બાલાસોર : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં બંગાળના ઉપસાગરને કિનારે આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લો અને જિલ્લામથક બંને ‘બાલેશ્વર’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 21° 35´ ઉ. અ. અને 87° 05´ પૂ. રે. આજુબાજુનો 3,706 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, દક્ષિણે ભદ્રક જિલ્લો, નૈર્ઋત્યમાં કેઓન્જાર (કેન્દુજારગઢ) જિલ્લો; પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તરમાં મયૂરભંજ જિલ્લો તથા ઈશાન તરફ પશ્ચિમ બંગાળનો મેદિનીપુર જિલ્લો આવેલા છે. પૂર્વ તરફ 130 કિમી. લાંબો કમાન આકારનો સમુદ્રકિનારો આવેલો છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : ભૌગોલિક ર્દષ્ટિએ આ જિલ્લાને ત્રણ સ્પષ્ટ કુદરતી વિભાગોમાં વહેંચી શકાય છે : (1) કિનારા-પટ્ટો : દરિયાકિનારાને સમાંતર સરેરાશ 41.5 કિમી.ની પહોળાઈવાળી ભૂમિપટ્ટીથી રચાયેલો વિભાગ મેદાની લક્ષણ ધરાવે છે. દરિયાઈ કંઠાર પર રેતીના ઢૂવા અને ખારા જળનાં નાનાં નાનાં નાળાંથી છેદાયેલી ધારો (ridges) આવેલાં છે. આ વિભાગ ખેડાણયોગ્ય નથી, પરંતુ મીઠાના ઉત્પાદન માટે ખૂબ જ અનુકૂળ છે. (2) મધ્યનો મેદાની વિસ્તાર : તે ત્રિકોણપ્રદેશીય કાંપથી બનેલો ફળદ્રૂપ વિભાગ રચે છે. અહીં ડાંગરનું વાવેતર વધુ થતું હોવાથી તે ગીચ વસ્તીવાળો બની રહેલો છે. આ વિસ્તારમાં જંગલો જોવા મળતાં નથી. (3) વાયવ્યનો પહાડી વિસ્તાર : નીલગિરિ હારમાળાથી બનેલો પહાડી ભૂપૃષ્ઠવાળો આ વિભાગ સદાહરિત જંગલોથી આચ્છાદિત છે. નીલગિરિ હારમાળામાં આવેલું સર્વોચ્ચ શિખર 535 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીં પથ્થરની ખાણો આવેલી છે. આ વિસ્તારમાંથી કીમતી લાકડાં મળી રહે છે. અસંખ્ય નદીનાળાંથી ભેદાયેલા આ જિલ્લામાં ઉત્તરમાં આવેલી સુવર્ણરેખા અને મધ્યમાં આવેલી બુધાબાલાંગ નદીઓ ઉલ્લેખનીય છે.
ખેતી-પશુપાલન : આ જિલ્લામાં સિંચાઈની સુવિધા ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી સૂકી ખેતી-પદ્ધતિ વધુ ઉપયોગમાં લેવાય છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, મગ, મરચાં, રાગી, અડદ, મગફળી, રાઈ અને શણનો સમાવેશ થાય છે. ખેતીના વધુ વિકાસ માટે ખેડૂતોને ફરતી ખેતી તેમજ ઓજારોના વ્યવસ્થિત ઉપયોગ અંગેની તાલીમ અપાય છે. કઠોળ અને તેલીબિયાંના વધુ ઉત્પાદન માટેના પ્રયાસો ચાલે છે. મત્સ્યઉછેર માટે પણ પ્રોત્સાહન અપાય છે. તાજેતરનાં વર્ષોમાં કિનારાથી અંદરના ભાગોમાં નાળિયેરી તથા નાગરવેલનાં પાનના વેલાઓનું વાવેતર શરૂ કરવામાં આવેલું છે. ડાંગરનાં લીલાં ખેતરો અને વિકસિત જળપરિવાહે ઓરિસાને ‘ધાન્યભંડાર’ બનાવ્યો છે.
