બાલસાહિત્ય (ગુજરાતી)
બાળક જેનો ભાવક છે, બાળમાનસને જે વ્યક્ત કરે છે અને તેને સંતોષે-આનંદે છે તેવું બાલભોગ્ય ભાષામાં લખાયેલ સાહિત્ય. લોકસાહિત્ય, પૌરાણિક સાહિત્ય, પંચતંત્ર-હિતોપદેશ આદિની સામગ્રી પર આધારિત એવી મૌખિક પરંપરા દ્વારા બાળકને સતત સાહિત્યનો સ્વાદ મળતો રહ્યો હશે. તે ક્યારેય સાહિત્ય વગરનું રહ્યું નહિ હોય. આજે જેને આપણે બાલસાહિત્ય કહીએ છીએ તેનો પ્રારંભ ચોક્કસ રીતે ક્યારે થયો એ કહી શકાય તેમ નથી; પણ મૂળશંકર ભટ્ટે કહ્યું છે તેમ, અર્વાચીન કેળવણીની આંગળીએ ચાલતાં ચાલતાં ગુજરાતી બાલસાહિત્ય વિકસ્યું છે. એટલે એટલું જરૂર કહી શકાય કે બાલસાહિત્ય એ અર્વાચીન યુગની નીપજ છે અને તેના પ્રચાર-વિકાસમાં શિક્ષણ-પ્રણાલિકા, માતાપિતાની વધેલી સૂઝ-સમજ-સજ્જતા, માનસશાસ્ત્રનો અભ્યાસ, પત્રકારત્વનો વિકાસ અને ર્દશ્યશ્રાવ્ય માધ્યમોનો પ્રસાર આદિ અનેક પરિબળોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો છે.
બાળક સંપૂર્ણ અને સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે અને તેને માટે તેના માનસને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જાવું જોઈએ. આ વિચાર ગુજરાતમાં ભારપૂર્વક ગિજુભાઈ બધેકા(1885–1939)એ મૂક્યો અને તે સંદર્ભે તેમણે એવું કાર્ય કર્યું કે ગુજરાતની બાલકેળવણી અને બાલસાહિત્યની દશા અને દિશામાં આમૂલ પરિવર્તન આવ્યું. આ પરિબળને ધ્યાનમાં રાખી ગુજરાતી બાલસાહિત્યને કુલ ત્રણ તબક્કામાં વહેંચી શકાય : (1) ગિજુભાઈ પૂર્વેનું બાલસાહિત્ય, (2) ગિજુભાઈ અને તેમના સમકાલીનોનું બાલસાહિત્ય અને (3) સ્વાતંત્ર્યોત્તર કાળનું બાલસાહિત્ય. આ ત્રણેય કાળમાં કાવ્ય, વાર્તા/કથા, નાટક અને ચરિત્ર એ મુખ્ય સ્વરૂપોમાં કેવું કામ થયું છે તે જોવું જોઈએ.
ગિજુભાઈ પૂર્વે સભાનપણે અને રસ-સૂઝ-સમજપૂર્વક ખાસ કોઈએ કામ કર્યું નથી. આ બાલસાહિત્યનો પ્રારંભ ભાષાંતર-રૂપાન્તરથી, અનુવાદથી થયો છે. 1831માં મંસ્યર બર્કલીનના ફ્રેન્ચ પુસ્તકના ‘Children’s Friend’ નામના અંગ્રેજી અનુવાદ પરથી થયેલા મરાઠી ભાષાંતરનું ગુજરાતીમાં ‘બાલમિત્ર’ નામે થયેલું ભાષાંતર આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. અલબત્ત, એ પહેલાં અને તે પછીના નજીકના સમયમાં જ આપણા કેટલાક રસાત્મક અને કથાત્મક, બોધાત્મક ને પ્રેરણાદાયી પ્રાચીન ગ્રંથોના અને પશ્ચિમના ગ્રંથોના અનુવાદ થયા હતા. અલબત્ત તે માત્ર બાળકોને અનુલક્ષીને જ કરાયેલા નહોતા, પરંતુ તેમાંનું કેટલુંક સાહિત્ય બાળકોએ માણ્યું હતું.
રામાયણ-મહાભારત-પંચતંત્ર-હિતોપદેશમાંથી, તો બીજી બાજુ ઈસપની વાતો, ગુલિવરની મુસાફરીની કે સિંદબાદની સફરોની વાતો, અરેબિયન નાઇટ્સની કથાઓ આદિનાં ભાષાંતરો થયાં. આમ બાલસાહિત્યની જરૂરિયાતના પ્રશ્નને મોટાંઓ માટેના સાહિત્યમાંથી બાળકોને રસ પડે તેવાં કથાનકોનાં સરળ અનુવાદચયનો દ્વારા કેટલેક અંશે ઉકેલવાનો પ્રયાસ થયો. વળી, આ દરમિયાન લોકકંઠેથી ઊતરી આવેલા કથાત્મક-રસાત્મક સાહિત્યને બાલભોગ્ય રીતે ઢાળીને રજૂ કરવામાં આવ્યું.
1921થી 1940 સુધીનો બીજો તબક્કો ગુજરાતી બાલસાહિત્યનો સુવર્ણયુગ લેખાય. ‘દક્ષિણામૂર્તિ’, ‘ગાંડીવ’, ‘બાલજીવન’ અને ‘બાલવિનોદ’ જેવી સંસ્થાઓ નિમિત્તે ગિજુભાઈ, તારાબહેન, જુગતરામ દવે, નટવરલાલ માળવી, હરિપ્રસાદ વ્યાસ, રમણલાલ ના. શાહ, નાગરદાસ ઈ. પટેલ વગેરેએ સત્ત્વશીલ કાર્ય કર્યું. આ ઉપરાંત હંસાબહેન મહેતા, કેશવપ્રસાદ છો. દેસાઈ, ચંદ્રશંકર મ. ભટ્ટ, મનુભાઈ જોધાણી, ભીખાભાઈ વ્યાસ, વસંત નાયક, ‘સુન્દરમ્’, ત્રિભુવન વ્યાસ, રમણલાલ સોની, જીવરામ જોષી, ધનંજય શાહ, પ્રાગજી ડોસા, ધીરજલાલ ટો. શાહ, પુરાતન બૂચ, શારદાપ્રસાદ વર્મા, દિનુભાઈ જોશી અને અનેક સત્વશીલ કવિઓ-લેખકોએ પણ બાલસાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોને સમૃદ્ધ કરવામાં ધ્યાનાર્હ પ્રદાન કર્યું છે. આ ગાળા દરમિયાન બાલસાહિત્યનો અનેકદેશીય વિકાસ સધાયો છે.
ડહોળાયેલી સામાજિક-રાજકીય પરિસ્થિતિને કારણે પાંચમા દાયકામાં બાલસાહિત્યનો પ્રવાહ કંઈક ક્ષીણ થઈ ગયેલો જોવા મળે; પણ સ્વાતંત્ર્યોત્તર કાળના તેના ત્રીજા તબક્કામાં માતાપિતાની સજ્જતા, મુદ્રણકળાનો વિકાસ, રાજ્ય તથા ભારત સરકારની પ્રમાણમાં ઉદાર સહાય વગેરે અનેક કારણોને લીધે બાલસાહિત્ય પુન: સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આમ ગુજરાતી બાલસાહિત્ય ગુણવત્તા અને વિપુલતાનાં ઊંચાં શિખરો સર કરે છે ત્રીજા-ચોથા દાયકામાં અને છઠ્ઠાથી આઠમા દાયકામાં. અલબત્ત, આ બંને તબક્કાઓમાં પ્રાપ્ત બાલસાહિત્યના આંતરબાહ્ય રૂપમાં કેટલોક ભેદ જરૂર છે. જે વિશુદ્ધ બાલપ્રીતિ અને ભાવના-ભક્તિ ત્રીજા-ચોથા દાયકાના લેખકોમાં હતી તેનું સ્થાન પછી કંઈક અંશે વેપારીવૃત્તિ અને પ્રસિદ્ધિનો લોભ લે છે. જો સત્ત્વશીલતા ત્રીજા-ચોથા દાયકાના બાલસાહિત્યનો સદ્ય સ્પર્શી જાય તેવો ગુણ છે તો બાહ્ય પરિવેશની આકર્ષકતા અને સચિત્રતા સ્વાતંત્ર્યોત્તર કાળના બાલસાહિત્યનો ગુણ છે.
કાવ્યસંદર્ભે સમગ્ર બાલસાહિત્ય ભણી નજર નાંખીએ છીએ તો આનંદ થાય તેવું કાર્ય થયું છે. નરસિંહ, પ્રેમાનંદ કે શામળની કૃતિઓ કે કૃતિઅંશો તેમજ દલપતરામની કેટલીક કૃતિઓ બાળકોએ માણી છે. ન્હાનાલાલ, નરસિંહરાવ, ખબરદાર કે લલિત વગેરેએ પણ કેટલાંક સુંદર બાળકાવ્યો આપ્યાં છે. ત્રિભુવન ગૌ. વ્યાસ બાલભોગ્ય વિષય, બાલસહજ ભાવ-શબ્દોની પસંદગી, રમતિયાળ અને ચિત્રાત્મક શૈલીથી બાલસાહિત્યના એક ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠિત થયા છે. લોકસાહિત્યનો વારસો ઝીલી, હૂંફાળા શબ્દો દ્વારા વિનોદ સાથે વીરરસ પીરસતા ઝવેરચંદ મેઘાણી; લયહિલ્લોળવાળાં, ગેયતાપૂર્ણ અને બાલભોગ્ય કલ્પનાઓથી રમણીય બનેલાં બાલકાવ્યો આપનાર ‘સુન્દરમ્’; અર્થ કરતાં શબ્દલયમાંથી ચિત્ર દોરનાર અને શિશુના ચિત્તની મન:સ્થિતિઓનું સુંદર આલેખન કરનાર દેશળજી પરમાર અને વસંત નાયક; ભરપૂર વિનોદ, કથાત્મકતા વગેરેનો અનુભવ કરાવતાં ગીતો-કથાગીતો આપનાર રમણલાલ પી. સોની; લયહિલ્લોળથી બાળકોને કંઠસ્થ થાય તેવાં કાવ્યો આપનાર સોમાભાઈ ભાવસાર બાળપ્રિય કવિઓ છે. આ ઉપરાંત મકરન્દ દવે, બાલમુકુન્દ દવે, કૃષ્ણલાલ શ્રીધરાણી, રમણીક અરાલવાળા, હસિત બૂચ, પિનાકિન ઠાકોર, ‘સ્નેહરશ્મિ’, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ જેવા આપણા અનેક કવિઓએ પણ સુંદર બાળકાવ્યો આપ્યાં છે. 1960 સુધીમાં આમ કેટલુંક સારું કામ થયેલું જોવા મળે છે. આ અરસામાં ચંદ્રવદન મહેતાએ આપેલા ‘ચાંદરણા’ કે ‘ચાંદાપોળી’, ‘દૂધના દાણા’નો સ્વાદ માણવા જેવો છે. ‘ઇટ્ટા કિટ્ટા’, ‘છાકમ છલ્લાં’ વગેરે સંગ્રહોમાં સુરેશ દલાલે આધુનિક જીવનસંદર્ભની છબી ઝીલી છે તેમજ તેમની પ્રયોગશીલતા પણ અહીં વ્યક્ત થઈ છે. ઈ.સ. 1979નું વર્ષ ‘આંતરરાષ્ટ્રીય શિશુવર્ષ’ તરીકે ઊજવાયેલું. આ વર્ષે ‘કવિલોક’, ‘નવનીત-સમર્પણ’ વગેરેના ખાસ શિશુબાલકાવ્યોના વિશેષાંકો પ્રગટ થયા. આ જ અરસામાં ‘ચાંદલિયાની ગાડી’ દ્વારા ચંદ્રકાન્ત શેઠે બાળકોને ભાષા-લયનો સ્વાદ આપતાં, તેમનો જિજ્ઞાસારસ ને ક્રીડારસ સંતોષે એવાં બાલકાવ્યો આપ્યાં. ઊંચી કક્ષાના ભાવરસ-આનંદરસના હિલ્લોળાઓને કારણે ‘હાઉક’, ‘ચીં’ જેવા સંગ્રહોમાંનાં રમેશ પારેખનાં કાવ્યોની બાલભોગ્યતા સ્વયંસ્પષ્ટ છે. આ ઉપરાંત રક્ષા દવે, ધીરુબહેન પટેલ, રઘુવીર ચૌધરી, હરિકૃષ્ણ પાઠક, પ્રીતમલાલ મજમુદાર, કરસનદાસ લુહાર, કિરીટ પુરોહિત, માણેકલાલ પટેલ, નટવર પટેલ વગેરેનું કાર્ય નોંધપાત્ર છે. તેમાંય રમેશ ત્રિવેદીએ ચાર-પાંચ સત્વશીલ બાલકાવ્યસંગ્રહો દ્વારા પોતાનું સ્થાન સ્થિર કરી દીધું છે. આજે પણ ધીરેન્દ્ર મહેતા, સુશીલા ઝવેરી, ઍની સરૈયા, અમૃતલાલ પારેખ, બલદેવ પરમાર, પ્રભુલાલ દોશી વગેરેનું કાર્ય ઠીકઠીક ધ્યાન ખેંચ્યા કરે એવું છે. છેલ્લાં થોડાં વર્ષોમાં રમણલાલ સોનીનો ‘ખદુક, ઘોડા, ખદુક !’ નામે મૌલિક બાલકથાકાવ્યોનો સંગ્રહ તેનાં વિષય, રીતિ, લય વગેરેને કારણે ખાસ નોંધપાત્ર છે.
બાલસાહિત્યમાં બાલકથા શિક્ષણનું મહત્વનું સાધન ગણાતું હોઈ તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો જોવા મળે છે. ગિજુભાઈના આગમન પહેલાં ઘણાં રૂપાન્તરો-અનુવાદો થયાં હતાં. આપણા પ્રાચીન ગ્રંથોના અનુવાદો ઉપરાંત જે મહત્વના પ્રયત્નો આ દિશામાં થયા છે તેમાંનો એક છે શૃંગાર અનુભાઈ નીલકંઠે આપેલ ‘ટૂંકી કહાણીઓ’-(1881)નો, જે ‘ચેમ્બર્સ શૉર્ટ સ્ટૉરિઝ’માંની 118 ભાષાંતરિત વાર્તાઓના સંચયરૂપ છે. ઇચ્છારામ સૂ. દેસાઈ પાસેથી ‘ઈવનિંગ ઍટ હોમ’નું ‘બાળકોનો આનંદ’ નામે ભાષાંતર મળે છે, તો જયસુખલાલ જોષીપુરા પાસેથી લૂઈસ કૅરલના ‘Alice in the Wonderland’નું ‘અલકાનો અદભુત પ્રવાસ’ નામે રૂપાન્તર મળે છે. હરગોવિંદદાસ કાંટાવાળા ‘ટચૂકડી સો વાતો’ના 6 ભાગ દ્વારા ગુજરાતી બાલકથાસાહિત્યને માતબર બનાવે છે. મંછારામ ઘેલાભાઈ કેટલીક પ્રચલિત વાર્તાઓનું ‘મૂરખો’માં સંપાદન કરી આપે છે. શારદા મહેતા પૌરાણિક કથાઓ અને કલ્યાણરાય જોશી ‘વિજ્ઞાનની વાતો’ આપે છે.
ગિજુભાઈએ બાળકેળવણી અને બાળસાહિત્યની અનિવાર્યતા પારખી, લોકપ્રચલિત કે લોકભોગ્ય સાહિત્યમાંથી–લોકસાહિત્યમાંથી વીણીવીણીને બાલભોગ્ય કથાઓની પાંચ નમૂનેદાર ચોપડીઓ 1922માં આપી. તેમણે ‘વાર્તાનું શાસ્ત્ર’ પણ રચી આપ્યું. નાનાભાઈ ભટ્ટે ‘મહાભારત-રામાયણનાં’ પાત્રો અને ‘હિંદુ ધર્મની આખ્યાયિકાઓ’ આપી. તારાબહેન મોડક, હરભાઈ ત્રિવેદી, જુગતરામ દવે, મોંઘીબહેન, જસોદાબહેન, રા. ના. પાઠક, કમળાબહેન, હેમુભાઈ, ગિરીશભાઈ વગેરેએ પણ બાલસાહિત્યમાં પ્રદાન કર્યું. આમ એક બાજુથી ભાવનગરની આ ‘દક્ષિણામૂર્તિ’ દ્વારા લગભગ 150 જેટલાં પુસ્તકો ગુજરાતી બાલસાહિત્યને પ્રાપ્ત થયાં તો સૂરતમાં સ્થપાયેલ ‘ગાંડીવ’ સંસ્થા દ્વારા નટવરલાલ માળવી અને ઈશ્વરલાલ વીમાવાળા તરફથી પણ શુદ્ધ બાલસાહિત્ય પ્રાપ્ત થવા માંડ્યું. ઈશ્વરલાલ વીમાવાળાએ સાહસ અને વિજ્ઞાનની, નટવરલાલે દેશપરદેશની કથાઓને આધારે રૂપાંતરિત અને હરિપ્રસાદ વ્યાસે ‘બકોર પટેલ’ના 30 ભાગ નિમિત્તે ગુજરાતી બાલજગતને મનોરંજનની ચિરંજીવ કથાઓ આપી. ‘ગાંડીવ’ દ્વારા બાળકોને અનુલક્ષીને થયેલાં વિષયવૈવિધ્ય ધરાવતાં આ સચિત્ર પ્રકાશનો ગુજરાતી બાલસાહિત્યનું એક સુવર્ણપૃષ્ઠ છે. આ જ અરસામાં ‘બાલજીવન’ અને ‘બાલવિનોદ’ નિમિત્તે રમણલાલ ના. શાહ, નાગરદાસ ઈ. પટેલ, સુમતિ ના. પટેલે દેશવિદેશની પૌરાણિક તથા અન્ય કથાઓને રોચક શૈલીમાં બાળકો આગળ મૂકી. આ ઉપરાંત મેઘાણીએ જીવંત પાત્રાલેખન અને લોકવાણીની સમૃદ્ધિનું દર્શન કરાવતી વાર્તાઓ આપી. હંસાબહેન મહેતાએ ‘બાલવાર્તાવલી’, ‘અરુણનું અદભુત સ્વપ્ન’, ‘બાવલાનાં પરાક્રમો’ જેવાં પુસ્તકો આપ્યાં. ‘બાલમિત્ર’ના તંત્રીપદે કામ કરતાં ચંદ્રશંકર મ. ભટ્ટે ‘બાલમિત્રની વાતો’, ‘સિન્દબાદ શેઠ’, ‘કુમાર વીરસેન’ અને અન્ય અનેક સંગ્રહો આપ્યા. ભીખાભાઈ પુ. વ્યાસ, ‘જયભિખ્ખુ’, બચુભાઈ રાવત, હિંમતલાલ ચૂ. શાહ, નિરંજન વર્મા, જયમલ્લ પરમાર આ સમયના અન્ય ઉલ્લેખપાત્ર સર્જકો છે. જયમલ્લ પરમારે તો ‘શેખચલ્લી’ જેવું સુંદર પાત્ર આપી બાળકોને હસાવ્યાં પણ છે. રમણલાલ સોની અને જીવરામ જોષીનું ચોથા-પાંચમા દાયકાથી પ્રારંભાયેલું કામ આજે (ઈ. સ. 2000) પણ ચાલુ જ છે. વિપુલ બાલસાહિત્ય આપનારા આ બંને સર્જકો પાસેથી કેટલાંક વિશિષ્ટ પાત્રો પણ મળ્યાં છે. ‘ગલબા શિયાળ’ નિમિત્તે રમણલાલ સોનીએ એક વિશાળ પ્રાણીસૃષ્ટિ ઊભી કરી છે, તો બીજે છેડે વિશ્વની લોકકથાઓ પણ બાળકો સુધી પહોંચાડી છે. જીવરામ જોષીએ છકો-મકો, છેલ-છબો, અડૂકિયો-દડૂકિયો જેવી પાત્રપ્રધાન લાંબી કથાઓ આપી છે. તેમની ‘મિયાં-ફૂસકી’ની કથામાળા પણ બાલજગતમાં તેમનું નામ તરતું રાખી શકે તેમ છે. મૂળશંકર ભટ્ટે જુલે વર્નની વિજ્ઞાનમૂલક સાહસકથાઓનાં અનુવાદો-રૂપાંતરો દ્વારા કિશોરમાનસની જ્ઞાન અને સાહસવૃત્તિ સંતોષવાનું કામ કર્યું છે.
