બાર્ટ, રૉનાલ્ડ (જ. 1915, ચૅરબર્ગ, ફ્રાન્સ; અ. 1980) : ફ્રાન્સના વિશ્વવિખ્યાત લેખક, વિવેચક અને અધ્યાપક. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો શિક્ષણ અને સંશોધનક્ષેત્રે અને પછી વળ્યા લેખનપ્રવૃત્તિ તરફ. ‘રાઇટિંગ ડિગ્રી ઝિરો’ (1953) નામના તેમના નિબંધસંગ્રહના પરિણામે તે ફ્રાન્સના આધુનિકતાવાદી સાહિત્યના અગ્રણી વિવેચક બની રહ્યા. તેમની સાહિત્યિક વિવેચનામાં પરંપરાગત મૂલ્યલક્ષી નિર્ણયો તથા લેખકના ઇરાદાને લગતા અભિપ્રાયો વિશે લખવાનું ટાળવામાં આવ્યું છે. કેવળ લેખકના લખાણનું જ પૃથક્કરણ કરવામાં ઉત્સુક રહેવાનો નવતર અને નિજી અભિગમ અપનાવીને તેઓ નામના પામ્યા હતા.
મહેશ ચોકસી