જલેશ્વર, રેમૂના, ભોગરાઈ, ખૈરા અને સદર વિભાગોમાં ગાયોની સંખ્યા પુષ્કળ છે. મરઘાંની સંખ્યા માટે જિલ્લાકક્ષાએ નીલગિરિ વિભાગ પ્રથમ ક્રમે આવે છે. એ જ રીતે જલેશ્વર વિભાગ ઘેટાંની વધુ સંખ્યા માટે જાણીતો છે. જિલ્લામાં 1 પશુદવાખાનું, 31 નાનાં પશુ-ચિકિત્સાલયો, 180 ઢોર-સહાય-કેન્દ્રો, 3 મરઘાં-ક્ષેત્રો તથા 1 ડેરીક્ષેત્ર આવેલાં છે.
ઉદ્યોગો–વેપાર : જિલ્લામાં આર્થિક ર્દષ્ટિએ મહત્વનાં ખનિજો મળતાં નથી. પહાડી ભાગોમાં પથ્થરની ખાણો આવેલી છે. અબરખ અને સોપસ્ટોન અમુક પ્રમાણમાં મળે છે. તાજેતરનાં વર્ષોમાં ઉદ્યોગક્ષેત્રે થોડોઘણો વિકાસ સધાયો છે. શણ, સૂતળી તથા વનસ્પતિ તેલના ઉદ્યોગો રૂપસા અને બાલાસોરમાં શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાગળની મિલ તથા વણાટની મિલ શરૂ થઈ છે, તથા ઇમામી પેપર મિલ, ફેરોઍલૉય કૉર્પોરેશન, સિરામિક્સ, ઓરિસા એક્સ્ટ્રુઝન, પોલર લેટેક્સ જેવા નવા ઉદ્યોગો નંખાયા છે. અહીં પ્લાસ્ટિકનો માલસામાન, સાઇકલનાં ટાયરો, સાદડીઓ અને બરફનું ઉત્પાદન લેવાય છે. ડાંગર, ચોખા, માછલીઓ અને નાગરવેલનાં પાનની નિકાસ તથા કાપડ, ખાંડ, ઘઉં વગેરેની આયાત થાય છે.
પરિવહન : જૂના વખતમાં મુસાફરો, યાત્રિકો, વેપારીઓ તેમજ આક્રમણકારો અવરજવર માટે દરિયાકિનારા પરના માર્ગનો ઉપયોગ કરતા. કલકત્તા–ચેન્નઈ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 આ જિલ્લામાં થઈને પસાર થાય છે. જિલ્લામથક બાલાસોર અહીંનાં મહત્વનાં બધાં જ મથકો સાથે સડકમાર્ગોથી જોડાયેલું છે. ખાનગી તેમજ રાજ્યપરિવહનની બસસેવા ઉપલબ્ધ છે. હાવરાથી ચેન્નઈ જતો રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. જૂના વખતમાં કાર્યરત એવાં કેટલાંક બંદરોનાં નદીમુખો કાંપથી ભરાઈ જવાથી હવે કામ કરતાં નથી.
