બાલી : ઇન્ડોનેશિયાનો ખૂબ જ જાણીતો બનેલો રમણીય ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 8° 15´ દ. અ. અને 115° 00´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. આ ટાપુ તેનાં ડાંગરનાં સીડીદાર ખેતરો, વનાચ્છાદિત નયનરમ્ય હરિયાળા દેખાતા પર્વતઢોળાવો તથા સુંદર સરોવરો અને દરિયાઈ રેતાળ પટ માટે વિશ્વવિખ્યાત બનેલો છે. ઇન્ડોનેશિયાના લગભગ બધા જ ઇસ્લામધર્મી ટાપુઓમાં તે હિન્દુ ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતો એકમાત્ર ટાપુ હોઈને તદ્દન અલગ પડી આવે છે. આ ટાપુ પરનાં ગામડાંઓમાં, ખેતરોમાં, દરિયાકિનારે, સરોવરોને કિનારે તથા પર્વતગુફાઓમાં ઠેકઠેકાણે હિન્દુ મંદિરો જોવા મળે છે. દેવો અને દૈત્યોની અસંખ્ય મૂર્તિઓને કારણે ઇન્ડોનેશિયામાં તે ‘ઈશ્વરના ટાપુ’ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત વિવિધ નૃત્યો માટે પણ તે જગપ્રસિદ્ધ છે.

સમગ્ર બાલી પ્રાંત બાલીના ટાપુથી, નુસા પેનિડા, નુસા લેમ્બોન્ગન અને નુસા સેનિન્ગન ટાપુઓથી બનેલો છે. આખો પ્રાંત 8 જિલ્લાઓમાં વહેંચાયેલો છે. મુખ્ય ટાપુની દક્ષિણ ભૂશિર પર આવેલું દેનપસાર તેનું પ્રાંતીય પાટનગર છે.

બાલીનો ટાપુ જાવા ટાપુની લગભગ જોડાજોડ પૂર્વમાં માત્ર 2.5 કિમી. પહોળાઈવાળી સાંકડી સામુદ્રધુનીની સામે પાર આવેલો છે. તેનો કુલ વિસ્તાર 5,632 ચોકિમી. જેટલો છે.

ભૂપૃષ્ઠ : આ ટાપુનું મોટાભાગનું ભૂપૃષ્ઠ જ્વાળામુખી પર્વતોના જૂથથી રચાયેલું છે. વાસ્તવમાં તો તે જાવા-સુમાત્રાની જ્વાળામુખીજન્ય પર્વતશૃંખલાનું જ વિસ્તરણ છે. ગુનુંગ આગુંગ, ગુનુંગ બાટુકાવ (batukau) અને ગુનુંગ બૅતુર અહીંના મુખ્ય પર્વતો છે. વધુ ઊંચાઈ ધરાવતો ગુનુંગ આગુંગ બાલીમાં ખૂબ જ પવિત્ર પર્વત મનાય છે, બાલીના નિવાસીઓ તેને દુનિયાની નવીનતા તરીકે નવાજે છે. તેના ઢોળાવ પર ઘેરા રંગની પગથીના આકારવાળું ‘પુરા બેસાકી’ નામનું માતૃમંદિર આવેલું છે.

બાલી ટાપુ

આગુંગની ગણના હજી આજે પણ સક્રિય જ્વાળામુખી તરીકે થાય છે. તેનું છેલ્લું પ્રચંડ પ્રસ્ફુટન 1963ના માર્ચમાં થયેલું. બૅતુર 1917, 1926 અને 1972માં ફાટેલો, આ કારણે બાલીની 70 %થી વધુ ભૂમિ સમુદ્રસપાટીથી 400 મીટર કે તેથી વધારે ઊંચાઈ ધરાવે છે. અહીંના લોકોમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે નદીઓ અને સરોવરો સહિતના પર્વતો ઈશ્વરનું નિવાસસ્થાન છે. તે આજુબાજુની ભૂમિને ફળદ્રૂપ રાખે છે.

જળપરિવાહ : બૅતુર, બુયન, બ્રેટન અને ટૅમ્બ્લિંગન અહીંનાં મુખ્ય સરોવરો છે. જ્વાળામુખી પર્વતોના લાંબા હરિયાળા ઢોળાવો તળેટી-વિભાગો બનાવ્યા વિના જ સીધેસીધા સમુદ્રમાં ડૂબેલા દેખાય છે. ઢોળાવો પરથી પ્રપાતો કે ધોધ સહિત નાની નાની નદીઓ નીકળે છે. નાનાં ઝરણાં સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે.

આબોહવા : બાલીની આબોહવા જાવાની આબોહવા જેવી જ ગરમ અયનવૃત્તીય છે, પરંતુ જાવા કરતાં આ ટાપુ નાનો હોવાથી તેની આબોહવા પ્રમાણમાં ઠંડી રહે છે. વર્ષ દરમિયાન મહત્તમ તાપમાન 30° સે. સુધી પહોંચે છે. વાયવ્યના મોસમી પવનો અહીં ડિસેમ્બરથી એપ્રિલ સુધી વરસાદ આપે છે.

પ્રાણી-વનસ્પતિજીવન : વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ એશિયામાં લાક્ષણિક ગણાતાં પ્રાણીઓ અને વનસ્પતિ બાલીના ટાપુની એક વિશિષ્ટતા બની રહેલાં છે. લોમ્બોકની ઊંડી અને સાંકડી સામુદ્રધુનીથી પૂર્વ તરફનાં પ્રાણીઓ અને વનસ્પતિ ઑસ્ટ્રેલિયન લક્ષણો ધરાવતાં જોવા મળે છે. લોમ્બોકની સામુદ્રધુનીમાંથી પસાર થતી ‘વૉલેસરેખા’ પ્રાણી-વનસ્પતિ-પ્રકારો માટેની ભેદરેખા ગણાય છે.

અર્થતંત્ર : જ્વાળામુખીની ભસ્મને કારણે અહીંની જમીનો સમૃદ્ધ અને ફળદ્રૂપ બની રહેલી છે. ડાંગર અહીંની મુખ્ય કૃષિપેદાશ છે. અન્ય કૃષિપાકોમાં કસાવા, ફળો, મકાઈ, મગફળી, શકરિયાં અને શાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લવિંગ, અન્ય મસાલા, નાળિયેર, કૉફી, અને તમાકુનું ઉત્પાદન પણ લેવાય છે.

ખેડૂતો ઢોર, ઘેટાં, બકરાં, મરઘાં અને ભેંસો પાળે છે. ઇન્ડોનેશિયાના બધા જ ટાપુઓ પૈકી માત્ર બાલીમાં જ ભૂંડનો ઉછેર થાય છે. થોડા પ્રમાણમાં માછીમારીની પ્રવૃત્તિ પણ ચાલે છે, પરંતુ તે મુખ્ય વ્યવસાય ગણાતો નથી.

અહીંના લોકો હુન્નરમાં પાવરધા છે, તેઓ વિવિધ પ્રકારનું કોતરકામ, શિલ્પકામ અને ચિત્રકામ કરે છે. સુતરાઉ કાપડ, ઈંટો, સિરૅમિક્સ અને છાપરાંનાં નળિયાં પણ અહીં બનાવાય છે.

ઇતિહાસ : અહીંની ભૂમિના મૂળ લોકો ‘બાલી આગા’ કહેવાતા હતા. તેમના વંશજો હજી આજે પણ પહાડી સ્થળો પર રહે છે. અગાઉના સમયમાં શબને દફનાવવાની કે અગ્નિદાહ દેવાની પ્રથા ન હતી, તેઓ શબને ગામ બહાર છોડી દેતા, જંગલી પ્રાણીઓ આવીને તેનું ભક્ષણ કરી જતાં. આશરે બીજા સૈકાથી બાલી હિન્દુ ધર્મની અસર હેઠળ આવ્યું, મધ્ય અને પૂર્વ જાવામાં પણ આ અસર પ્રસરેલી. આ બધો વિસ્તાર જાવાના હિન્દુ રાજાના શાસન હેઠળ હતો. 15મી સદીમાં મુસ્લિમોએ માજાપાહિતના (પૂર્વ જાવાના) હિન્દુ શાસકને હાંકી કાઢ્યો. છેલ્લા જાવાનીઝ શાસકનો પુત્ર, ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાને બદલે તેના ઘણા અનુયાયીઓ સહિત બાલી પહોંચ્યો અને તેણે પોતાને બાલીના શાસક તરીકે જાહેર કર્યો. આ સ્થળાંતરવાસીઓના વંશજો પોતાને વૉગ માજાપાહિત (માજાપાહિત લોકો) કહેવડાવતા. આ રીતે મૂળ હિન્દુ જાવાનીઝ સંસ્કૃતિની મુખ્ય ધારા ધર્મ, કલા અને ફિલસૂફી સહિત બાલી સુધી પહોંચી, જળવાઈ; જે આજ સુધીમાં વિકસીને સમૃદ્ધ બની છે.

1597માં પ્રથમવાર ડચ વેપારીઓએ બાલીની મુલાકાત લીધેલી, તે પૈકીના કેટલાક વેપારીઓને આ ટાપુ ગમી જવાથી તેઓ કાયમ માટે અહીં વસી ગયા. તે પછીથી ડચ લોકોએ બાલીના શાસકો સાથે વેપારી કરારો કર્યા, તેમાં ગુલામોના વેપારની બાબત મુખ્ય હતી. 1839માં ડચ લોકોએ બાલીના શાસકોને આ ટાપુ પર ડચ સાર્વભૌમત્વ સ્વીકારવાની ફરજ પાડી. બાલી આ માગણી સ્વીકારે તે માટે ઘણાં ડચ લશ્કરી દળો પણ અહીં મોકલવામાં આવેલાં. ડચ લોકોએ 1882માં બાલીનાં ઉત્તરનાં રાજ્યો ખાલસા કર્યાં. ડચોએ 1894માં લોમ્બોક ટાપુ પર આક્રમણ કર્યું અને અનક આગન્ગ નામના યુવરાજને મારી નાખ્યો. ડચોએ 1906માં દેનપસર પર હુમલો કરી 3,600 બાલીવાસીઓની હત્યા કરી અને આખો ટાપુ કબજે કર્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનની સેનાએ બાલી ટાપુ કબજે કર્યો. જાપાનનો પરાજય થયા બાદ ઇન્ડોનેશિયાનાં ક્રાંતિકારી દળો અને ડચ સેના વચ્ચે પશ્ચિમ બાલીના પ્રદેશોમાં લડાઈ થઈ અને 1950માં બાલી ટાપુ પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાનો ભાગ બન્યો.

સંસ્કૃતિ : બાલી તેની અતિસમૃદ્ધ સંસ્કૃતિ અને કલાપરંપરા માટે ખૂબ જાણીતું બનેલું છે. અહીંનાં દરિયાકિનારા પરનાં તાડનાં વૃક્ષોની હારથી તેમજ અદભુત નૈસર્ગિક ભૂમિર્દશ્યોથી દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવવા પ્રેરાય છે. ખેતીની પ્રવૃત્તિથી લીલાં દેખાતાં ખેતરો તેના કુદરતી સૌંદર્યમાં ઉમેરો કરે છે. ડાંગરની ખેતી કરવા ખેડૂતો આખા ને આખા પહાડી ઢોળાવોને સીડીદાર બનાવે છે અને ઝરણાંનાં જળ દ્વારા સિંચાઈ કરી કૃષિપાકોનું ઉત્પાદન લે છે.

બાલીની વસ્તી 26,33,500 (1991) જેટલી છે. દેનપસાર અને સિંગરેજા અહીંનાં મુખ્ય શહેરો છે. સમગ્ર ટાપુ પર ઘણાં હિન્દુ મંદિરો તો છે જ, ઉપરાંત અન્ય ધર્મનાં મંદિરો પણ છે. બાલીનિવાસીઓએ પોતાનો એક આગવો ધર્મ વિકસાવ્યો છે, તે છે હિન્દુ ધર્મનું સુધારેલું સ્વરૂપ. તેને ત્યાંની સ્થાનિક માન્યતાએ વિસ્તાર્યો છે. ઇન્ડોનેશિયાના મોટાભાગના નિવાસીઓ મુસ્લિમો છે, પરંતુ અહીં બાલીમાં તો તેમનું પ્રમાણ માત્ર 5 % જ છે, 93 % હિન્દુઓ છે. બાકીના 2 % અન્યધર્મી છે.

હિન્દુ ધર્મ તેમના જીવનમાં એટલો તો ઓતપ્રોત થઈ ગયો છે કે તે કેન્દ્રસ્થાને રહ્યો છે. અહીં ઈશ્વરનાં ઘણાં સ્વરૂપો જોવા મળે છે, પર્વતોના, સરોવરોના, નદીઓના, સમુદ્રોના, જંગલોના, ખેતરોના અને કુદરતી સ્વરૂપોના બધા જ અંશો માટે અહીં અલગ અલગ ઈશ્વરીય સ્વરૂપો છે; નૃત્ય, નાટક, કાષ્ઠકોતરણી, પાષાણશિલ્પ, વણાટકામ, ચિત્રકામ, રંગકામ કે સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ અનુસાર તે તે દેવતાઓની ભક્તિ, પૂજા, અર્ચના અહીંના લોકો કરે છે.

બાલીમાં જાતજાતના તહેવારો ઊજવાય છે. તેમાં સૌ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. મંદિરોના સ્થાપનાદિવસ, શબનો અગ્નિદાહ અને વ્યક્તિના તારુણ્યપ્રવેશ જેવા પ્રસંગો વિધિપૂર્વક ઊજવાય છે. અહીંના ગ્રામીણ લોકો લાકડાં (કાષ્ઠ), શિંગડાં, હાડકાં તેમજ હાથીદાંત પર કોતરકામ કરે છે તેમજ છાયાનાટકો માટેની ઢીંગલીઓ બનાવે છે; તેમની ચિત્રકલામાં આધુનિકતાનાં તથા પરંપરાગત ઊતરી આવેલી કલાનાં સ્વરૂપો દેખાય છે. તેઓ હિન્દુ સંસ્કૃતિનાં વિવિધ વિષયવસ્તુ લઈને ચિત્રો બનાવે છે. નૃત્યનાટિકાઓમાં, સાહિત્યમાં, પાંદડાં પર લખવાની કળામાં તેમનો પરંપરાગત હુન્નર ખીલી ઊઠે છે.

બાલીની નૃત્યકલા : સૌંદર્યદ્વીપ બાલીની નૃત્યસંસ્કૃતિની રસલહાણ પણ માણવા જેવી હોય છે. નૃત્ય અને સંગીત બાલી-નિવાસીઓના જીવનનો એક અંતર્ગત હિસ્સો બની રહેલાં છે. નૃત્યકારો-નૃત્યાંગનાઓના જૂથને પોતાનાં ઑરકેસ્ટ્રા હોય છે. 6થી 8 વર્ષની વયથી 15થી 16 વર્ષની વય સુધી બાળકો નૃત્યસંગીતની તાલીમ લે છે. રામાયણના પ્રસંગોમાંથી કથાવસ્તુ લઈ તેઓ લોકભોગ્ય નૃત્યો તૈયાર કરે છે. બે ત્રણ બાલિકાઓ દ્વારા કરવામાં આવતા નૃત્યને ‘લેગૉંગ નૃત્ય’; બે પુરુષો દ્વારા થતા પ્રાણીનૃત્યને ‘બેરૉંગ નૃત્ય’ તેમજ ‘રંગત’ કહેવાય છે. ‘કેસૅક નૃત્ય’માં ઑરકેસ્ટ્રાની સંગત હોતી નથી. મહોરાં પહેરીને થતાં નૃત્ય ‘વાયાગ વાગ’ તેમજ છાયાનાટકોવાળાં નૃત્ય ‘વાયાગ કુલિત’ કહેવાય છે. ઝાંગેર નૃત્ય પણ એટલું જ પ્રચલિત છે.

લેગૉંગ નૃત્ય : સ્ત્રીઓ દ્વારા કરાતું લાસ્ય પ્રકારનું નૃત્ય ગણાય છે. પ્રાચીન બાલી સાહિત્યમાં તેનો કોઈ ઉલ્લેખ મળતો ન હોઈ, તે નૃત્યશૈલી જૂની હોવાનો સંભવ નથી, પરંતુ તેનાં પરંપરાગત મૃદુલ ને લલિત અભિનય તથા અંગમરોડ, વિવિધ મુદ્રાઓ અને ઊંચી અભિરુચિ દર્શાવતી વેશભૂષા પરથી બાલીની બધી નૃત્યશૈલીઓમાં તે સર્વોત્તમ અને શાસ્ત્રીય ગણાય છે. અદ્વિતીય ગણાતી તેની વેશભૂષામાં કેડથી નીચે વીંટેલા સારોંગને ‘વસ્ત્ર’, કેડથી લટકતા છેડાને ‘ઓંચલ (આંચલ)’, વક્ષ:સ્થળ તથા કબંધ પર કસીને વીંટેલા સુંવાળા કાપડને ‘બુલન’, તેની ઉપર વરખવાળા કડક કાપડને ‘સાબોક’, કટિતટે વીંટેલા કંદોરાને ‘બોબોકાન’, ગળેથી ઢીંચણ સુધી લટકતા વસ્ત્રને ‘લામક’, ગળે શોભતી હાંસડીને ‘બોબાન્દોંગ’, હાથપરના અલંકારોને ‘ગ્લંગકણ’ (કંકણ) અને ‘બાજુ’, કાનની બુટ્ટીઓને ‘સુબંગ’ કહે છે. મસ્તક પર સોનાના ગિલેટવાળો, લાંબી સફેદ/ગુલાબી પુષ્પમાળાઓ સહિતનો મુકુટ હોય છે. નૃત્યવેળાએ થતું ડોલન નર્તિકાઓના અભિનયને અનુપમ ઝોક આપે છે.

સામાન્ય રીતે નૃત્યાંગનાઓની ભમ્મર મૂંડેલી હોય છે, પરંતુ ત્યાં કાળા રંગથી પ્રસંગોચિત ભ્રૂલતા ચીતરેલી હોય છે. ભ્રૂમધ્યે ‘પ્રિયસાન’ કહેવાતો, સૌંદર્ય-ચિહ્ન ગણાતો, સફેદ ચાંદલો કરેલો હોય છે, જે હિન્દુ પ્રણાલિકા સૂચવે છે.

લેગૉંગ નૃત્ય પ્રારંભમાં ધીમા સંગીત, લય અને ભાવથી શરૂ થાય છે; અંગવિન્યાસમાં ફરક આવતો જાય છે. સંગીત અને નૃત્ય ક્રમે ક્રમે અંગતાલ તથા ખચકાઓનાં સ્પંદનો દ્વારા વેગ પકડતાં જાય છે.

બાલીને ‘ઈશ્વરનો ટાપુ’નું ગૌરવપૂર્ણ બિરુદ અપાવતાં ટાપુ પરનાં અસંખ્ય બહુમાળી હિંદુ મંદિરો

ધાર્મિક પર્વના ઉપલક્ષ્યમાં નીકળેલી બાલીની પારંપરિક વેશભૂષામાં સજ્જ જનસમુદાયની શોભાયાત્રા – એક ર્દશ્ય

તે સાથે ભુજાઓ, કરાંગુલિઓ ને મસ્તકનાં ગતિ, ડોલન તથા સરળ અને લલિત વળાંકો, વેગ પકડે છે. તેઓ પંખા ગોળ ગોળ ઘુમાવે છે, ડોક ત્વરાથી ડાબે જમણે ડોલાવે છે…… આખુંયે નર્તન અત્યંત પ્રમાણબદ્ધ હલનચલન, અંગમરોડ તથા અભિનય વડે શોભી રહે છે.

કેબિયાર નૃત્ય : તેમાં ‘લેગૉંગ’(લાસ્ય પ્રકાર) તથા ‘બારીસ’ (યોદ્ધાઓની હાર–વીરરસભરપૂર)નો સમન્વય જોવા મળે છે. તેમાં પુરુષ નર્તક હાથમાં ભાલા લઈને સંગ્રામનૃત્ય કરે છે. ચપળતાથી લીધેલા એક-બે કૂદકાથી શરૂ કરીને નૃત્યકાર ભૂમિ પર બેઠાં બેઠાં જ આખુંય નૃત્ય કરી બતાવે છે, એ તેની વિશેષતા છે.

બારીસ નૃત્ય : બારીસ એટલે યોદ્ધાવલિ (યોદ્ધાઓની હરોળ) અથવા સૈન્ય-રચના થાય છે. પુખ્ત વયના દસ-બાર પુરુષો આ નૃત્ય ભજવે છે. તેઓ પોશાકમાં સફેદ, ચુસ્ત પાયજામો (જાલેર) અને લાંબું, ચુસ્ત બાંયોવાળું સફેદ અંગરખું (કવાચી) પહેરે છે. પીઠ પાછળ રત્નજડિત, સોનાના હાથાવાળી લાક્ષણિક કટાર (ક્રિસ) બાંધેલી હોય છે – તે પ્રથમ દર્શને સૌરાષ્ટ્રના આહીરની યાદ અપાવે છે. માથા પર ચંપકફૂલોનો ઊંચો અણીદાર મુકુટ પહેરે છે, તેની પાછળ સફેદ કાપડના ત્રિકોણ  – આકાર ટુકડા બાંધ્યા હોય છે. કાન પર જાસૂદનાં મોટાં લાલ ફૂલ ખોસે છે. છાતી પર બાંધેલા પટ્ટામાંથી સફેદ કાપડના અનેક લાંબા ટુકડા ઢીંચણ સુધી લટકતા હોય છે. તેમણે પોતાના ડાબા હાથમાં છેડે મોરપીંછ બાંધેલો એક લાંબો, અણીદાર ભાલો પકડ્યો હોય છે. આવા દસ કે બાર નૃત્યકારો બે ભાગમાં વહેંચાઈ સામસામી કતારમાં ઊભા રહી ‘સંગ્રામ-નૃત્ય’ કરે છે, અન્યોન્ય આહ્વાન આપે છે, ક્રિસ ખેંચીને પરસ્પર વાગ્યુદ્ધ કર્યા પછી વાદ્યોના સૂર-તાલ પ્રમાણે લાક્ષણિક દ્વન્દ્વ-નર્તન કરે છે. બાલીનો આ નૃત્યપ્રકાર જગતના નૃત્યપ્રકારોમાં આગવું સ્થાન ધરાવે છે.

નૃત્યો ઉપરાંત કુક્કુટયુદ્ધ તથા જુગારની રમતોના પણ બાલી લોકો ખૂબ જ શોખીન છે, પરંતુ તે ધાર્મિક પ્રસંગે યોજી શકાય છે. અહીંનાં વિવિધ નૃત્યો પ્રવાસીઓ માટે અનન્ય આકર્ષણરૂપ બની રહ્યાં છે.

