બાલસામયિકો (ગુજરાતી)

January, 2000

બાલસામયિકો (ગુજરાતી)

બાળકોને અનુલક્ષીને પ્રગટ થતાં સમયબદ્ધ પત્રો. બાળકોના ઉચ્ચ સંસ્કારઘડતર માટે, તેમની જિજ્ઞાસાને સંતોષે અને તેમની કલ્પનાશક્તિને ખીલવે એ માટે ખાસ પ્રકારનું સાહિત્ય અને સામયિકો હોય છે. બાલસાહિત્યનું કામ દેખાય છે તેટલું સહેલું-સરળ નથી. એ માટે બાલસાહિત્યકાર પાસે વિશેષ પ્રકારની સજ્જતા અપેક્ષિત હોય છે. બાલસાહિત્યના સર્જન માટે બાલસાહિત્યકારોને પ્રેરવા ને સજ્જ કરવામાં બાલસામયિકો બહુ મહત્વનો ભાગ ભજવે છે. બાલસામયિકોએ બાલસાહિત્યના વિકાસમાં સમયે સમયે ઉમદા કાર્ય કર્યું છે. બાલસામયિક વિશેની સભાનતા વીસમી સદીના પ્રારંભથી આવી છે. ઈ. સ. 1920માં મળેલી છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે કેખશરૂ અરદેશર બાલાના અધ્યક્ષપણા નીચે બાલસાહિત્ય વિશે વિચાર કરી અહેવાલ રજૂ કરવા માટે જે સમિતિ રચાઈ તેણે એવું સૂચન કરેલું કે ઇંગ્લૅન્ડના ‘માય મૅગેઝીન’ જેવું સામયિક આપણાં બાળકો માટે હોવું જોઈએ. વીસમી સદીમાં ગુજરાતમાં ઘણાં બાલસામયિકો-માસિકો-સાપ્તાહિકો વગેરે પ્રગટ થયાં છે. પણ તે પહેલાંયે ઓગણીસમી સદીમાં બાલસામયિકોના ક્ષેત્રે કેટલાક નોંધપાત્ર પ્રયત્નો થયા હતા.

ઈ. સ. 1832માં શરૂ થયેલા ‘જામે જમશેદ’માં બાળકો માટે એક નાનો વિભાગ રાખવામાં આવ્યો હતો. ઈ. સ. 1862માં ખ્રિસ્તી મિશનરીઓેએ ધર્મપ્રચાર અર્થે શરૂ કરેલું ‘સત્યોદય’ પ્રચારલક્ષી હતું અને તેમાં ગુજરાતની તત્કાલીન સુધારાવાદી પ્રવૃત્તિ પડઘાઈ હતી. આમ છતાં, તેમાંનાં ગદ્ય-પદ્યની ભાષા બાળકોને લક્ષમાં રાખી પ્રયોજાતી હતી. અંગ્રેજી ભાષાની અનેક સુપ્રસિદ્ધ બાલકથાઓ અનુવાદ-રૂપાંતર રૂપે બાળકો પાસે મુકાતી હતી. તેમાંની મોટાભાગની કથાઓ માનવીય બોધથી ભરેલી હતી. પાછળથી તે ધર્મપ્રચારલક્ષી બની ગયું ને બાલભોગ્યતા ગુમાવી બેઠું. ઈ. સ. 1877ના સપ્ટેમ્બરમાં પારસીઓ પાસેથી ‘બાળોદય’ મળે છે, જે બાળકોને શું કરવું અને શું ન કરવું એ વિશે સીધો બોધ આપતું હતું. પારસી બોલીની છાંટ ધરાવતા આ સામયિકમાં સંવાદાત્મક રીતિએ ઐતિહાસિક-ભૌગોલિક માહિતી, વ્યાકરણનું જ્ઞાન, આરોગ્યની જાળવણીની રીતો વગેરે સામગ્રી આપવામાં આવતી હતી અને તે સાથે બોધ મળે તેવી કથાઓ ને નાના લેખો પણ આવતા હતા.

બાળકો માટે મિત્ર સમાન ગણી શકાય તેવું સામયિક ‘બાલમિત્ર’ અનેક અવતાર પામ્યું જણાય છે. ઈ. સ. 1879માં 12 પાનાંની પુસ્તિકા રૂપે, મુંબઈના ‘નિર્ણયસાગર’ પ્રેસમાં છપાયેલ ‘બાલમિત્ર’ કદમાં નાનું, નાના ટાઇપ વગેરેને કારણે બહુ ધ્યાન ખેંચી ન શક્યું. તેના પ્રસિદ્ધકર્તા બાળશુભેચ્છક અમરતલાલ નારણદાસ લહેરી હતા. તેની સામગ્રી બાલભોગ્ય નહોતી; પણ એમાં વડીલોએ બાળકો સાથે કેમ કામ કરવું તે તરફનો ઝોક વધુ હતો. થોડા જ સમયમાં તે બંધ થયું તેમાં તેની અચિત્રતા પણ એક કારણ હતું. તે પછી ચરોતર એજ્યુકેશન સોસાયટી તરફથી ‘બાળકોને લગતું સાહિત્ય નહિ, પણ બાળકો માટે સાહિત્ય’ – એ હેતુથી તા. 22 ઑગસ્ટ 1921ના રોજ શરૂ થયેલ ‘બાલમિત્ર’ બાળકોને મિત્ર જેવું પ્રિય બની રહેલું. શ્રી જીવનલાલ મોતીચંદે બાળકોની સેવા માટે આ સોસાયટીને આપેલા દાનની યોજના રૂપે  ડાહ્યાભાઈ લ. પટેલની નિશ્રામાં તે પ્રગટ થયું. લાંબા સમય સુધી ચાલેલા આ સામયિકના તંત્રીપદે ગોવર્ધનદાસ કા. પટેલ, રામભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, સોમાભાઈ ભાવસાર, ઈશ્વરભાઈ પટેલ, રાવજીભાઈ પટેલ, મગનભાઈ ઓઝા, ઓચ્છવલાલ ઉપાધ્યાય, વસંત નાયક વગેરે વિદ્વાનોએ સુંદર ફાળો આપ્યો હતો. 6થી 16 વર્ષનાં બાળકો માટેના આ માસિકનું છાપકામ સ્વચ્છ, અને પૂંઠું આકર્ષક હતું. તેમાં હિન્દી વિભાગ પણ હતો. તેમાં વાર્તા, બાલપાઠ, પ્રાણી-વનસ્પતિ-આરોગ્ય વગેરે વિશે જાણકારી, ભૌગોલિક માહિતી ને સ્થળવર્ણનો, પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને જીવન-પ્રસંગો એમ વિવિધ વાચનસામગ્રી માટેના અનેક વિભાગો હતા. વિષય અને સ્વરૂપનું વૈવિધ્ય એમાં ધ્યાનપાત્ર હતું. વળી તેમાં જરૂરિયાત પ્રમાણે ચિત્રો પણ આવતાં. બાળકોને તેમના નામથી જ માસિક મંગાવવાનો આગ્રહ રખાતો. બાલભોગ્યતા તેના લેખક માટે પહેલી શરત રહેતી. આથી જ અઘરા શબ્દોના અર્થો પણ એમાં અપાતા. કૃષ્ણપ્રસાદ, નારદ, ગિજુભાઈ, વિનોદિની નીલકંઠ, બચુભાઈ રાવત, કાલેલકર, વિદ્યાબહેન, વિ. ય. આવસત્થી, રસૂલ વહોરા તેમજ અન્ય અનેક પ્રતિષ્ઠિત લેખકોને ઘડવામાં આ સામયિકનો ફાળો નોંધપાત્ર છે. સાંપ્રત સમયની સ્થિતિ વિશે પણ એમાં ચર્ચા થતી. ‘સમાચારોનો સાર’ વિભાગમાં દેશપરદેશની ઘટનાઓની જાણકારી અપાતી. ક્યારેક ખાસ ‘બાળક અંક’ પ્રગટ થતા, જેમના તંત્રી-સંપાદક અને લેખકો બાળકો જ રહેતાં. બાળકોને નવી માહિતી અને જ્ઞાન આપવા સાથે તેમનું ચારિત્ર્ય ઘડાય, તેમનું જીવન નીતિમય બને એ પ્રત્યે પણ એમાં ખાસ ધ્યાન અપાતું હતું. ચરોતર એજ્યુકેશન સોસાયટીએ – વસ્તુત: મોતીભાઈ અમીને – આ સાહસ ઉપાડી લીધું. લગભગ પાંચ દાયકા સુધી ચાલેલા આ સામયિકના સંપાદન સંચાલનની જવાબદારી છેલ્લે છેલ્લે અભય કોઠારીને સોંપવામાં આવેલી. એ પછી એ બંધ થયું. ત્યારબાદ થોડા સમય પછી 1997ના જુલાઈમાં તેનો પુનર્જન્મ થયો. આજે (ઈ. સ. 2000) ડૉ. આમ્રપાલી મરચન્ટ ચરોતર એજ્યુકેશન સોસાયટીના આ માસિકને તંત્રી, સંપાદક-લેખક તરીકેની સેવા આપી એકલે હાથે ચલાવે છે. તેમાં ઉખાણાં-ગણિતગમ્મત-વાર્તા-ચરિત્ર આદિ અનેક વિભાગો આવે છે. સચિત્રતા, મોટા ટાઇપ અને બાલભોગ્ય સામગ્રીને કારણે તે આજેય બાળકોને પ્રિય થઈ રહ્યું છે.

1882ના જાન્યુઆરીમાં જ્ઞાનવર્ધક સભા, અમદાવાદ તરફથી પ્રગટ થયેલ અને બે વર્ષ ચાલેલ ‘બાળજ્ઞાનવર્ધક’ માસિક, વડીલ-શિક્ષકની ગરજ સારે તેવું હતું. ચિત્રનો અભાવ અને ભારેખમ ભાષાને લીધે તે બાલભોગ્ય બની શક્યું નહોતું.

ઓગણીસમી સદી કરતાં વીસમી સદીમાં બાલસામયિકના સંદર્ભે ખૂબ જાગૃતિ આવે છે. 1912માં શ્રેયસ્સાધક અધિકારી વર્ગ તરફથી ‘બાળકોનો બંધુ’ના ચાર અંક પ્રગટેલા. એ જ વર્ષે વડોદરાથી મહાશંકર લ. ભટ્ટના સંપાદન નીચે ‘બાલશિક્ષક’ પ્રગટ થયેલું. 1915માં એનો ફેલાવો 4,000 નકલનો હોવાનો ઉલ્લેખ મળે છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે, જાહેરખબર વગર તે લગભગ સાત વર્ષ સુધી ચાલેલું.

‘બાલમિત્ર’ જેવું સમૃદ્ધ બીજું સામયિક તે ‘બાલજીવન’. બાળકોને નિયમિત રીતે સુંદર-સત્વશીલ વાચન આપવાના હેતુથી ‘કમલાકાન્ત’ના તંત્રીપદે ઈ. 1921/સં. 1977ના કારતક માસથી તેનો પ્રારંભ થાય છે. પ્રારંભમાં ચૂનીલાલ કુબેરદાસ શાહે સહતંત્રી તરીકે કાર્ય કરેલું. તે બાદ કરતાં ઈ. સ. 1971માં વડોદરામાં તે બંધ થયું ત્યાં સુધી રમણલાલ ના. શાહે એકલે હાથે તે સંભાળેલું. ગુજરાતી બાલસાહિત્ય ગૌરવ અનુભવે તેવાં તેનાં પ્રકાશનો છે. તેમાં બાલિકાઓ માટે જુદો વિભાગ પણ રાખવામાં આવતો. આમાં નીવડેલા તથા નવોદિત લેખકોની રચનાઓ પ્રગટ થતી. વિષય અને સ્વરૂપવૈવિધ્ય  ધરાવતા આ સચિત્ર માસિકનો હેતુ બાળકો સ્વાશ્રયી બને, તેમનામાં સ્વાભિમાન-સ્વદેશાભિમાન અને ર્દઢ નિશ્ચયની લાગણીઓ જાગ્રત થાય તેવો હતો. પ્રસ્તુત ઉદ્દેશને અંત સુધી પાળીને આ સામયિકે બાલજગતની નોંધપાત્ર સેવા કરી છે.

એવું જ ઉચ્ચ કક્ષાનું અન્ય એક સામયિક હતું ‘બાળક’. 1 જાન્યુઆરી 1923થી ભીખુભાઈ પુ. વ્યાસે બાળકોના હિતાર્થે અમદાવાદથી ત્રિમાસિક રૂપે અને પછી ગોધરાથી દ્વિમાસિક રૂપે તે પ્રગટ કરેલું. બાળભોગ્ય સ્વરૂપ–રસ અને વિષયવૈવિધ્ય ધરાવતું આ સામયિક સત્વશીલ વાચનસામગ્રી દ્વારા બાળકોની માનસિક જરૂરિયાત સંતોષતું હતું. ‘બટુકની કલમે’ વિભાગમાં નાનાં બાળકોની કલમે લખાયેલાં લખાણો તેની વિશેષતા હતી. વળી, ‘જ્ઞાનગંગા’ વિભાગમાં જગતની અજાયબી વિશે માહિતી અપાતી અને ‘ઓળખો છો ?’ જેવા વિભાગમાં મહાન વિભૂતિઓનો પરિચય અપાતો. છાપકામ-કાગળ વગેરે બધું જ ઉત્તમ ને લવાજમ એક જ રૂપિયાનું (ત્રિમાસિક રૂપે), છતાંય અપૂરતા ગ્રાહકોને કારણે, કોઈ પણ કેળવણીની સંસ્થાના ઉત્તેજનના અભાવે, ત્રણ દાયકા સુધી ગુજરાતી બાલસાહિત્યની સેવા કરી તે બંધ થયું.

તા. 1 ઑગસ્ટ 1921ના રોજ સ્થપાયેલ ‘ગાંડીવ સાહિત્યમંદિર’, જેનું સૂત્રસંચાલન નટવરલાલ માળવી અને જેનો વ્યવસ્થાવિભાગ ઈશ્વરલાલ વીમાવાળા સંભાળતા, તેના તરફથી 1925ના ઑગસ્ટ માસથી ‘ગાંડીવ’ નામક બાલપખવાડિક શરૂ થયું. તે ગુજરાતનું સૌપ્રથમ પાક્ષિક હતું. તેણે બકોર પટેલ જેવું ચિરંજીવ બાળખ્યાત પાત્ર  આપ્યું છે. ‘ગાંડીવ’ની પ્રાણીકથાઓ અને બકોર પટેલની શ્રેણી ખૂબ પ્રિય બનેલી. તે વખતે કહેવાતું કે બાળકો જ નહિ, મોટેરાંઓ પણ ‘ગાંડીવ’ની રાહ જોતાં. સાચા અર્થમાં બાલભોગ્ય સાહિત્ય આ પાક્ષિકે આપ્યું છે. 1973થી આ પાક્ષિક બંધ થયું. જોકે પ્રકાશન–સંસ્થા હજી કાર્યરત છે. સચિત્ર અને વિવિધરંગી આ પાક્ષિકે કેટલાક વિશેષાંકો પણ આપ્યા હતા. ‘ગાંડીવ’નું સ્થાન અનોખું હતું.

ઈ. સ. 1927માં પાદરી જે. વી. માસ્ટરના તંત્રીપદે શરૂ થયેલા ‘બાલવાડી’ માસિકમાં પ્રાણીકથાઓ, વિદેશની પ્રવાસકથાઓ અને સામાન્ય જ્ઞાનની માહિતી રસપ્રદ રીતે આવતી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર સાથે તે બાલમાનસમાં સંસ્કારસિંચનનું કાર્ય પણ કરતું. 1931માં ચંદ્રશંકર મ. ભટ્ટે ‘બાલોદ્યાન’ માસિક આપ્યું. તે નિમિત્તે કેટલુંક સુંદર બાલસાહિત્ય પણ મળ્યું. ઈ. સ. 1932માં રાણપુરથી ગુણવંતરાય આચાર્ય ‘ફૂલછાબ’ લાવ્યા. 1933 જૂનથી ‘ફૂલવાડી’ માસિક શરૂ થયું જેમાં બાલવિભાગ હતો. 1935માં નગીનદાસ પારેખ ‘કિશોર’ લાવ્યા, જે 1950માં બંધ થયેલું, પણ આજેય તેને સૌ એક સારા માસિક તરીકે યાદ કરે છે. 1937 જૂનથી ‘બાલસખા’ માસિક શરૂ થયું. પ્રારંભમાં તેના તંત્રી હતા હિંમતલાલ ચૂ. શાહ. 1940થી થોડો વખત દિનેશ ઠાકોર પણ તે કાર્યમાં જોડાયેલા. આકર્ષક મુખપૃષ્ઠ, જ્ઞાનકસોટી કરતા વિભાગો, સિદ્ધહસ્ત લેખકોનાં લખાણો આ સામયિકમાં જોવા મળતાં હતાં. તેમાં વાર્તા, કવિતા, ચરિત્ર વગેરે ઉપરાંત ધારાવાહી બાલકથા પણ આપવામાં આવતી હતી. એ જ રીતે બાળકો દ્વારા લખાતી ચાલુ વાર્તા એ સામયિકનો વિશિષ્ટ પ્રયોગ હતો. એવું સત્વવંતું બીજું સામયિક તે ‘બાલજગત’. તા. 1 જાન્યુઆરી 1939થી પાક્ષિક તરીકે શરૂ થયા બાદ થોડા વખતમાં માસિક બનેલું. બાલસાહિત્યકારો સોમાભાઈ ભાવસાર, દિનેશ ઠાકોર વગેરેએ તેનું તંત્રીકાર્ય સંભાળેલું અને બાલભોગ્ય સામગ્રી આપેલી. તેના તરફથી અવારનવાર ‘વાર્તાઅંક’ બહાર પડતો. કેટલુંક સુંદર બાલસાહિત્ય આ સામયિકો દ્વારા મળેલું છે.

