બાર્હસ્પત્ય સંવત્સર ચક્ર – બાર વર્ષનું અને સાઠ વર્ષનું

January, 2000

બાર્હસ્પત્ય સંવત્સર ચક્ર – બાર વર્ષનું અને સાઠ વર્ષનું : બૃહસ્પતિ ગ્રહ પોતાનું પરિક્રમણ 12 સૌર વર્ષે પૂરું કરે છે. એમાં એ દર રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. આ પરથી 12 બાર્હસ્પત્ય સંવત્સરોનું ચક્ર પ્રચલિત થયું. બૃહસ્પતિ સૂર્ય સમીપ જતાં અસ્ત પામે છે; જ્યારે સૂર્ય (25થી 31 દિવસ બાદ) આગળ નીકળી જાય છે ત્યારે બૃહસ્પતિ ફરી ઉદય પામે છે. બૃહસ્પતિનો જ્યારે જે નક્ષત્રમાં ઉદય થાય છે ત્યારે તે નક્ષત્ર પરથી તેને તે તે ચાંદ્ર માસનું નામ આપવામાં આવે છે. કૃત્તિકા કે રોહિણી પરથી મહાકાર્ત્તિક, મૃગશિર કે આર્દ્રા પરથી મહામાર્ગશીર્ષ, પુનર્વસુ કે પુષ્ય પરથી મહાપૌષ, આશ્ર્લેષા કે મઘા પરથી મહામાઘ, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની કે હસ્ત પરથી મહાફાલ્ગુન, ચિત્રા કે સ્વાતિ પરથી મહાચૈત્ર, વિશાખા કે અનુરાધા પરથી મહાવૈશાખ, જ્યેષ્ઠા કે મૂળ પરથી મહાજ્યેષ્ઠ, પૂર્વાષાઢા કે ઉત્તરાષાઢા પરથી મહાષાઢ, શ્રવણ કે ધનિષ્ઠા પરથી મહાશ્રાવણ, શતભિષા, પૂર્વાભાદ્રપદ કે ઉત્તરાભાદ્રપદ પરથી મહાભાદ્રપદ અને રેવતી, અશ્વિની કે ભરણી પરથી મહાશ્વયુજ સંવત્સર કહેવામાં આવે છે. 12 સૌર વર્ષ દરમિયાન બૃહસ્પતિ 11 વાર ઉદય પામે છે, તેથી 12 સૌર વર્ષમાં એક બાર્હસ્પત્ય સંવત્સરનો ક્ષય થાય છે. આ સંવત્સર-ચક્ર પાંચમી–સાતમી સદી દરમિયાન પ્રચલિત હતું, એ પછી એ સામાન્ય વ્યવહારમાંથી લુપ્ત થઈ ગયું. હાલ કેવળ પંચાંગોમાં વર્ષનું નામ બતાવવામાં જ એ પ્રચલિત રહ્યું છે.

બૃહસ્પતિ ગ્રહ એકેક રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. એથી એકેક રાશિ – સંક્રમણના સમયને બાર્હસ્પત્ય સંવત્સર કહે છે. મધ્યમ માનથી એ 361 દિવસ, 2 ઘડી અને 5 પલનો હોય છે. આવા 60 સંવત્સરોનું એક ચક્ર ગણાય છે. એમાં વર્ષની સંખ્યા અપાતી નથી, પરંતુ દરેક સંવત્સરનું અલગ અલગ નામ અપાય છે; જેમ કે ‘વિજય’, ‘જય’, ‘મન્મથ’, ‘દુર્મુખ’ વગેરે. 60 સંવત્સરોનું એક ચક્ર પૂરું થયા પછી એવું બીજું સંવત્સર ચક્ર શરૂ થતું ગણાય છે. બાર્હસ્પત્ય સંવત્સર સૌર વર્ષ કરતાં લગભગ 4 દિવસ જેટલો ટૂંકો હોવાથી 85 સૌર વર્ષમાં એક સંવત્સરનો ક્ષય થાય છે.

ઉત્તર ભારતમાં આ સંવત્સર-ચક્રનો આરંભ ‘વિજય’ સંવત્સરથી ગણાય છે. ખરી રીતે આ સંવત્સરોનો આરંભ બાર્હસ્પત્ય સંક્રાંતિ પ્રમાણે ગણાવો જોઈએ; પરંતુ વ્યવહારમાં સૌર વર્ષના આરંભે જે બાર્હસ્પત્ય સંવત્સર ચાલતો હોય તે જ સંવત્સર આખા સૌર વર્ષનો ગણાય છે.

દક્ષિણ ભારતમાં બાર્હસ્પત્ય સંવત્સર અધિક પ્રમાણમાં પ્રચલિત છે, પરંતુ ત્યાં ગણાતા સંવત્સર ખરેખર બાર્હસ્પત્ય નથી. ત્યાં તો સૌર વર્ષને બાર્હસ્પત્ય સંવત્સરનું નામ આપીને બાર્હસ્પત્ય માની લેવામાં આવે છે. આથી એમાં સંવત્સરનો ક્ષય થતો નથી. દક્ષિણ ભારતમાં આ સંવત્સર-ચક્રનો આરંભ ‘પ્રભવ’ સંવત્સરથી થાય છે, જે ઉત્તર ભારતના ‘વિજય’ આદિ સંવત્સર ચક્રમાં 35મો સંવત્સર છે.

આ સંવત્સરોનો ઉલ્લેખ ઉત્તર ભારતના અભિલેખોમાં ક્વચિત્ આવે છે, જ્યારે દક્ષિણ ભારતના અભિલેખોમાં એ ઘણી વાર પ્રયોજાયો છે. હજી ભારતીય પંચાંગોમાં વિક્રમ તથા શક સંવતના વર્ષ સાથે બાર્હસ્પત્ય સંવત્સરનું નામ અપાય છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી