બાલ્કન વિગ્રહો

January, 2000

બાલ્કન વિગ્રહો : બાલ્કન રાજ્યો વચ્ચે વીસમી સદીના પ્રથમ દાયકામાં થયેલા વિગ્રહો. વીસમી સદીના પ્રથમ દસકામાં બાલ્કનમાં બલ્ગેરિયા-સર્બિયાનો સંઘર્ષ, આર્મેનિયાનો હત્યાકાંડ, ગ્રીસ-તુર્કી વિગ્રહ, બલ્ગેરિયાની જાહેરાત, તરુણ તુર્કોની ક્રાંતિ અને ટ્રિપોલી પરના આક્રમણ જેવી ઘટનાઓએ બાલ્કનના પ્રશ્નને સ્ફોટક બનાવ્યો હતો. તેના પરિણામે બાલ્કન વિગ્રહો થયા. 1909માં સુલતાન મહમ્મદ પાંચમાએ શરૂઆતમાં ઉદાર શાસન ચલાવ્યા બાદ અત્યાચાર શરૂ કર્યો હતો. તેથી તુર્કો અને બાલ્કનના ખ્રિસ્તી સ્લાવોમાં અસંતોષ પ્રવર્તતો હતો. આ અસંતોષનો લાભ લઈને ઇટાલીએ આફ્રિકાને કાંઠે આવેલા ટ્રિપોલી પર આક્રમણ કર્યું અને તુર્કીના સુલતાનનો પરાજય થયો. 1908–09ની બૉસ્નિયાની કટોકટીને પરિણામે બાલ્કન વિસ્તારમાં ઑસ્ટ્રિયાએ ઇટાલીની પ્રાદેશિક મહત્વાકાંક્ષા પર અંકુશ મૂક્યો. તુર્કીના સુલતાને જોયું કે યુરોપની કોઈ મહાસત્તા તેની મદદે આવે તેમ નથી. વળી તેની વિરુદ્ધમાં બાલ્કન રાજ્યોનો સંઘ પણ રચાયો હતો. ઇટાલીએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો પૂરો લાભ ઉઠાવ્યો. તેથી તેની સાથે તુર્કીના સુલતાને સંધિ કરી અને તેને ટ્રિપોલી સોંપી દીધું. આનાથી તુર્કીની નિર્બળતા ખુલ્લી પડી અને બાલ્કન રાષ્ટ્રોએ તેની સામે યુદ્ધ કરવાની હિંમત કરી. તેના પરિણામે બે બાલ્કન વિગ્રહો થયા.

1912માં ગ્રીસ, સર્બિયા, બલ્ગેરિયા અને રુમાનિયાએ પરસ્પર કરાર કરીને બાલ્કન સંઘની રચના કરી. આ કરારના બે હેતુઓ હતા : (1) કોઈ પણ મહાસત્તા બાલ્કનના કોઈ પ્રદેશ પર આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરે તો કરારમાં સામેલ થયેલાં રાજ્યોએ તે પ્રયત્નને સંયુક્ત રીતે નિષ્ફળ બનાવવો. (2) જો તુર્કીના વિશાળ સામ્રાજ્યમાં અવ્યવસ્થા ફેલાય અને તેથી બાલ્કનની વર્તમાન પરિસ્થિતિમાં ફેરફાર થાય તો આ કરારમાં જોડાયેલી સત્તાઓએ બાલ્કનમાંના પોતાના સ્થાન અંગે, રશિયાની સંમતિથી અને પરસ્પર સહકારથી નિર્ણય લેવો. બાલ્કન સંઘની રચના પછી ટૂંકા સમયમાં સંઘને પોતાના હેતુ પાર પાડવાની તક મળી. તુર્કીના સુલતાન પાસે મૅસિડોનિયામાં અત્યાચાર બંધ કરી ત્યાંની ખ્રિસ્તી જનતાને બંધારણીય સુધારા આપવાની માંગણી મૂકી. રશિયાએ આ માંગણીને ટેકો આપ્યો; પરંતુ તુર્કીના સુલતાને આ માંગણીની ઉપેક્ષા કરી; એટલું જ નહિ, મૅસિડોનિયામાં થયેલ બળવાને દબાવી દેવા દમનકારી પગલાં લીધાં. પરિણામે બાલ્કન સંઘે તેની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. એ રીતે પ્રથમ બાલ્કન વિગ્રહ થયો.

પ્રથમ બાલ્કન વિગ્રહ (ઑક્ટોબર 1912–1913) : આ વખતે ઇટાલીએ તુર્કી સામે ટ્રિપોલી અંગે યુદ્ધ જારી રાખ્યું હતું. તુર્કી માટે બધા મોરચા પર યુદ્ધ કરવું શક્ય ન હતું. તેથી તેણે ઇટાલી સાથે લુસાનની સંધિ કરી. બીજી તરફ બલ્ગેરિયાએ ઍડ્રિયાનોપોલ અને ગ્રીસે સેલૉનિકા કબજે કર્યાં. મૉન્ટિનીગ્રોએ આલ્બેનિયા પર આક્રમણ કર્યું અને સર્બિયા તો આલ્બેનિયા જીતીને આડ્રિયાટિક કાંઠા સુધી પહોંચી ગયું. બે જ મહિનાના ગાળામાં બાલ્કન રાજ્યોએ જીત મેળવી અને તુર્કીને પીછેહઠ કરવી પડી. બાલ્કન લીગને એક પછી એક વિજયો મળતા ગયા. યુરોપમાંથી તુર્કીને કાયમી વિદાય આપવા માટે બે જ બાબતો જરૂરી હતી. એક મહાસત્તાઓની શુભેચ્છા અને બાલ્કન સંઘના સભ્યોની વચ્ચે સહકાર; પણ આ બંનેમાંથી એક પણ બાબત સિદ્ધ થઈ નહિ. મહાસત્તાઓનું વલણ બાલ્કન વિગ્રહનાં પરિણામોને સ્વીકારવા તૈયાર ન હતું; કારણ તેનાથી મહાસત્તાઓનાં પોતાનાં હિત જોખમાતાં હતાં. તેમ છતાં યુરોપીય મહાસત્તાઓ પ્રથમ બાલ્કન વિગ્રહને લીધે પેદા થયેલી પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે લંડન મુકામે શાંતિ પરિષદ બોલાવવા તૈયાર થઈ હતી. 16 ડિસેમ્બર 1912ના દિવસે લંડનમાં શાંતિ પરિષદ મળી અને 30 મે 1913ના રોજ લંડનમાં સંધિ કરવામાં આવી, પણ આ સંધિથી શાંતિ સ્થપાઈ નહિ. આ શાંતિ પરિષદથી બાલ્કન વિગ્રહનો અંત આવ્યો ન હતો; પરંતુ લંડનની શાંતિ પરિષદમાં તુર્કીએ યુરોપના કેટલાક પ્રદેશો પરનું પોતાનું આધિપત્ય છોડી દેવાની સંમતિ આપી. આ વખતે રશિયાએ સર્બિયાની પ્રાદેશિક મહત્વાકાંક્ષાને ટેકો આપવાનું વલણ દાખવ્યું નહિ. લંડન પરિષદમાં ફ્રાન્સ અને જર્મની કરતાં બાલ્કન વિસ્તારનાં બંને હરીફ રાજ્યો રશિયા અને ઑસ્ટ્રિયાનું વલણ કંઈક અંશે સમાધાનકારી રહ્યું હતું. કૉન્સ્ટન્ટિનોપલ અને તેની આજુબાજુના પ્રદેશો તુર્કી પાસે જ રહ્યા. જો આ વખતે તુર્કીના બાકીના જિતાયેલા પ્રદેશો બાલ્કન રાજ્યોને આપવામાં આવ્યા હોત તો બીજો બાલ્કન વિગ્રહ ન થયો હોત. પ્રદેશોની વહેંચણીની બાબતમાં અને બંદરો ઉપરના આધિપત્યની બાબતમાં બાલ્કન રાજ્યોનો લાંબા સમયનો સંઘર્ષ ફરી શરૂ થયો.

બલ્ગેરિયા સાથે થયેલી ગુપ્ત સમજૂતી મુજબ મૅસિડોનિયાનો જે પ્રદેશ સર્બિયાને મળવાનો હતો તેમાંથી આલ્બેનિયાના નવા રાજ્યની રચના કરવામાં આવી અને સર્બિયાને દરિયાઈ પ્રવેશદ્વારથી વંચિત રાખવામાં આવ્યું. ગ્રીસ અને સર્બિયા વચ્ચે રક્ષણાત્મક જોડાણ થયું.

