બાલાઘાટ : મધ્યપ્રદેશના જબલપુર વિભાગમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 10´ ઉ. અ. અને 80° 25´ પૂ. રે.ની આજુબાજુનો 9,229 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માંડલા જિલ્લો, પૂર્વમાં રાજનાંદગાંવ જિલ્લો, દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યનો ભંડારા જિલ્લો તથા પશ્ચિમે સેવની જિલ્લો આવેલા છે. જિલ્લાનું નામ જિલ્લામથક બાલાઘાટ પરથી પડેલું છે. બાલાઘાટ નગર અહીંના બધા જ ઘાટથી ઉપર તરફ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લામાં માત્ર થોડીક છૂટીછવાઈ ટેકરીઓ જોવા મળે છે. ઉત્તર તરફ સાતપુડા હારમાળાની એક શાખા ‘અંબાગઢ હારમાળા’ આવેલી છે. વૈનગંગા અહીંની એકમાત્ર નદી છે. ઉત્તર તરફ સાતપુડા હારમાળાનો ઉચ્ચપ્રદેશ અને દક્ષિણ તરફ નીચાણવાળો પ્રદેશ આવેલા છે. પૂર્વ તરફ તે મૈકલ હારમાળા દ્વારા છત્તીસગઢના મેદાનથી અલગ પડે છે.

ખેતી : જિલ્લાના દક્ષિણ તથા નૈર્ઋત્યના ભાગોમાં વૈનગંગાનો ફળદ્રૂપ–ઉપજાઉ જમીનો ધરાવતો વિસ્તૃત ખીણપ્રદેશ આવેલો છે. અહીંના મુખ્ય કૃષિપાકો ડાંગર અને ઘઉં છે; તે ઉપરાંત શેરડી, બાજરી  અને કઠોળનું વાવેતર પણ થાય છે. ખેતી મુખ્યત્વે કૂવાઓની સિંચાઈથી થાય છે. ઉચ્ચપ્રદેશના ભાગમાં બૈહર નજીક ગાય-ભેંસ જેવાં પશુઓના ઉછેરની પ્રવૃત્તિ ચાલે છે, તેથી પશુપાલન અહીંના લોકોનો મુખ્ય ધંધો બની ગયો છે.

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં મોટા પાયા પરના કોઈ ઉદ્યોગો વિકસેલા નથી. જિલ્લામાં મૅંગેનીઝ, બૉક્સાઇટ, અબરખ, તાંબું તથા લાલ ગેરુના નિક્ષેપોનું ખનનકાર્ય ચાલે છે. અહીંથી બૉક્સાઇટ, મૅંગેનીઝ, ડાંગર, લાકડાં, વાંસ, બીડી બહાર મોકલવામાં આવે છે; જ્યારે મીઠું, ખાંડ, કેરોસીન, ખાદ્યતેલ અને તમાકુ બહારથી મંગાવવામાં આવે છે.

વાહનવ્યવહાર-પ્રવાસન : આ જિલ્લો મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના નજીકના જિલ્લાઓ સાથે વાહન-વ્યવહારથી સંકળાયેલો છે. જિલ્લામથક બાલાઘાટ સાથે જિલ્લાનાં આજુબાજુનાં 449 ગામોને પાકા રસ્તાઓ મારફતે સાંકળી લેવામાં આવેલાં છે. અહીં પ્રવાસયોગ્ય કોઈ જાણીતાં સ્થળો આવેલાં નથી. જિલ્લાનાં કેટલાંક સ્થળોમાં કાર્તિકી પૂર્ણિમાનો વિઠ્ઠલ-રુક્માઈ મેળો અને અંબામાઈનો મેળો ભરાય છે તેમજ શિવરાત્રિ, હોળી, રામનવમી જેવા તહેવારો ઊજવાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 13,65,870 જેટલી છે; તે પૈકી 6,82,260 પુરુષો અને 6,83,610 સ્ત્રીઓ છે. ગ્રામીણ તથા શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 12,36,083 અને 1,29,787 જેટલું છે. જિલ્લામાં હિન્દી, મરાઠી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુ : 12,58,431; મુસ્લિમ : 30,255; ખ્રિસ્તી : 3,741; શીખ : 607; બૌદ્ધ : 57,905; જૈન : 4,031; અન્યધર્મી : 6,495 તેમજ ઇતર 4,405 જેટલા છે. જિલ્લાની લગભગ 33 % જેટલી વસ્તી ગોંડ જાતિના આદિવાસી લોકોની છે, આ ઉપરાંત હુન્નરકળામાં પાવરધા ગણાતા બૈગા જાતિના લોકોનો નાનો સમૂહ પણ આ જિલ્લામાં રહે છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને બાલાઘાટ, બૈહર, લાનજી, બડાસેવની અને કટાંગી જેવા 5 તાલુકાઓમાં તથા 10 સમાજવિકાસ ઘટકોમાં વહેંચી નાખેલો છે. જિલ્લામાં મુખ્ય 6 નગરો અને 1,388 (119 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. બધાં નગરો એક લાખથી ઓછી વસ્તીવાળાં છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 5,96,248 (3,77,269 પુરુષો; 2,18,979 સ્ત્રીઓ) છે, તે પૈકી ગ્રામીણ 5,13,494 અને શહેરી 82,754 જેટલા છે. જિલ્લાભરમાં 1,531 પ્રાથમિક, 276 માધ્યમિક અને 69 ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ; 4 કૉલેજો અને 4 વ્યાવસાયિક તેમજ અન્ય શિક્ષણ-સંસ્થાઓ આવેલી છે. નગરો તથા 140 ગામડાંઓમાં તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

ઇતિહાસ : 1867 સુધી બાલાઘાટ ભંડારા જિલ્લાનો એક ભાગ હતું. 1818થી 1830 દરમિયાન તે પ્રતિશાસન (regency) હેઠળ રહેલો. 1820 અગાઉ તેનો વહીવટ લાનજી ખાતેથી થતો હતો. 1820–21માં જિલ્લામથક લાનજીથી ભંડારા લઈ જવાયેલું. 1853માં બ્રિટિશ વહીવટ આવ્યો. 1867માં ભંડારામાંથી કેટલોક ભાગ બાલાઘાટ જિલ્લામાં મૂકવામાં આવેલો.

બાલાઘાટ (નગર) : ભૌગોલિક સ્થાન : 21° 49´ ઉ. અ. અને 80° 15´ પૂ. રે. પર તે વૈનગંગા નદીને કાંઠે પૂર્વ તરફ વસેલું છે. અહીંથી રાજ્યનો મુખ્ય ધોરીમાર્ગ તથા રેલમાર્ગ પસાર થતો હોવાથી આ નગર આજુબાજુના વિસ્તાર માટે કૃષિપાકો તથા ખાણપેદાશોનું ખરીદ-વેચાણનું મુખ્ય મથક બની રહેલું છે. શેરડીનો પાક અહીં વિપુલ પ્રમાણમાં થતો હોવાથી ખાંડનાં કારખાનાં નાખવામાં આવેલાં છે. આ નગરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની તેમજ પુસ્તકાલયની સગવડ છે. સાગર યુનિવર્સિટી સંલગ્ન 2 કૉલેજો આજુબાજુના વિસ્તારની ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત પૂરી પાડે છે. અગાઉના સમયમાં આ નગર ‘બરહા’ નામથી ઓળખાતું હતું. 1877માં અહીં નગરપાલિકાની સ્થાપના થયેલી.

શિવપ્રસાદ રાજગોર