1947થી શરૂ થયેલું એન. જે. ગોલીબારનું ‘ચક્રમ’ સાપ્તાહિક સર્વભોગ્ય રૂપે શરૂ થયેલું. હાલ આનું તંત્રીપદ એચ. એન. ગોલીબાર સંભાળે છે ને તેનું હાલનું નામ ‘ચક્રમ-ચંદન’ છે, જેમાં થોડીક બાલભોગ્ય વાચનસામગ્રી હોય છે. 1947ની પહેલી સપ્ટેમ્બરથી ગોકુલદાસ રાયચુરાએ ‘કનૈયો’ બાલમાસિક શરૂ કર્યું, ને એ નિમિત્તે મૂળજીમામાનું યાદગાર પાત્ર બાળકોને ભેટ આપ્યું. 1949માં શામળદાસ ગાંધી રંગબેરંગી સજાવટ સાથે ‘રમકડું’ લઈને આવ્યા. તેને ખૂબ ચાહના મળેલી. અત્યંત બાલપ્રિય બનેલા આ માસિકમાં કાવ્યો, વાર્તા આદિ ઉપરાંત બાળકોને ગમી જાય તેવી ચિત્રવાર્તાઓ આવતી હતી. ખૂબ વ્યાપક હોવા છતાં તે બંધ થયું તે બાલસાહિત્ય માટે એક દુ:ખદ ઘટના ગણાય.

ફેબ્રુઆરી 1959માં ત્રૈમાસિક તરીકે શરૂ થયેલ ‘બાલદક્ષિણા’ તેના 23મા અંકથી અલગ વિભાગ રૂપે ‘દક્ષિણા’માં સમાવિષ્ટ થાય છે. તેમ જ અલગ રૂપે પણ પ્રગટતું રહે છે. 1994ના સળંગ અંક 62–63–64ના ‘દક્ષિણા’ના છેલ્લા અંકના પ્રકાશન બાદ તેની સાથે જ બંધ થાય છે. શ્રી અરવિંદ આશ્રમ, પૉંડિચેરી દ્વારા પ્રકાશિત થયેલ આ સામયિકે બાળકના મનોઘડતર, આત્મિક વિકાસમાં ભાષાકથારસ સમેત પાયાની નક્કર કામગીરી બજાવી હતી. 1967માં કુમકુમ પ્રકાશન તરફથી બાબુભાઈ જોશીએ ‘ચાંદાપોળી’ પ્રગટ કર્યું પણ તે થોડા સમય પછી બંધ પડ્યું.

1950 પછીની નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાતનાં મુખ્ય દૈનિકો પોતાનાં સામયિકો લાવે છે. ‘ગુજરાત સમાચાર’માં દર અઠવાડિયે ‘બાળમેળો’ વિભાગ આવતો. તેનું સંપાદન જીવરામ જોષી કરતા. આથી ‘ઝગમગ’ સાપ્તાહિકનું સંપાદન તેમને સોંપવામાં આવ્યું. ‘ઝગમગ’ નિમિત્તે બાલજગતમાં ચિરસ્થાયી બનેલાં મિયાં ફૂસકી, છેલ-છબો, છકો-મકો, અડૂકિયો-દડૂકિયો જેવાં બાલખ્યાત પાત્રો આપણને મળ્યાં. ખૂબ લોકપ્રિય બનેલું આ સાપ્તાહિક 1958માં તેમણે છોડ્યું. 1985થી થોડો વખત બંધ રહ્યા બાદ જાન્યુઆરી 1988થી મોહનભાઈ શં. પટેલની રાહબરી નીચે તે પુન: શરૂ થયું. તે પણ થોડો સમય ચાલી બંધ થયું. એ જ રીતે ‘સંદેશ’ દ્વારા ‘બાલસંદેશ’ સાપ્તાહિક પ્રગટતું હતું. તે પણ ઘણા સમયથી બંધ થયું છે. 1962માં ‘જનસત્તા’ ‘સબરસ’ નામનું બાળકો માટેનું સાપ્તાહિક લાવે છે, જે 1970ની આસપાસ બંધ થયું. ‘જયહિંદ’ના ‘ફૂલવાડી’ સાપ્તાહિકની સેવા પણ અત્રે ઉલ્લેખનીય છે.

આ સિવાય 1965માં જૂનાગઢથી ‘શિશુમંગળ’, 1972માં લીંબડીથી ‘મારા દોસ્તો, મારી દુનિયા’ (છ-માસિક), 1967માં અમદાવાદથી ‘હિતોપદેશ’ (સાપ્તાહિક) જેવાં અલ્પજીવી સામયિકો પ્રગટ થયાં, જેમણે થોડીઘણી બાલસાહિત્યની સેવા કરી. જોકે બાળકોની વાચનભૂખને લીધે બાલસામયિકોની માંગ રહેતી હોવાથી અન્ય પ્રાદેશિક ભાષાઓનાં બાલસામયિકોની ગુજરાતીમાં ભાષાંતરિત આવૃત્તિઓ પણ પ્રગટતી થઈ. તેમાં મદ્રાસથી પ્રગટ થતું ‘ચાંદામામા’ ઈ. સ. 1954થી અને દિલ્હીથી પ્રગટ થતું ‘ચંપક’ 1972થી ગુજરાતીમાં આવે છે. પાછળથી તેમાં ‘નંદન’ પણ ઉમેરાયું. ભાષાશુદ્ધિની ર્દષ્ટિએ સામાન્ય, પણ સચિત્ર વિપુલ કથાસામગ્રીને કારણે ‘ચાંદામામા’ આજેય બાલપ્રિય રહ્યું છે. ‘ચંપક’ અને ‘નંદન’ પણ નાની નાની ચિત્રકથાઓથી બાળકોને આકર્ષતાં રહે છે.

જીવરામ જોષીએ ઈ. સ. 1958માં ‘ઝગમગ’ છોડ્યા પછી તે જ વર્ષના ડિસેમ્બરમાં ‘રસરંજન’ શરૂ કર્યું. તે લગભગ 1966માં બંધ થયું. ઈ.સ. 1968થી ’70ના ગાળામાં ‘પ્રભાત’ સમાચારપત્રની ભાગીદારીમાં તેમણે ‘રસવિનોદ’માં કાર્ય કર્યું અને ઈ. સ. 1984માં તેમના તંત્રીપદે ‘છુક છુક’ શરૂ થયું. પાક્ષિક તરીકે શરૂ થયેલું આ ‘છુક છુક’ પાછળથી માસિક બન્યું. તેના સંપાદનની જવાબદારી તેમના પુત્ર ભાર્ગવ જોષીએ સંભાળી. ખાસ કરીને ત્રીજાથી સાતમા ધોરણ સુધીનાં બાળકોનો વાચકવર્ગ તેમનું લક્ષ્ય રહેલો. ઈ. સ. 1970થી શરૂ થયેલું ‘નિરંજન’ આજે પણ લોકપ્રિય છે. તેના આકર્ષણનું એક મહત્વનું કારણ તેમાંની અડધા ભાગમાં આવતી ચિત્રકથાઓને ગણાવી શકાય. ઈ. સ. 1977માં ધીરજલાલ ગજ્જરે ‘સબરસ’ સાપ્તાહિક શરૂ કર્યું, જેમાં લોકકથા, બીરબલ અને ટારઝનની કથાઓ આપવામાં આવતી હતી. ગુજરાતનું પ્રથમ ઑફસેટ મુદ્રણ ધરાવતું પાક્ષિક ‘બુલબુલ’ ઈ. સ. 1978માં શરૂ થયું અને આ પણ થોડો જ સમય ચાલ્યું. આકાર પ્રકાશન દ્વારા ચિત્રકાર રજની વ્યાસનાં ચિત્રો સાથે પ્રસિદ્ધ થયેલા આ પાક્ષિકમાં પ્રસિદ્ધ લેખકોની કૃતિઓ આપવામાં આવતી હતી. ચિત્રવાર્તા તો ખરી જ. ઈ. સ. 1979ના ડિસેમ્બરમાં કુ. શ્રદ્ધા દવેના તંત્રીપદે ‘બાલમસ્તી’ નામનું માસિક પ્રગટ થયું, જે અલ્પઆયુ નીવડ્યું. ગુજરાતના પ્રતિષ્ઠિત બાલસાહિત્યકાર હરીશ નાયકે ‘નાયક’ નામનું માસિક પ્રગટ કર્યું. ‘કુટુંબની વાર્તાઓ રજૂ કરતું નાનકડાં બાળમિત્રોનું નાનકડું માસિક’ – એ રીતે ઓળખાવાયેલા આ માસિકમાં સચિત્ર કથાઓ, સાહસકથાઓ, ટુચકાઓ વગેરે આપવામાં આવતાં હતાં. તેનું પણ પાંચેક વર્ષમાં બાલમરણ થયું. દરમિયાન શ્રીકાન્ત ત્રિવેદી પાસેથી ઈ. સ. 1980–81ના વર્ષ દરમિયાન ‘ટીન-ટીન’ મળેલું. આ બધાં જ અલ્પજીવી સામયિકોએ થોડેવત્તે અંશે બાલસાહિત્યને વિકસાવવામાં મદદ કરી છે. લગભગ દસમા દાયકાની શરૂઆતમાં તંત્રી, મુદ્રક અને પ્રકાશક નગેન્દ્રવિજય ‘સફારી’ નામે સામયિક લઈને આવ્યા, જેનો ઝોક વિજ્ઞાનલક્ષી માહિતી તરફ વધુ છે. ‘બુદ્ધિશાળી બાળકો માટેનું’ આ સામયિક થોડાં મોટાં બાળકો અને કિશોરોને વિકસતા વિજ્ઞાન સાથે તાલ મેળવવામાં ખૂબ ઉપયોગી થાય તેવી માહિતી આપે છે. સદવિચાર પરિવાર તરફથી પણ ‘બાળકોનું છાપું’ નામનું સામયિક અઢાર વર્ષથી ચાલે છે, જેમાં જીવન તથા વિચારઘડતર માટેની બાલોપયોગી ઘણી સામગ્રી પીરસવામાં આવે છે.

ગુજરાતીનાં બાલસામયિકોની વાત કરીએ છીએ ત્યારે ‘કુમાર’ અને ‘સમર્પણ’ને ન જ ભૂલી શકાય. ‘કુમાર’ કાર્યાલયે આપેલ ‘અજવાળી રાત’ કથાસંગ્રહ આપણો એક સત્વશીલ કિશોરકથાસંગ્રહ છે, તો ‘સમર્પણ’ માસિક પણ દર વર્ષે એક સુંદર શિશુઅંકની ભેટ આપે છે. ‘નવચેતન’નો બાલવિભાગ પણ દેશ-પરદેશની કથાઓ બાળકો માટે લાવે છે. વળી શ્રી અરવિંદ આશ્રમ દ્વારા ‘બાલદક્ષિણા’ માટે થયેલી કામગીરીને તેમજ ‘સ્વામિનારાયણ પ્રકાશ’ જેવાં સાંપ્રદાયિક સામયિકોમાં આવતા બાલવિભાગોની પ્રવૃત્તિ પણ સ્મરણીય છે. ‘સ્વામિનારાયણ પ્રકાશ’માં 1979થી બાળવિભાગ ચાલતો રહ્યો છે.

કેટલાંક અન્ય સામયિકોએ બાળકો માટે વિભાગ રાખેલો તે સંદર્ભમાં વિચારીએ તો ‘સ્ત્રીબોધ’નું કાર્ય તરત ધ્યાન ખેંચે તેવું હતું. ‘સ્ત્રીબોધ’નો પ્રારંભ તો ઈ. સ. 1857થી થયેલો, પણ તેમાં ઈ. સ. 1920થી ‘બાળક’ નામે બાલવિભાગ શરૂ થયો હતો. ‘રામાયણ’, ‘સિંહાસનબત્રીસી’ તેમજ શામળની કથાઓ અહીં હપતાવાર આવતી. તે જ રીતે ઈ. સ. 1940થી શરૂ થયેલા ‘સ્ત્રીજીવન’માં શિશુવિભાગ હતો. તેના સંપાદક રમણલાલ સોની હતા. તેમાં કથાઓ ઉપરાંત કાવ્યો, વરત-ઉખાણાં, પશુ-પંખીપરિચય, ચરિત્ર આદિ મોટા ટાઇપમાં આપવામાં આવતાં હતાં. ‘વેતાળપચીસી’, ‘ટારઝનની વાતો’ અનેક અંકો સુધી આમાં આપવામાં આવી હતી.

ઈ. સ. 1940–41 પછીના કેટલાક ઉલ્લેખપાત્ર પ્રયાસોમાં જોઈએ તો વર્તમાનપત્રોમાં બાળવિભાગને સ્થાન ને માન મળ્યું તે ગણાય. એ દિશાનો એક સરસ પ્રયત્ન ‘વંદે માતરમ્’નો હતો. તેમાં ‘એક હતો ચકલો’ શીર્ષક તળે બાલસાહિત્ય અપાતું. 1941થી શરૂ થયેલું એ પાનું ઈ. સ. 1954માં બંધ થયું ત્યાં સુધી પોતાની ગુણવત્તા જાળવી શકેલું. આ સિવાય ઈ. સ. 1968ના નવેમ્બરમાં રતિલાલ દવે દ્વારા શરૂ થયેલ ‘પગલી’, ઈ. સ. 1977માં અમદાવાદની ‘સુમન સંસ્કાર’ નામની શાળા દ્વારા પ્રકાશિત 32 પાનાંનું ‘સુમન સંસ્કાર’ આદિનોયે નિર્દેશ કરી શકાય.

બાલસામયિકોમાં સાંપ્રત સમયમાં એક સુંદર ઉમેરણ થયું છે ને તે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ‘બાલસૃષ્ટિ’ સામયિકનું, 1996ના ફેબ્રુઆરીથી એ શરૂ થયું છે. જિલ્લા પંચાયતની 28,000 પ્રાથમિક શાળાઓમાં તે મોકલવામાં આવે છે. રંગીન મુખપૃષ્ઠ ધરાવતું આ માસિક શિક્ષકો અને બાળકો બંનેને ઉપયોગી સામગ્રી આપે છે. સમયે સમયે તે વિશેષાંકો પણ બહાર પાડે છે. ગુજરાતની બાલકેળવણી અને બાલસાહિત્યના મૂળમાં રહેતા ગિજુભાઈના કાર્યક્ષેત્ર એવા ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટ તરફથી મે 1999થી ‘ધીંગામસ્તી’ નામક બાલમાસિકનું પ્રાકટ્ય પણ આવકારપાત્ર ઘટના છે. વાર્તા, કાવ્ય, કોયડા–ઉદ્યોગ–માહિતી–પત્રમૈત્રી, ચિત્રવાર્તા એમ બાળકોને સર્વાંગી રીતે સંતોષે તેવું તેનું માળખું છે. પ્રવીણભાઈ શાહ અન્ય મિત્રો સાથે તેનું પ્રકાશન કરે છે.

