બાર્હદ્રથ વંશ : મગધના નામાંકિત રાજવી બૃહદ્રથનો વંશ. યયાતિના પુત્ર પુરુના વંશમાં અને પરીક્ષિતના ભાઈ સુધન્વાના વંશમાં વસુ નામે સમ્રાટ થયા. વસુ ઉપરિચર ચૈદ્ય (ચેદિરાજ) તરીકે ઓળખાતા. એમના પુત્રોએ મગધ, કૌશાંબી, કારૂષ, ચેદિ અને મત્સ્ય પ્રદેશમાં રાજ્ય સ્થાપ્યાં. વસુએ મગધનું પાટનગર ગિરિવ્રજ સ્થાપ્યું હોવાનું કહેવાય છે. બૃહદ્રથ વસુ ઉપરિચરના પુત્ર હતા. એમનો વંશ તે બાર્હદ્રથ. બૃહદ્રથના પુત્ર જરાસંધ મગધના પ્રતાપી રાજા હતા. એ મથુરાના રાજા કંસના સસરા થતા હતા. યદુકુલના શ્રીકૃષ્ણે કંસનો વધ કરતાં, જરાસંધે મથુરા પર અનેક વાર આક્રમણ કર્યું. આથી યાદવો મથુરાથી સૌરાષ્ટ્રમાં જઈ વસ્યા. પાંડવોના રાજસૂય યજ્ઞ પહેલાં ભીમે ગદાયુદ્ધમાં જરાસંધનો વધ કર્યો. પછી જરાસંધના પુત્ર સહદેવનો મગધમાં રાજ્યાભિષેક થયો. પુરાણો સહદેવથી રિપુંજય સુધીના બાર્હદ્રથ રાજાઓની નામાવલી આપે છે. એમાં સહદેવથી સાતમા સેનાજિત્ હતા, તે પરીક્ષિત વંશના રાજા અધિસીમ-કૃષ્ણના તેમજ ઐક્ષ્વાકુ વંશના રાજા દિવાકરના સમકાલીન હતા. પુરાણોની વંશાવળીઓમાં એ ત્રણેયને ‘સાંપ્રત’ રાજા કહ્યા છે, એ પરથી એ વંશાવળીઓ ભારતયુદ્ધ પછી પાંચેક પેઢીઓ બાદ તૈયાર થઈ લાગે છે. બાર્હદ્રથ વંશનો અંત ઈ.પૂ. છઠ્ઠી સદીમાં થયો જણાય છે. એ પછી મગધમાં હર્યંક વંશની સત્તા પ્રવર્તી. એ વંશના રાજા બિંબિસાર અને અજાતશત્રુ ગૌતમ બુદ્ધ તથા મહાવીર સ્વામીના સમકાલીન થયા, જે ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કાલધર્મ પામ્યા હોવાનું મનાય છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી