બાલાંગીર

January, 2000

બાલાંગીર : ઓરિસા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 20° 43´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે.ની આજુબાજુનો 6,551.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બારગઢ જિલ્લો, પૂર્વમાં સોનેપુર અને બૌધ જિલ્લા, અગ્નિકોણ તરફ ફુલબાની જિલ્લો, દક્ષિણે કાલહંદી તથા પશ્ચિમે નવાપરા જિલ્લો આવેલા છે.

ભૂપૃષ્ઠ : પ્રાકૃતિક રચનાની ર્દષ્ટિએ આ જિલ્લાને બે સ્પષ્ટ કુદરતી પ્રદેશોમાં વહેંચી શકાય છે : (1) પશ્ચિમ તથા દક્ષિણના પહાડી પ્રદેશો :  પહાડી પ્રદેશો જુદાં જુદાં ઊંચાણ-નીચાણ ધરાવે છે. તેમાં આશરે 3,500 મીટર સુધીની ઊંચાઈવાળી છૂટીછવાઈ ટેકરીઓ છે. અહીં જિલ્લાની પશ્ચિમ તરફ ગંધમર્દન (ગંધમાદન) હારમાળા આવેલી છે. (2) પૂર્વ અને ઉત્તર તરફનો મેદાની પ્રદેશ. તે પણ અસમતળ છે. આ પ્રદેશને સિંચાઈવાળા અને બિનસિંચાઈવાળા ભાગોમાં વહેંચી શકાય એમ છે. સિંચાઈયુક્ત પ્રદેશને હીરાકુડ તથા ઓંગ નહેર યોજના મારફતે પાણી અપાય છે.

જળપરિવાહ : મહાનદી અને તેની શાખાઓ તેલ અને સુકતેલ આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. પશ્ચિમ તરફની ટેકરીઓમાંથી નીકળતી સુકતેલ નદી તેલનદીને મળે તે અગાઉ પટણાગઢ, બાલાંગીર અને લોઇસિંઘા વિસ્તારોમાં થઈને વહે છે. મોટાભાગની નદીઓના વહનપથ ઉત્તર અને ઈશાન ભાગો પૂરતા મર્યાદિત છે.

જંગલો : જિલ્લાના પશ્ચિમ અને દક્ષિણના પહાડી પ્રદેશનો મોટા-ભાગનો વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. અહીં કેન્દુનાં પાંદડાં, સબાઈ ઘાસ, કાંટાળા છોડ, લાકડાં, મહુડાનાં ફૂલ, સાલનાં બીજ, વાંસ વગેરે કાગળની મિલો ઉપયોગમાં લે છે. અહીંની મોટાભાગની આદિવાસી જાતિઓ જંગલ-પેદાશો પર  નભે છે. એક માત્ર ઓરિસા વન નિગમ લિમિટેડ ટીમરુંનાં પાંદડાં ભેગાં કરવાનો હક ધરાવે છે.

જમીનો : મહાનદી, તેલ અને ઓંગ નદીઓનાં થાળાં કાંપની ફળદ્રૂપ  જમીનોથી બનેલાં છે. પૂર્વ અને મધ્ય ભાગની જમીનો રેતાળથી રેતાળ માટીવાળી છે. છેક દક્ષિણ તથા પશ્ચિમ તરફની જમીનો લૅટેરાઇટજન્ય છે.

ખેતી : જિલ્લાના મુખ્ય ખરીફ પાકોમાં ડાંગર, મકાઈ, રાગી, મગ, તુવેર, મગફળી અને તલ તથા રવી પાકોમાં ડાંગર ઘઉં, મગ, કળથી, શેરડી, રાઈ, મગફળી અને તલનો સમાવેશ થાય છે. ડાંગર, ઘઉં, કઠોળ અને રોકડિયા પાકો નદીથાળાંઓના મેદાની પ્રદેશોમાં, જ્યારે પહાડી પ્રદેશોમાં ઢોળાવો પર તલ અને રાઈ જેવાં તેલીબિયાં થાય છે. સ્થાનભેદે અને સંજોગભેદે ખેતી નહેરો, કૂવાઓ તેમજ તળાવો દ્વારા થાય છે. અહીંની નદીઓ, તળાવો, જળાશયોમાં મત્સ્યપ્રવૃત્તિ પણ થાય છે અને તે માટે રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન અપાય છે. જિલ્લામાં ડાંગરનો પાક પ્રથમ ક્રમે આવે છે.

પશુપાલન : જિલ્લામાં જોવા મળતાં મુખ્ય પશુઓમાં ભેંસ, ઘેટાં, બકરાં અને મરઘાંનો સમાવેશ થાય છે. જિલ્લામાં એક પશુદવાખાનું, 30 ચિકિત્સાલયો, ઢોર-ઉછેરકેન્દ્ર, પશુ-સહાયકેન્દ્ર, મરઘાં-બતકાંનાં ઉછેર-કેન્દ્રો અને એકમો, ઘેટાં-ઉછેરકેન્દ્ર, 11 દૂધ-પુરવઠા મંડળીઓ આવેલાં છે. જિલ્લામાં ગોચરોની અછતને કારણે ઢોરોના ખોરાક માટે જરૂરી ચરિયાણની ખેતી કરવામાં આવે છે.

ઉદ્યોગો : આ જિલ્લામાં ગ્રૅફાઇટ અને મૅંગેનીઝનાં ખનિજો મળે છે. 24 જેટલી ગ્રૅફાઇટની ખાણો અહીં કાર્યરત છે. ખનિજ-આધારિત મૂસ (crucible) બનાવવાનાં કારખાનાં સહિત સજ્જીકરણના એકમની સ્થાપના કરવામાં આવેલી છે. ગ્રૅફાઇટની કક્ષા સુધારવાના એકમો પણ કાર્યરત છે. નગરો, ગામડાં તેમજ પછાત વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગકારોને સ્થાન, શેડ અને જરૂરી તમામ પ્રકારની સહાય આપવાની યોજના હાથ પર લીધેલી છે. નદીઓને લીધે આંતરિક મત્સ્યઉદ્યોગનો પણ વિકાસ થયો છે.

વેપાર : 1933માં રાયપુર–વિઝિયાનાગ્રામ રેલમાર્ગ થયા પછીથી જિલ્લાની વેપારપ્રવૃત્તિ વધી છે. જિલ્લાનાં મુખ્ય રેલમથકો વેપારી મથકો બની રહ્યાં છે. આ જિલ્લામાં આયુર્વેદિક ઔષધો, નળિયાં, કાપડ, ગ્રૅફાઇટ–મૂસ અને ગડાકુનું ઉત્પાદન લેવાય છે. તેમની નિકાસ થાય છે. ટીમરુંનાં પાંદડાં અને ડાંગર-ચોખાની પણ નિકાસ કરવામાં આવે છે; જ્યારે કોલસો, લાકડાં, તેલીબિયાં, ખાદ્ય તેલ વગેરેની  આયાત થાય છે.

પરિવહન : જૂના વખતમાં કટકથી બંકી, બૈદેશ્વર, બૌધ અને સોનાપુર થઈને નાગપુર જતો માર્ગ હતો. સ્વતંત્રતા મળ્યા બાદ અહીં માર્ગોનો વિકાસ થયો છે. રાષ્ટ્રીય કક્ષાના, આંતરરાજ્ય-રાજ્ય કક્ષાના માર્ગોની સુવિધા થઈ હોવાથી દરેક મોસમમાં બસસેવાની સગવડ મળી રહે છે. જિલ્લામાંથી પસાર થતો કલકત્તા–મુંબઈ રેલમાર્ગ 169 કિમી. જેટલી લંબાઈનો છે. તે તિતલાગઢ થઈને પસાર થાય છે. બાલાંગીરથી 327 કિમી. અંતરે આવેલું ભુવનેશ્વર અહીંનું નજીકનું હવાઈ મથક છે.

પ્રવાસન : અહીંનાં સદાહરિત જંગલો, વિવિધ વન્ય પ્રાણીસૃષ્ટિ તેમજ પુરાપાષાણ–નવપાષાણયુગી અવશેષો ધરાવતો આ જિલ્લો પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણ પૂરું પાડે છે. રામાયણકાળમાં આ પ્રદેશ ‘દક્ષિણ કોસલ’ નામથી ઓળખાતો હતો. અહીંનાં ગંધમર્દન પર્વત, હરિશંકર ધોધ અને મહાનદીનું નૈસર્ગિક સૌંદર્ય પ્રવાસીઓ માટેનું  આકર્ષણ છે. ગંધમર્દન પર્વતના દક્ષિણ ઢોળાવ પરનું શંકર તથા વિષ્ણુની મૂર્તિઓ ધરાવતું સંયુક્ત મંદિર અને ઉત્તર ઢોળાવ પરનું નૃસિંહનાથનું મંદિર પર્વત પરથી પસાર થતા 16 કિમી.ના માર્ગથી જોડાયેલાં છે. ગંધમર્દન પર્વત પર મળી આવતી વિવિધ ઔષધીય જડીબુટ્ટીઓ તેના નામને યથાર્થ કરે છે. રાયપુર–તિતલાગઢ રેલમાર્ગ પર આવેલા ‘હરિશંકર રોડ’ રેલમથકથી આ સ્થળ 45 કિમી. તથા બાલાંગીરથી સડકમાર્ગે 83 કિમી. અંતરે આવેલું છે. પ્રાચીન પટણાની રાજધાની પટનાગઢ તાંત્રિક પીઠ અને સહજયાન પંથની બેઠક ધરાવે છે. અહીં પટનેશ્વરી તથા સમલેશ્વરીનાં ચાલુક્ય શૈલીનાં મંદિરો આવેલાં છે. આ સ્થળ માટે 38 કિમી. અંતરે આવેલું બાલાંગીર નજીકનું રેલમથક છે. સોમતીર્થ તરીકે પ્રસિદ્ધ રાણીપુર–ઝરિયલમાં આવેલ ચોસઠ યોગિનીઓનું મંદિર યાત્રાળુઓ માટે આકર્ષણરૂપ છે. રાણીપુર–ઝરિયલનો સમૃદ્ધ પુરાતત્વીય ખજાનો અહીં એક કાળે શૈવપંથી, વૈષ્ણવપંથી, બૌદ્ધપંથી સંપ્રદાયો તથા તાંત્રિક વિદ્યા વિકસ્યાં હતાં તેની યાદ અપાવે છે. અહીંથી 42 કિમી. અંતરે તિતલાગઢ રેલમથક આવેલું છે. બાલાંગીરથી સડક માર્ગે તે 108 કિમી. અંતરે છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ વારતહેવાર નિમિત્તે મેળાઓનું આયોજન થતું રહે છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 12,30,938 જેટલી છે; તે પૈકી 51 % પુરુષો અને 49 % સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 90 % અને 10 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ વસ્તીનું પ્રમાણ વિશેષ છે, જ્યારે બાકીની વસ્તીમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન તથા અન્યધર્મીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં મુખ્યત્વે ઊડિયા તથા હિન્દી ભાષાઓ બોલાય છે. શિક્ષણ માટે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચમાધ્યમિક તથા જુનિયર કૉલેજોની વ્યવસ્થા છે. બાલાંગીર ખાતે ઉચ્ચશિક્ષણની 19 જેટલી કૉલેજો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 ઉપવિભાગો, 5 તાલુકાઓ, 14 સમાજવિકાસ ઘટકોમાં વહેંચી નાખેલો છે. જિલ્લામાં કુલ 4 નગરો અને 1,792 ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ચૌદમી સદીથી પશ્ચિમ ઓરિસામાં ચૌહાણોના શાસન હેઠળ પટનાનું મહત્વનું રજવાડું હતું. સોનાપુર એ વખતે પટનાના શાસન હેઠળનું ઉપવિભાગીય મુખ્ય વહીવટી મથક ગણાતું હતું; પરંતુ સત્તરમી સદીના મધ્યકાળ વખતે તે અલગ રજવાડું બન્યું. 1755થી પટના અને સોનાપુર નાગપુરના મરાઠા શાસકોના કબજા હેઠળ હતાં, તે 1804ની પહેલી મરાઠા લડાઈમાં ઈસ્ટ ઇંડિયા કંપનીને હસ્તક ગયાં, પરંતુ 1806માં નાગપુરના રાજાએ તે પાછાં મેળવી લીધાં. મરાઠાઓ સાથેની ત્રીજી લડાઈ વખતે આ રજવાડાં ફરી પાછાં બ્રિટિશ કબજા હેઠળ ગયાં. 1861ના નવેમ્બરમાં જ્યારે મધ્યપ્રાંત(Central Province)ની રચના થઈ ત્યારે આ બંને રજવાડાં તેમાં મુકાયાં. 1877થી પટના અને સોનાપુરના જાગીરદારો તેનો વહીવટ કરતા હતા. 1905માં આ રજવાડાં ઓરિસા વિભાગના જિલ્લા સંબલપુરના એક ભાગ તરીકે બંગાળમાં મુકાયાં. 1948ના વિલીનીકરણ દરમિયાન બાલાંગીર-પટનાનો જિલ્લો રચાયો, પરંતુ 1 નવેમ્બર 1949ના રોજ પટના અને સોનાપુરની જૂની જાગીરોને અલગ કરવામાં આવી અને 4 ઉપવિભાગો — બાલાંગીર, પટનાગઢ, તિતલાગઢ અને સોનાપુરને ભેળવીને બાલાંગીરનો નવો જિલ્લો રચવામાં આવ્યો હતો. 1993માં તે બાલાંગીર જિલ્લાનું વિભાજન કરીને બાલાંગીર અને સોનેપુરના બે અલગ જિલ્લા બનાવવામાં આવેલા છે.

નિયતિ મિસ્ત્રી

ગિરીશભાઈ પંડ્યા