પ્રવાસન : અહીંનાં ચંડીપુર, રેમૂના, ચંદનેશ્વર, પંચલિંગેશ્વર તેમજ રાયબનિયા જેવાં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પ્રવાસ માટેનાં આકર્ષણ-મથકો બની રહેલાં છે. (1) ચંડીપુર : ચંડીપુર ખાતેનો દરિયાઈ રેતાળ કંઠારપટ (beach) અત્યંત રમણીય છે. ભારતના શ્રેષ્ઠ ગણાતા કેટલાક કંઠારપટ પૈકી તેની પણ ગણના થાય છે. અહીં રેતીના ઢૂવા છે, તો લીલા રંગના જંગલી વેલા પણ થાય છે. તેમાંથી પસાર થતા પવનને કારણે ઉદભવતા સિસોટી જેવા અવાજની મોજ માણવા મુલાકાતીઓ આ કંઠારપટ પર અચૂક આવે છે. ચંડીપુર બાલાસોરથી સડકમાર્ગે 16 કિમી.ના અંતરે આવેલું છે. (2) રેમૂના : અહીં ખીરચોરા ગોપીનાથનું મંદિર આવેલું છે, તે વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજીની બેઠક ગણાય છે. ચૈતન્ય મહાપ્રભુએ તેમના ગોસ્વામી શિષ્યો સાથે રેમૂનાની મુલાકાત લીધેલી તથા ગોપીનાથની પૂજા કરેલી. તેની યાદમાં ઘણા ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે અને અહીં ખીરનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવે છે. રેમૂના ઓરિસાનું ‘વૃંદાવન’ ગણાય છે. બાલાસોરનું રેલમથક અહીંથી 7 કિમી.ને અંતરે આવેલું છે. (3) ચંદનેશ્વર : અહીંના દરિયાઈ રેતાળ કંઠારપટની મોજ માણવા તથા સૂર્યોદય-સૂર્યાસ્ત જોવા ઘણા પ્રવાસીઓ આવે છે. અહીં ચંદનેશ્વરનું મંદિર આવેલું છે. દર વર્ષે એપ્રિલમાં આ મંદિર ખાતે ઉત્સવ ઊજવાય છે. પશ્ચિમ બંગાળના દીઘાથી તે 8 કિમી. અંતરે આવેલું છે. જાલેશ્વર નજીકનું રેલમથક છે. બાલાસોરથી ચંદનેશ્વર 88 કિમી. અંતરે આવેલું છે. બાલાસોર–જાલેશ્વર વચ્ચે નિયમિત બસસેવા ઉપલબ્ધ છે. (4) પંચલિંગેશ્વર : નીલગિરિ હારમાળાની ટેકરી પર લીલાં જંગલોથી ઘેરાયેલું પંચલિંગેશ્વરનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ સ્થળ બાણાસુરની રાજધાનીનું મથક હતું. બાણાસુરે અહીં પાંચ લિંગવાળા પંચલિંગેશ્વરની સ્થાપના કરેલી. અહીંનું નૈસર્ગિક સૌંદર્ય અદભુત છે. પ્રવાસીઓ માટે તે ઉજાણીનું મથક પણ છે. અહીંથી આશરે 42 કિમી. દૂર આવેલું બાલાસોર તેને માટેનું નજીકનું રેલમથક છે. (5) રાયબનિયા : સુવર્ણરેખા નદીથી ઉત્તરે 4 કિમી. અંતરે આવેલું રાયબનિયા તેના પ્રાચીન કિલ્લાનાં ખંડિયેરો માટે ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વનું છે. આ કિલ્લામાં એ વખતે ઘણાં તળાવો હતાં. ‘આઈને અકબરી’માં પણ તેનો ઉલ્લેખ મળે છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 16,96,583 જેટલી છે, તે પૈકી 8,67,641 પુરુષો અને 8,28,942 સ્ત્રીઓ છે, તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 15,42,431 અને 1,54,152 જેટલું છે. અહીં 90 % હિન્દુઓ અને બાકીના 10 % પૈકી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન વગેરે છે. જિલ્લામાં ઊડિયા, બંગાળી, અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં શિક્ષિતોની સંખ્યાનું પ્રમાણ આશરે 80 % જેટલું છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કૉલેજો આવેલી છે. બાલાસોર ખાતે 14 જેટલી કૉલેજો છે. જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં જરૂરી તબીબી સેવાઓ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 2 ઉપવિભાગોમાં, 6 તાલુકાઓમાં અને 12 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચી નાખેલો છે. જિલ્લામાં 4 નગરો અને 2,971 ગામડાં આવેલાં છે. બાલાસોરની વસ્તી 1 લાખથી વધુ છે, બાકીનાં ત્રણ નગરો જલેશ્વર, સોરો અને નીલગિરિ એક લાખથી ઓછી વસ્તીવાળાં છે. ચંડીપુરનું લૉંચિંગ પૅડ ભારતીય બનાવટનાં પ્રક્ષેપાસ્ત્રોના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે.