વળી એવા પણ કેટલાક પ્રયત્નો થયા છે, જેમણે સીધું બાલસાહિત્ય આપ્યું નથી, પણ બાળકેળવણી, બાલસાહિત્યના સ્વરૂપ આદિ સંબંધી તલસ્પર્શી ચર્ચાવિચારણા રજૂ કરીને તેના ઘડતરને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હોય. આવા પ્રયત્નોમાં ‘દક્ષિણામૂર્તિ’ (ઈ. સ. 1924), હરભાઈ ત્રિવેદીનું ‘ઘરશાળા’ (ઈ. સ. 1939), મનુભાઈ પંચોળીના તંત્રીપદે ઈ. સ. 1966માં પ્રગટ થયેલું ‘છાત્રાલય’ અને સૌરાષ્ટ્રના બગસરા ગામમાં બાલકેળવણી માટે ભગીરથ પુરુષાર્થ કરનાર બાલચંદભાઈ વોરાએ ઈ. સ. 1981માં શરૂ કરેલું ‘બાલમૂર્તિ’ –  એ સર્વને ગણી શકાય. આ પહેલાં ‘ગુજરાત શાળાપત્રે’ પણ આ દિશામાં કેટલુંક નક્કર કામ કર્યું જ હતું. ડૉ. કોયા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત ‘શિશુલોક’ પત્રિકાનું કાર્ય પણ ધ્યાનાર્હ લેખાય. આમાં થતી બધી ચર્ચાવિચારણાની અસર બાલસાહિત્યના ઘડતર પર પડે તે સ્વાભાવિક છે. બાલસાહિત્ય અંગે સાચી સૂઝસમજ તેમાંથી પ્રાપ્ત થાય એ જ એની મોટી ઉપલબ્ધિ.

જેમ નીતિબોધના હેતુથી બાલકથાનો પ્રારંભ થયો છે તેમ સામયિકોમાં પણ પ્રારંભમાં એ જ ભાવ જોવા મળે છે. સમય બદલાતાં તેમાંની સામગ્રીમાં પરિવર્તન આવતું રહ્યું છે. દરેક જમાનાની અસર સમસામયિક પત્રો પર પડેલી જોઈ શકાય છે. ઈ. સ. 1920 પછી ર્દષ્ટિકોણ બદલાતો ગયો તેવું ‘ગાંડીવ’, ‘બાલજીવન’, ‘બાલમિત્ર’ આદિ જોતાં તુરત જ લાગે છે. પછી ‘રમકડું’, ‘ઝગમગ’ આદિમાં બાલભોગ્યતાનું પ્રાધાન્ય ધ્યાન ખેંચે છે. ક્રમશ: જીવનનાં વિવિધ ક્ષેત્રોની માહિતી આપવાનો હેતુ ઉમેરાયો ને પશ્ચિમની અસર વધતાં પાત્રપ્રધાન ચિત્રકથાઓની પકડ વધતી ગઈ.

આ બાલસામયિકોએ બાલસાહિત્યકારોને ઘડવામાં અને ગુજરાતનાં બાળકોની વાચનતૃષા છિપાવવામાં ખૂબ મૂલ્યવાન ફાળો આપ્યો છે તે સાચું છે. સાથે સાથે તેમાં બદલાયેલી વિષયસામગ્રી થોડીક ચિંતા ઉપજાવે તેમ પણ છે. પ્રારંભમાં નીતિબોધ, માહિતીપ્રદ લેખો આદિનું પ્રાધાન્ય હતું. ધીમે ધીમે હવે રહસ્યકથાઓ, જાસૂસી કથાઓ અને અપરાધકથાઓ (crime stories) પણ આપવામાં આવે છે. જેમ નીતિબોધનો અતિરેક હાનિકારક ગણાય તેમ આ અપરાધકથાઓની ભરમાર પણ કેટલી હિતકર ગણાય તે એક વિચારવા જેવો પ્રશ્ન છે. એ જ રીતે અંગ્રેજી ચિત્રકથાની ઘેલછાએ પણ કેટલીક માઠી અસરો કરી છે. બાળકોને સર્વથા હિતપ્રદ અને રસપ્રદ બાલસામયિકની હજી અપેક્ષા રહે છે. કોઈ ગુજરાતી બાલસામયિક લાંબો સમય ટકવા-વિસ્તરવાની પૂરતી તાકાત દાખવી શક્યું નથી.

શ્રદ્ધા ત્રિવેદી