાં પાત્રોથી માંડીને સાવ ગમાર ખેડૂતો સુધીનાં પાત્રોનો સમાવેશ તેમની નવલકથામાં થયેલો છે.

ધનલાલસા અને સુખની શોધ માનવજાતની તમામ પ્રવૃત્તિઓનાં લક્ષ્ય છે એમ માનનાર બાલ્ઝાકે આત્મસમર્પણ, નિ:સ્વાર્થ વૃત્તિ પ્રગટ કરતી ઘટનાઓને પણ નવલકથાઓમાં સમાવી છે. બૉદલેરે બાલ્ઝાકને આર્ષદ્રષ્ટા તરીકે વર્ણવેલા અને કહેલું કે તેમનું દરેક પાત્ર ‘પ્રતિભાવંત’ છે. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એકલે હાથે ઝૂઝવાનો નિર્ધાર એ પ્રતિભાનો એક ભાગ ગણીએ તો આ વાત પ્રતીતિકર લાગે.

બાલ્ઝાક જે જમાનામાં જીવી ગયા તે યુગ ગરીબ અને અલ્પ-સાધન વ્યક્તિઓ માટે અસ્તિત્વના સંઘર્ષનો અને સામૂહિક પ્રયાસોને બદલે વ્યક્તિગત સંઘર્ષથી ભરેલી ઘટનાઓનો હતો. અંધાધૂંધીભરેલા તે જમાનામાં ફ્રાંસમાં કોઈ સબળ કેન્દ્રીય સત્તાની જરૂરિયાત તેમને સતત લાગ્યા કરતી હતી. માનવીમાં રહેલી અધમ સ્વાર્થી વૃત્તિને અંકુશમાં રાખવા આ પ્રકારની કોઈ કાયદાકીય, રાજકીય કે ધાર્મિક વ્યવસ્થાની અનિવાર્યતા તેમની કથાઓ દ્વારા પ્રગટ થયા વિના રહેતી નથી.

જીવનનાં પાછલાં વર્ષો દરમિયાન બાલ્ઝાકનું સ્વાસ્થ્ય તીવ્ર ગતિથી કથળતું ચાલ્યું, જાણે જીવનભરના પરિશ્રમે ભરડો લીધો. સાથે જ પ્રેમ-પ્રકરણમાં મળેલી હતાશા-નિરાશાનો ભાવ તેમને અંદરથી કોરી ખાનારો પુરવાર થયો. રશિયામાં ખૂબ મોટી જાગીર ધરાવનાર પોલૅન્ડના એક ઉમરાવની પત્ની માદામ હાન્સકાનો 1832માં તેમના ઉપર પ્રથમ પત્ર આવ્યો અને તેથી બાલ્ઝાક રોમાંચિત થઈ ગયેલા. ઉત્તેજનાની એ અનુભૂતિ સાથે બીજા વર્ષે સ્વિટ્ઝર્લૅન્ડમાં તેને મળ્યા અને પછીનાં વર્ષોમાં બંને વચ્ચે સુમધુર સંબંધો અને પત્રવ્યવહાર ચાલુ રહ્યા. માત્ર વૅકેશન દરમિયાન બંને સાથે હોય ત્યારે જ પત્રવ્યવહાર અટકે. આખા યુરોપનાં અનેક સ્થળોની તેમણે મુલાકાત લીધેલી. 1841નાં માદામ હાન્સકાના પતિનું અવસાન થયું. થોડાક જ વખતમાં બાલ્ઝાકે તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને અનેક વિનવણીઓ છતાં માદામ તેમાં સંમત ન થયાં. બાલ્ઝાકે બીમાર હાલતમાં યુક્રેનમાં આવેલ માદામની હવેલીની છેલ્લી મુલાકાત લીધી અને લગ્ન માટે માદામ તૈયાર થયાં. લગ્ન 14 માર્ચ 1850ના રોજ થયું. બાલ્ઝાક ફ્રાંસ પાછા ફર્યા, પણ આ લાંબી સફર તેમને ખૂબ નડી અને તેમનું નિધન થયું.

પંકજ જ. સોની