ઇતિહાસ : આજનો બાલાસોર જિલ્લો જૂના વખતમાં કલિંગ રાજ્યનો એક ભાગ હતો. મુઘલ શહેનશાહ શાહજહાંના સમય દરમિયાન અંગ્રેજ વેપારીઓએ બાલાસોર ખાતે વેપારી થાણું નાખેલું. વાસ્તવમાં તો બેંગૉલ પ્રેસિડન્સીના બાલેશ્વર વિસ્તારમાં 1634માં અંગ્રેજ વસાહત સ્થપાયેલી. 1640માં આ સ્થળે અંગ્રેજોએ કારખાનાં પણ સ્થાપેલાં. તે પછીથી અહીં ફ્રેન્ચ, ડચ અને ડેનિશ વસાહતો પણ સ્થપાયેલી.
અઢારમી સદીમાં આ પ્રદેશ મરાઠા શાસન હેઠળ રહેલો. 1803માં અંગ્રેજોએ ઓરિસાનો કબજો પણ મેળવેલો. 1828ના ઑક્ટોબરમાં બાલેશ્વર જિલ્લાની રચના થયેલી. મહાત્મા ગાંધીની અહીંની મુલાકાત પછી 1921માં બાલેશ્વરમાં રાષ્ટ્રીય ચળવળ શરૂ થયેલી. 1948માં અહીંનાં બધાં રજવાડાંનું ઓરિસામાં વિલીનીકરણ થયું. 1993માં મૂળ બાલાસોર જિલ્લાનું વિભાજન બાલાસોર અને ભદ્રક જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે.
શહેર : બાલાસોર જિલ્લાનું વડું વહીવટી જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 21° 30´ ઉ. અ. અને 86° 56´ પૂ. રે. આ નગર બંગાળના ઉપસાગરના કિનારાથી 11 કિમી.ને અંતરે બુધાબાલાંગ નદી પર વસેલું છે. 1634માં આ સ્થળે અંગ્રેજોએ વેપાર અર્થે વસાહત સ્થાપેલી. અંગ્રેજને પગલે પગલે ડચ, ડેનિશ અને ફ્રેન્ચ વેપારીઓ પણ સત્તરમી સદીમાં અહીં આવેલા અને તેમણે પણ વસાહતો સ્થાપેલી. 1846માં ડચ અને ડેનિશ વસાહતો અંગ્રેજોને હસ્તક ગઈ, પરંતુ ફ્રેન્ચ વસાહતો છેક 1947 સુધી ટકી રહેલી.
અઢારમી સદીમાં બાલાસોર ડાંગરના વેપારમાં તથા મીઠાના ઉદ્યોગમાં એક અગત્યનું મથક બની રહેલું. આ નગર ડાંગર ઉપરાંત માછીમારીના વ્યવસાયમાં, લોખંડના સામાનના તેમજ અન્ય પેદાશોના વેપારમાં વિકસતું ગયું. અહીંની આર્થિક પ્રવૃત્તિઓમાં ડાંગર છડવાના, મત્સ્ય-પ્રક્રમણના એકમોનો સમાવેશ થાય છે.
અહીં ઉત્કલ યુનિવર્સિટી-સંલગ્ન કૉલેજો છે. તે કલકત્તા તથા ઓરિસાનાં અન્ય શહેરો અને નગરો સાથે રેલમાર્ગે –સડકમાર્ગે જોડાયેલું છે. બાલાસોરની વસ્તી 1,02,504 જેટલી છે (1991).
નિયતિ મિસ્ત્રી
ગિરીશભાઈ પંડ્યા