સ્વતંત્રતા પછીયે બાલકિશોરકથાનું ક્ષેત્ર સતત ખેડાતું રહ્યું છે. સ્વરૂપગત અને વિષયગત ર્દષ્ટિએ ત્રીજા-ચોથા દાયકામાં જે નહોતું તેવું કેટલુંક બાલકિશોરકથાઓમાં આ પછીના કાળમાં પ્રગટેલું જોવા મળે છે. જેમ કે, રહસ્યગર્ભ-ડિટેક્ટિવ કથાઓ, વૈજ્ઞાનિક શોધો પર નિર્ભર દરિયાઈ-અવકાશી સાહસોની કથાઓ, સાંપ્રત જીવન સાથે સંબદ્ધ વિજ્ઞાનકથાઓ, પર્યાવરણ-વિષયક કથાઓ, બાલકિશોર-જીવનની બદલાયેલી માનસિક અને સામાજિક ભૂમિકા-સ્થિતિને સ્પર્શતી વાસ્તવનિષ્ઠ કથાઓ, રાષ્ટ્રીય ભૂમિકાએ નોંધપાત્ર સેવાપ્રદાન કરનારાં વીર અને અપંગ બાળકોની પ્રતિભાને બિરદાવતી કથાઓ, આધુનિક મુદ્રણકલાનો લાભ લઈ તૈયાર થયેલી ચિત્રકથાવલિઓ અને ડાયરીના સ્વરૂપમાં (‘મૃત્યુ મરી ગયું રે લોલ’, લે. હરીશ નાયક) રજૂ થયેલી બાલસંવેદનની કથાઓ – આ બધું છેલ્લા બે-ત્રણ દાયકાનું રળતર છે. આ ગાળાની બીજી નોંધપાત્ર ઘટના તે એ કે મૌલિક સાહિત્ય તરફ ઝોક વધતો જાય છે. આ બધા સંદર્ભે હરીશ નાયક, યશવંત મહેતા, રતિલાલ નાયક, રક્ષા દવે, યશવંત કડીકર, યજ્ઞેશ દવે, વંદના સોલંકી, બાબુભાઈ જોષી, શાંતા ગાંધી, સુશીલા ઝવેરી, કપિલા ઠાકોર, નટવર પટેલ, રમેશ ત્રિવેદી, અરુણિકા દરુ, ઉદયન ઠક્કર, પ્રભુલાલ દોશી, શ્રીકાંત ત્રિવેદી, ધીરજલાલ ગજ્જર, કનૈયાલાલ રામાનુજ, ગિરીશ ગણાત્રા, બંસીધર શુક્લ, નગેન્દ્રવિજય, કિશોર પંડ્યા, નગીન મોદી, બિપિન પટેલ, ઈશ્વર પરમાર, સાકરચંદ સાહેબ, કુમારપાળ દેસાઈ, કનૈયાલાલ જોશી, લાભુબહેન મહેતા, જયવતી કાજી, શ્રદ્ધા ત્રિવેદી વગેરેનાં કાર્ય નોંધપાત્ર છે. આ અરસામાં પાત્રપ્રધાન કથાઓ પણ વિપુલ પ્રમાણમાં મળી છે, જેમાં મધૂસુદન પારેખ, ધનંજય શાહ, ચંદ્રકાન્ત અમીન, હરીશ નાયક એક કે વધુ પાત્રને કેન્દ્રમાં રાખી કથાઓ કે કથામાળાઓ આપે છે. આ કથાઓમાં કેટલાંક પાત્ર હાસ્ય, કેટલાંક ચતુરાઈ અને કેટલાંક સાહસનું નિમિત્ત બન્યાં છે. સાથે સાથે કેટલાક સનાતન કથાસ્રોતોને આધારે પ્રારંભથી આજ સુધી કથાઓ રચાતી રહી છે. પ્રાણીકથાઓ નિમિત્તે બાળકોને બોધ આપવાનું વલણ ‘પંચતંત્ર’થી પોષાતું રહ્યું છે. આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી શુદ્ધ પ્રાણીકથાઓ પણ મળી છે. પ્રાણીઓના જીવનને અનુલક્ષતી, પ્રાણીઓના ચિત્તની વિવિધ ભૂમિકાઓ નિર્દેશતી શુદ્ધ પ્રાણીકથાઓ મનુભાઈ જોધાણી, વિજયગુપ્ત મૌર્ય, નાનુભાઈ સુરતી, કનૈયાલાલ રામાનુજ, હરજીવન સોમૈયા, વસંતલાલ પરમાર વગેરે પાસેથી મળી છે. તેમાંય વિજયગુપ્ત મૌર્ય પાસેથી મળેલ ‘સરકસ ડૉક્ટરનાં રોમાંચક સાહસો’ કૃતિ તો છેલ્લા દાયકાની એક વિશિષ્ટ પ્રાણીકથા બની રહે છે.
બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે બાલસાહિત્ય નિમિત્તે બાળકોને કથારસ તો પહોંચાડાય જ છે. સાથે જીવંત ભાષાનો પરિચય કરાવવાનો પ્રયત્ન પણ થાય છે. શબ્દભંડોળ, રૂઢિપ્રયોગો, કહેવતો, વાક્યના વિવિધ વિન્યાસો, શબ્દસંગીત કે નાદસૌંદર્ય – આ બધી રીતે પણ સર્જકોએ આ ક્ષેત્રે કામ પાડ્યું છે. ગિજુભાઈએ આવી સજાગતા દાખવી જ હતી. ઉમિયાશંકર ઠાકરે ‘કલ્પવૃક્ષ’માં સુંદર વર્ણકથાઓ આપેલી છે. અનિલ જોશીનો આવો જ પ્રયત્ન ‘ચકલી બોલે ચીં….. ચીં….. ચીં’માં છે. લાભશંકર ઠાકર, ઘનશ્યામ દેસાઈ, ઈશ્વર પરમાર (‘બહુબીન’માં ખાસ), રક્ષા દવે, રતિલાલ નાયક, શ્રદ્ધા ત્રિવેદી વગેરેના પ્રયત્નો પણ આ સંદર્ભે મહત્વના છે. ‘લાઠાદાદાની બાળવારતાઓ’(1994)ના પાંચ ભાગમાં બાળકોને ગુજરાતી ભાષાનું લાલિત્ય માણવા મળે છે તેમજ તરેહ-તરેહના વાક્યવિન્યાસો જાણવા મળે છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં કથા ઉપરાંત કથામાળાઓનો પ્રચાર વધતો રહ્યો છે. હરીશ નાયકે ‘અંગૂઠા વગરનો એકલવ્ય’ કે ‘નારદજી નવી દુનિયામાં’ જેવી કથામાળામાં પૌરાણિક પાત્રોને નવી નજરે જોવાનો પ્રયાસ કર્યો છે. યશવંત મહેતાએ પણ બાલકિશોરોની જરૂરિયાત સમજીને અનેક વિષયોની અનેક કથાઓ આપી છે. બાલસાહિત્યને બાલપ્રિય બનાવવામાં ચિત્રકારોનો ફાળો પણ નોંધપાત્ર છે. રવિશંકર રાવળથી માંડી સોમાલાલ શાહ, રજની વ્યાસ, ‘ચકોર’, આબિદ સુરતી, નટુ મિસ્ત્રી, રમેશ કોઠારી, વી. રામાનુજ, લલિત લાડ, નિર્મલ સરતેજા વગેરે ચિત્રકારોએ બાલકથાસાહિત્યને પોતાની શક્તિનો લાભ આપ્યો છે. ચિત્રકથાઓનો પ્રવાહ પણ ‘રમકડું’થી આજ સુધી વહેતો જોવા મળે છે. એ જ રીતે બાલનવલો પણ ચંદ્રશંકર ભટ્ટ, હંસા મહેતા, ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર, કેશવપ્રસાદ છો. દેસાઈ, હરિકૃષ્ણ પાઠક અને મનોહર ત્રિવેદી પાસેથી મળી છે.
બાલકાવ્ય અને બાલકથાના મુકાબલે બાલનાટ્ય ક્ષેત્રે ઘણી મંદી લાગે. ગિજુભાઈ પહેલાં કોઈ નોંધપાત્ર બાલનાટક ક્યાંય ઉલ્લેખાયું નથી. ‘દક્ષિણામૂર્તિ’ નિમિત્તે એમણે બાળકો ભજવી શકે તેવાં નાટકો બે ભાગમાં પ્રકાશિત કર્યાં. જુગતરામ દવેએ ‘આંધળાનું ગાડું’, ‘ગાલ્લી મારી ઘરરર જાય’ જેવાં નાટકો આપી આ ક્ષેત્રમાં સુંદર ભૂમિકા ઊભી કરી. એ જ અરસામાં ‘ગાંડીવ’ તરફથી બાળકો માટેની નાટ્યશ્રેણી ‘ચાલો ભજવીએ’ પ્રકટ થઈ. આજ સુધી પ્રકટેલાં સારાં બાલનાટકોનો વિચાર કરીએ તો તેમાં જયંતિ દલાલનાં ‘રંગતોરણ’, ‘રંગદ્વાર’ આદિ, કિસ્મત કુરેશીનું ‘ઈશ્ર્વરનું મંદિર’, ગૌરીશંકર ચતુર્વેદીનાં ‘બાળકોનો બાંધવ’, ‘બાળકોનો બેલી કોણ ?’, જેઠાલાલ ચૌધરીનાં ‘અંતરનાં અજવાળાં’, ‘બાળકોનું બલિદાન’, ‘ભોળી સુભદ્રા’ વગેરે નોંધપાત્ર છે. મુંબઈ ખાતે પ્રાગજીભાઈ ડોસાએ છેલ્લા શ્વાસ સુધી બાલનાટ્યની સેવા કરેલી. દુર્ગેશ શુક્લ, કૃષ્ણલાલ શ્રીધરાણી, હરીશ નાયક જેવાના પ્રદાનના સંદર્ભમાં યશવંત પંડ્યાનાં ‘બાળનાટકો’ વધુ ચઢિયાતાં ગણી શકાય. શ્રીપાલ થિયેટર દ્વારા પોતાની વાર્તાઓનાં નાટ્યરૂપાન્તરો કરી જીવરામ જોષીએ બાળકોનો આદર મેળવ્યો છે. શાંતા ગાંધીનાં ‘આ રોટલી કોણ ખાશે ?’, ‘એકલવ્ય’, ‘જીવ અને સજીવ’ તથા ‘પુસ્તકરાજ’ અને લીના મંગલદાસનાં ‘આસમાની ચલ્લી’, ‘બાલભારત’, ‘ઈસુનું જીવનદર્શન’ ભજવવા માટે લખાયેલાં અને સારી રીતે ભજવાયેલાં નાટકો છે. આ ઉપરાંત પ્રકાશ લાલા, ચં. ચી. મહેતા, જ્યોતિર્ રાવળ, ઇન્દુ પુવાર, નટવર પટેલ, નિરંજના વોરા, શ્રદ્ધા ત્રિવેદી વગેરેનાં કેટલાંક નાટકો રેડિયો, ટી.વી. કે રંગભૂમિ પર ભજવાયાં છે અથવા ભજવી શકાય એવાં છે. રમણલાલ સોનીનું આ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન છે. જનક દવેનું ‘રંગલો ચાલ્યો ફરવા’ સરળ રજૂઆત અને મંચનક્ષમતાને લીધે ધ્યાનપાત્ર છે. તેમણે ગિજુભાઈના ‘મા-બાપ થવું આકરું છે’માંના લેખોનું ‘નાટક ખેલે બાલ-ગોપાલા’માં કરેલું ભવાઈ શૈલીનું નાટ્યરૂપાંતર ખાસ ઉલ્લેખનીય છે તો ‘બાળનાટ્ય દિગ્દર્શનકલા’ નામક પુસ્તિકામાં તેમણે બાલનાટ્યની સૈદ્ધાંતિક ચર્ચા કરી છે. શ્રી અમૂલખ ભટ્ટ ‘કલરવ’ સંસ્થા દ્વારા બાળકોને અભિનયની તાલીમ અને લેખકોને લેખનની તક આપે છે.
