બાલુસ્ટર : વેદિકા-સ્તંભ અથવા કઠેડાની થાંભલીઓ. આમાં સરખા માપની થાંભલીઓની હરોળ એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેનાથી કઠેડા કે શીર્ષિકા(coping)ને આધાર મળી રહે છે. સીડીનાં પગથિયાંના એક કે બે છેડે, મોટી બારીઓમાં, અગાશી કે ઝરૂખાના અગ્રભાગમાં કરવામાં આવતા કઠેડાઓમાં બાલુસ્ટરનો પ્રયોગ થતો જોવામાં આવે છે. પિત્તળ કે લોખંડ જેવી ધાતુ, રેતિયો કે સંગેમરમર જેવો પથ્થર અથવા સિમેન્ટ કૉંક્રીટ કે લાકડાની બનેલી આ થાંભલીઓ સરખા આકારપ્રકારની હોઈને કઠેડાની મનોહરતામાં વધારો કરે છે.

બાલુસ્ટર
પ્રવીણચંદ્ર પરીખ