દ્વિતીય બાલ્કન વિગ્રહ (જૂન 1913) : બાલ્કન રાજ્યોમાં આ સમયે વિખવાદ પેદા થાય તેમ ઑસ્ટ્રિયા ઇચ્છતું હતું. સર્બિયાને બળવાન બનતું અટકાવવા માટે તેણે બલ્ગેરિયાને પરોક્ષ ટેકો આપ્યો; પરંતુ બાલ્કન લીગ વિખવાદ દ્વારા નબળું ન પડે તેમ રશિયા ઇચ્છતું હતું. ઑસ્ટ્રિયાના પ્રોત્સાહનથી બલ્ગેરિયાએ સર્બિયા પર આક્રમણ કર્યું તે સાથે જ બીજો બાલ્કન વિગ્રહ શરૂ થયો. આ વિગ્રહ બાલ્કન સંઘના સભ્યો વચ્ચે જ થયો હતો, જેમાં એક બાજુ બલ્ગેરિયા અને બીજી બાજુ સર્બિયા તથા ગ્રીસ અને પાછળથી તેમની મદદે આવેલાં રુમાનિયા અને મૉન્ટિનીગ્રો હતાં. બલ્ગેરિયાનાં લશ્કરોની હાર થઈ. બલ્ગેરિયાની હારનો લાભ તુર્કીએ પણ લીધો હતો; તેણે પણ બલ્ગેરિયા વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. આશ્ચર્યની વાત એ છે કે આ વિગ્રહમાં પોતાને પણ કશોક ફાયદો થશે તે આશયે તુર્કીએ પણ સર્બિયા અને તેના મિત્રપક્ષે ઝુકાવ્યું હતું. આખરે બધાએ મળીને બલ્ગેરિયાને હરાવ્યું. આ સંજોગોમાં ઑસ્ટ્રિયાએ દરમિયાનગીરી કરીને બલ્ગેરિયાનો નાશ થતો અટકાવ્યો. અંતે 10મી ઑગસ્ટ 1913ને દિવસે રુમાનિયાના પાટનગર બુખારેસ્ટમાં સંધિ કરવામાં આવી.

બુખારેસ્ટની સંધિથી પૂર્વીય પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હતો. આ સંધિથી બાલ્કનનો ઊકળતો ચરુ શાંત પડ્યો ન હતો. વિજેતાઓ અને પરાજિતોમાંથી કોઈને પણ આ સંધિથી સંતોષ થયો ન હતો. દરેક દેશ અનુકૂળ તક મળે તો બીજું યુદ્ધ કરી આ સંધિએ કરેલી વ્યવસ્થામાં ફેરફાર કરવા આતુર હતો; અને તેમની આતુરતા પ્રથમ વિશ્વયુદ્ધે સંતોષી. આ સંધિથી બલ્ગેરિયાને મોટી હાનિ થઈ. બલ્ગેરિયાને મૅસિડોનિયામાંથી જે પ્રદેશો મળ્યા હતા તે હવે ગ્રીસ અને સર્બિયા વચ્ચે વિભાજિત કરવામાં આવ્યા. રુમાનિયાને બલ્ગેરિયા પાસેથી દક્ષિણ દોબ્રુજનો પ્રદેશ મળ્યો. તુર્કી સાથેની વાટાઘાટોને પરિણામે તુર્કીને બલ્ગેરિયાએ એડ્રિયેનોપલ સહિત પૂર્વ થ્રેસનો કેટલોક વિસ્તાર પાછો આપ્યો.

બાલ્કન વિગ્રહને અંતે સમગ્ર બાલ્કન પ્રદેશનો રાજકીય નકશો બદલાઈ ગયો. બે બાલ્કન વિગ્રહોને પરિણામે તુર્કીએ કૉન્સ્ટન્ટિનોપલ, એડ્રિયેનોપલ અને પૂર્વ થ્રેસને આવરી લેતા દક્ષિણ પૂર્વના ખૂણાના પ્રદેશને બાદ કરતાં બધો યુરોપીય પ્રદેશ ગુમાવ્યો અને એ રીતે યુરોપીય સત્તા તરીકે ઑટોમન સામ્રાજ્યનો અંત આવ્યો. જ્યારે સર્બિયા, ગ્રીસ અને મૉન્ટિનીગ્રોના પ્રદેશમાં બેગણો વધારો થયો. રુમાનિયાને પણ લાભ થયો. બલ્ગેરિયાને બંને બાલ્કન વિગ્રહથી ખાસ કંઈ ફાયદો થયો નહિ. ગ્રીસને સારાં બંદરો મળ્યાં. સર્બિયાના પ્રદેશમાં વધારો થયો. ઇટાલી અને ઑસ્ટ્રિયાને જર્મનીના વિરોધને લીધે એક પણ દરિયાઈ બારું મળ્યું નહિ.

બે બાલ્કન વિગ્રહના અંતે બાલ્કન પ્રજા ઉપર અખત્યાર કરવામાં આવતી તુર્કીની દમનનીતિનો અંત આવ્યો. આમ છતાં બાલ્કન પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ ન થયું. બીજા બાલ્કન વિગ્રહના પરિણામથી બલ્ગેરિયા અસંતુષ્ટ હતું. તે જ રીતે સર્બિયાની પ્રાદેશિક મહત્વાકાંક્ષા પર મર્યાદા આવી. ઑસ્ટ્રિયાને માટે સર્બિયાનું અસ્તિત્વ જ ધમકીભર્યું હતું. આથી જર્મની–ઑસ્ટ્રિયાએ બલ્ગેરિયાને ટેકો આપવાની નીતિ અખત્યાર કરી. બીજી બાજુ બાલ્કન વિગ્રહોને લીધે તુર્કીને બાલ્કન રાજ્યોની વિરુદ્ધ જર્મની – ઑસ્ટ્રિયાનો ટેકો લેવાની જરૂર જણાઈ. શરૂઆતથી કૈસરે તુર્કી સાથે મિત્રાચારીની નીતિ અપનાવી હતી. અને બગદાદ રેલવે યોજનાની જાહેરાત કર્યા પછી બંને દેશોના સંબંધો ગાઢ થયા હતા. બાલ્કન વિગ્રહો પછી તુર્કીએ જર્મનીને નાણાકીય સહાય માટે વિનંતી કરી. તુર્કી અને બલ્ગેરિયાના ઑસ્ટ્રિયાતરફી જોડાણથી ઑસ્ટ્રિયાને સ્લાવ પ્રજાની વિરુદ્ધ જેટલો ટેકો મળે તેટલો લેવા કૈસર આતુર હતો. એક રીતે બાલ્કનમાં રાષ્ટ્રવાદનો વિજય થયો હતો. પરંતુ દ્વિતીય બાલ્કન વિગ્રહને પરિણામે બાલ્કન રાષ્ટ્રોમાં પરસ્પર ઈર્ષા, હરીફાઈ અને તંગદિલીમાં વધારો થયો અને પ્રદેશહાનિ થઈ હતી. તેમાં પણ ખાસ કરીને બલ્ગેરિયાને માનહાનિ અને પ્રદેશહાનિ થઈ હતી. તેનો બદલો લેવાની તે તક શોધતું હતું. બલ્ગેરિયા રશિયાને બાલ્કન રાષ્ટ્રોનું નેતા ગણવા પણ તૈયાર ન હતું અને તે રશિયા વિરુદ્ધ ઑસ્ટ્રિયા તરફ ઢળવા લાગ્યું હતું. 1914ના જૂનની 28મી તારીખે ઑસ્ટ્રિયાના ગાદીવારસની બૉસ્નિયાના પાટનગર સારાજેવોમાં હત્યા થઈ અને તેમાંથી બનાવોએ એવો ભયંકર વળાંક લીધો કે જેને પરિણામે બાલ્કન વિગ્રહો અને તેને અંતે કરવામાં આવેલી વ્યવસ્થાથી અસંતુષ્ટ રહેલી સત્તાઓએે મન મૂકીને લડી લીધું. આને કારણે જ બાલ્કન વિગ્રહોએ પ્રથમ વિશ્વવિગ્રહની ભૂમિકા તૈયાર કરેલી એવું મનાય છે. તેની સમસ્યાનો ઉકેલ પ્રથમ વિશ્વયુદ્ધમાં આવ્યો.

મીનળ શેલત