અહીંનાં આકર્ષણરૂપ પ્રવાસી મથકોમાં કુટા સૅનુર, નુસા દુઆનો રેતાળ કંઠારપટપ્રદેશ, કિંતામણિ બૅતુર સરોવર, તામ્પાક સિરિંગ, પુરા બેસાકી તથા તનાહ લોતનો સમાવેશ થાય છે. અહીં વિશેષે કરીને યુ.એસ., નેધરલૅન્ડ્ઝ અને ઑસ્ટ્રેલિયામાંથી ઘણા પ્રવાસીઓ આવે છે. નજીકનો લોમ્બોક ટાપુ પણ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે, બાલીમાં 5,000 કિમી.થી વધુ લંબાઈના માર્ગો છે. પ્રવાસીઓ જાકાર્તાથી રેલમાર્ગે અથવા સડકમાર્ગે કે જાવામાંથી ફેરીસેવા મારફતે બાલી જઈ શકે છે. નગુરાહ રાય (Ngurah Rai) અહીંનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે.

ટૂંકમાં, બાલીની સંસ્કૃતિ અનેક રંગે રંગાયેલી છે. બાલીના ધર્મ અને સંસ્કારો પર હિંદુ પ્રણાલિકાની અસર વિશેષ છે. બાલીની સમાજરચના, લોકમાનસ, રીતરિવાજો પાછળની ભાવના, નૃત્યો પ્રત્યેની રુચિ, કલા-કૌશલ્ય વગેરે ઘણુંબધું તેનું આગવું અને વિશિષ્ટ છે. ત્યાંનાં મંદિરોમાંની મૂર્તિઓમાં સર્વધર્મસમત્વ સૂચવાતું હોવાનું જણાય છે. ત્યાંનાં શિલ્પ-સ્થાપત્ય ઉપર ભારતની ગુપ્ત તથા પલ્લવ-શૈલીઓની ઊંડી છાપ દેખાઈ આવે છે. આજે બાલીમાં એવું કશું નથી, જેના પર થોડે અંશે પણ ભારતની અસર ન હોય; ઊલટું એવું ઘણું બધું છે જે મુખ્યત્વે હિન્દુ ધર્મમાંથી જ નીપજ્યું છે. બાલીના તળપદા લોકોની આગવી પ્રતિભાએ ઘણું નવું સર્જ્યું છે, વિકસાવ્યું છે. બાલીના લોકો સાચા અર્થમાં સ્વસ્થ તથા સંતોષી છે, તેમનું જગત બાલી દ્વીપમાં જ પરિમિત છે. બહારના જગતની તંગદિલી, કલહ તથા મૃગતૃષ્ણાથી તેઓ અલિપ્ત, અસ્પૃષ્ટ રહ્યા છે. અહીંના આંતરિક લોકજીવનમાં પણ રાજકારણ, મૂડીવાદ, વર્ગકલહ કે બેકારીની સમસ્યાઓ નથી. પશ્ચિમના લોકોની જેમ કુદરત પર વિજય મેળવીને પોતાનું વર્ચસ્ જમાવવા કરતાં તેઓ કુદરત સાથે પોતાનું તાદાત્મ્ય સાધીને પરમ શાંતિ અને પ્રસન્નતા અનુભવે છે. પોતાની આસપાસનાં પર્વતો અને નદીઓ, વૃક્ષો અને પશુ-પંખીઓ, માનવો કે ઋતુઓ સાથે વિગ્રહ ન રાખતાં, બાલીવાસીઓ તે બધાં સાથે સુમેળ સાધે છે તથા સર્વના અધિષ્ઠાતા, જગતનિયંતા પરમેશ્વર શિવની આરાધના કરીને પોતાના જીવનને કૃતકૃત્ય માને છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