બાલનાટકની સરખામણીમાં બાલભોગ્ય ચરિત્રોનો પ્રવાહ વધુ સમૃદ્ધ છે. બાલકથાની જેમ તેનો પ્રારંભ પણ ભાષાંતરથી થયો છે. પ્રાણલાલ મથુરદાસ અને આનંદરાવ ચાંપાજીએ રૉબર્ટસનના અંગ્રેજી પુસ્તકના તરજુમારૂપે આપેલું ‘કોલંબસનો વૃત્તાંત’ (1839) પહેલું ભાષાંતરિત જીવનચરિત્ર ગણાય છે. એ પછી કેટલાંક બાલોપયોગી ચરિત્રો મળ્યાં છે, પણ તે બાલભોગ્ય રીતે લખાયેલાં નથી. છેક ગિજુભાઈ પાસેથી ‘કથાનાટ્ય ગ્રંથમાળા’ નિમિત્તે ‘શિવાજી મહારાજ’, ‘હરિશ્ચંદ્ર’, ‘બુદ્ધચરિત્ર’, ‘ગોપીચંદ’ – જેવાં નવી ભાત પાડતાં ખરેખરાં બાલભોગ્ય ચરિત્રો મળ્યાં છે. એ જ રીતે જુગતરામ દવેએ આપેલું ‘બાળકોના ગાંધીજી’ ભાષા અને રજૂઆત-રીતિથી બાળકોને આકર્ષે તેવું બન્યું છે. વળી શારદાપ્રસાદ વર્માએ પણ અનેક ચરિત્રકથાઓ આપી છે. ‘આદર્શ ચરિત્રાવલિ’ નિમિત્તે બાળકોને મહાપુરુષોનાં ચરિત્ર આપવાનો પ્રયત્ન ધીરજલાલ ભટ્ટ દ્વારા થયો છે. પણ તે માત્ર બાળકોને જ કેન્દ્રમાં રાખી લખાયાં નથી. ધીરજલાલ ટોકરશી શાહે ચારિત્ર્ય-ઘડતરના હેતુથી ‘બાલગ્રંથાવલિ’ અને ‘કુમાર ગ્રન્થમાળા’ નિમિત્તે ઘણાં ચરિત્રો આપ્યાં છે. નાગરદાસ ઈ. પટેલ (‘મીરાંબાઈ’, ‘નરસૈયો’ વગેરે) અને પુરાતન બૂચ (‘આપણા સરદાર’, ‘આપણા જવાહર’ વગેરે) તેમની રસિક રજૂઆતથી અને મનુભાઈ જોધાણી લુપ્ત થતા જતા ગ્રામવ્યવસાયો અને વ્યવસાયીઓનાં સુંદર શબ્દચિત્રોથી (‘જનપદ’, 1થી 3) ધ્યાનપાત્ર છે. ભાષા થોડી અઘરી પડે, છતાં ડુંગરસી ધરમશી સંપટનો ‘બાલ સંસ્કારમાળા’ નિમિત્તે આ ક્ષેત્રનો પ્રયાસ પણ ઉલ્લેખનીય છે. ‘સયાજી બાલજ્ઞાનમાળા’ નિમિત્તે દેશભક્તો અને ઐતિહાસિક વ્યક્તિઓનાં અધિકારી લેખકો દ્વારા થયેલાં ચરિત્રનિરૂપણો એક સબળ પ્રકાશન છે. ‘બાલભારતી પુસ્તકશ્રેણી’(1975)માં જુદા જુદા લેખકો પાસેથી જુદા જુદા ક્ષેત્રનાં મહાન નરનારીઓનો સુભગ પરિચય કરાવવામાં આવ્યો છે. આ બધામાં વલ્લભદાસ અક્કડ પાસેથી મળેલ ‘કવિઓ અને વિદ્વાનો’ (1962) તેમાંના વર્ણ્ય-વિષયને કારણે અલગ તરી આવીને ધ્યાનપાત્ર બને છે. મહામાનવો અને વૈજ્ઞાનિકોનાં ચરિત્રો પૂરતા પ્રમાણમાં મળ્યાં છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પણ આ ક્ષેત્રે સક્રિય છે. ચરિત્રોની શ્રેણીઓમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, કલા, સાહિત્ય અને વિજ્ઞાન આદિ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનારના જીવનસંઘર્ષો અને સિદ્ધિઓનું આલેખન થાય છે જે બાળકો-કિશોરો માટે પ્રેરણાબળ બની રહે છે. જયભિખ્ખુ, ભોગીલાલ ગાંધી, મનુબહેન ગાંધી, ર. પી. સોની, સત્યમ્, ધીરજલાલ ગજ્જર, મનુભાઈ ભટ્ટ, વીણા શાહ, ઉપેન્દ્ર ભટ્ટ, ગોપાલદાસ પટેલ, મુકુલભાઈ ‘કલાર્થી’ વગેરેનું પ્રદાન ઉલ્લેખનીય છે. પણ રોચક શૈલી, માહિતી અને ચિત્રાત્મક રજૂઆતથી ઉષા જોશી, યશવંત મહેતા અને વસંત નાયકનાં ચરિત્રાત્મક પુસ્તકો ઠીક ઠીક આકર્ષક બન્યાં છે. ઉષાબહેને પિતા ધૂમકેતુના ‘જીવનઘડતરની વાતો’ના 11 ભાગ તો આપ્યા છે, તે ઉપરાંત ઇંદિરા ગાંધી, વિક્રમ સારાભાઈ, સરદાર, રાજા રામન્નાનાં ચરિત્રો પણ આપ્યાં છે. ભારતની પહેલી સ્ત્રી પાઇલટ પ્રેમ માથુરનું વસંત નાયકે ‘પહેલી પાયલટ’માં સુંદર ચિત્રણ કર્યું છે. યશવંત મહેતાએ ‘મહાન મહિલાઓ’, ‘ભગિની નિવેદિતા’, ‘વિજ્ઞાનના મરજીવા’, ‘મહાન મુસાફરો’ વગેરેમાં રસાળ ચરિત્રો આપ્યાં છે. ધનવંત ઓઝાએ એક સો વીસ જેટલાં ચરિત્રો આપી આ ક્ષેત્રે અમૂલ્ય સેવા બજાવી છે.
ગિજુભાઈએ નિબંધક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કરેલું. એ પછી ઇયત્તાની ર્દષ્ટિએ કોઈએ એવા નિબંધો આપ્યા જણાતા નથી. અલબત્ત, 1989માં યોગેશ જોશીમાં તેનું કંઈક આછુંપાતળું અનુસંધાન જોવા મળે છે. તે જ રીતે સ્વરૂપગત નાવીન્ય ધરાવતી ‘પરાગની નોંધપોથી’ – કૃતિ (લે. મોહનભાઈ શં. પટેલ) તેમાંની સામગ્રી, સચિત્રતા, રસાળતા તથા ગદ્યલહેકાઓને કારણે ધ્યાનાર્હ બને છે. 1997નું આ પ્રકાશન મુદ્રણકલાના વિકાસનું પણ જાણે કે પ્રતિબિંબ ઝીલે છે.
ગુજરાતી બાલસાહિત્યના વિકાસમાં પ્રારંભથી અનેક સંસ્થાઓનું યોગદાન રહ્યું છે. ‘દક્ષિણામૂર્તિ’, ‘ગાંડીવ’ વગેરે સંસ્થાનું કાર્ય તો પાયારૂપ હતું જ. આજે ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ, નેહરુ બાલ પુસ્તકાલય, નૅશનલ બુક ટ્રસ્ટ, હરિ: ૐ આશ્રમ, ચરોતર એજ્યુકેશન સોસાયટી, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ અને અનેક ખાનગી પ્રકાશકો આ ક્ષેત્રે કાર્યરત છે. ગુજરાતી બાલસાહિત્ય એક બીજી રીતે પણ સદભાગી છે કે તેને વિકસાવવામાં પ્રારંભથી સામયિકોનું નિમિત્ત મળતું રહ્યું છે. 1862થી શરૂ થયેલા ‘સત્યોદય’થી આજ સુધીમાં અનેક સામયિકો-સાપ્તાહિકોએ આ સંદર્ભે ભૂમિકા પૂરી પાડી છે. અલબત્ત, ‘ગાંડીવ’, ‘બાલજીવન’, ‘કિશોર’ કે ‘રમકડું’ જેવાં સામયિકો હવે નથી એ દુ:ખની વાત છે. છતાંય ‘બાલજગત’, ‘બાલસખા’, ‘નિરંજન’, ‘કુમાર’, ‘ઝગમગ’, ‘બાલસંદેશ’, ‘સબરસ’ જેવાં સાપ્તાહિક-પાક્ષિક-માસિકોએ ઉલ્લેખપાત્ર કાર્ય જરૂર કર્યું છે. છેલ્લે ગુજરાત રાજ્ય શાળા-પાઠ્યપુસ્તક મંડળ ‘બાલસૃષ્ટિ’ દ્વારા આ દિશાની ખોટ પૂરી પાડવા પ્રયત્ન કરે છે તે આનંદની વાત છે. એ જ રીતે ‘ગ્રંથ’, ‘પરબ’, ‘કવિલોક’ જેવાં સામયિકોના બાલસાહિત્ય અંગેના વિશેષાંકો પ્રગટ થયા હતા.
ગુજરાત સાહિત્ય અકાદમી સત્વશીલ બાલકિશોરસાહિત્યના પ્રકાશન માટે અનુદાન આપી તેને વિકસાવવામાં મદદરૂપ થાય છે અને 1986થી દર બે વર્ષે ઉત્કૃષ્ટ બાલસાહિત્યના સર્જન-સંપાદનના સંદર્ભે ‘ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક’ આપે છે. દિલ્હીની NCERT (નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ) સંસ્થા દર બે વર્ષે વયજૂથ પ્રમાણે પુરસ્કાર આપે છે. વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિનું કાર્ય પણ સ્મરણીય ગણાય. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા શ્રી મોટા પ્રેરિત ‘નીલકંઠ બાલોપયોગી ગ્રંથમાળા’માં વિષય-સ્વરૂપનું વૈવિધ્ય દાખવતું સત્ત્વવંતું બાલકિશોરસાહિત્ય પ્રગટતું રહે છે. પરિષદ દ્વારા દર બે વર્ષે નટવરલાલ માળવી, રમણલાલ સોની અને ઍની સરૈયા પારિતોષિક બાલકિશોરસાહિત્ય માટે અપાય છે. યશવંત મહેતા અને છગનભાઈ ભૈયાના પુરુષાર્થથી ‘બાલસાહિત્ય અકાદમી’ સક્રિય થઈ, પરિસંવાદ યોજી, બાલસાહિત્યકારોનું સન્માન કરી બાલસાહિત્યના વિકાસની દિશામાં કેટલાંક કાર્યો કરવામાં મક્કમ ડગ માંડી રહી છે.
આમ રૂપાન્તરથી પ્રારંભાયેલ ગુજરાતી બાલસાહિત્યે આજે ઠીક ઠીક ગજું કાઢ્યું છે. અનેક સ્વરૂપે તે મહોર્યું છે. તેના વિષયોનો વ્યાપ વિસ્તર્યો છે. કુટુંબ, સમાજ, ઇતિહાસ-ભૂગોળ, વિજ્ઞાન, પર્યાવરણ, વનસંસ્કૃતિ અને નગરસંસ્કૃતિ કે ભૂતકાળ અને ભાવિના સંકેતો – આ સર્વ તેણે પોતાનામાં ઝીલ્યાં છે. સાથે જ મૌલિકતા અને બાલમાનસની અભિવ્યક્તિનો આગ્રહ રાખ્યો છે, જે તેના ઉજ્જ્વળ ભાવિનો સંકેત કરે છે.
શ્રદ્ધા ત્રિવેદી