બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર

January, 2000

બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર (સ્થાપના 1883) : ગુજરાતનું એક બહુહેતુલક્ષી સંગ્રહાલય. તે 1895માં બાર્ટન પુસ્તકાલયના મકાનમાં શરૂ થયેલું. આ સંગ્રહાલય આઝાદી પછી 1955થી ગાંધીસ્મૃતિ ટ્રસ્ટના વહીવટ હેઠળ હતું. 1982થી તે ગુજરાત રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ હસ્તક મુકાયું છે.

આ સંગ્રહાલયમાં પથ્થરયુગનાં ઓજારો, અશ્મીભૂત અવશેષો અને પ્રાગ્-ઐતિહાસિક પ્રાણીના અવશેષોનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. અહીં ભાવનગર જિલ્લામાંથી પ્રાપ્ત જૈન શિલ્પો, વલભીપુરની પ્રાચીન ઈંટો, ધાતુની મૂર્તિઓ, પાંચમી સદીનું તામ્રપત્ર, શિલાલેખો તથા માટીની વિવિધ વસ્તુઓનો સંગ્રહ છે. ટંક-આહત સિક્કાઓ; રાજપૂતકાલીન, ગુપ્ત, મુઘલ અને દિલ્હી-સલ્તનત-કાલીન સિક્કાઓ તેમજ ગ્રીક, બ્રિટિશ, ફ્રેન્ચ, પૉર્ટુગીઝ, ડચ જેવા વિદેશી લગભગ 16,780 સિક્કાઓનો સંગ્રહ જોવાલાયક છે. કાંગરા શૈલીનાં લઘુચિત્રોનો પણ નાનકડો સંગ્રહ દર્શનીય છે. અહીં સંગીતનાં વિવિધ વાદ્યો પણ પ્રદર્શિત થયાં છે.

મૂલ્યવાન દુર્લભ નમૂનાઓથી સમૃદ્ધ બાર્ટન મ્યુઝિયમ (મ્યુઝિયમની વીથિકાનું એક ર્દશ્ય)

અહીં હાથીદાંતના કલાત્મક કોતરણીવાળા નમૂનાઓ, શિહોરની ધાતુકલા દર્શાવતાં પિત્તળનાં વાસણો, સૂડીઓ અને તાળાંઓ પણ છે. સૌરાષ્ટ્રની કાઠી જાતિની જીવનશૈલી દર્શાવતું ‘કાઠીનું ઘર’ પણ રજૂ કરવામાં આવ્યું છે. શિહોરનાં ભીંતચિત્રોની નકલો, તૈલચિત્રો, સ્થાનિક ભરતકામ, મોતીકામ અને લાકડાકામની વસ્તુઓ અને ખેતીનાં ઓજારોનો પણ સંગ્રહ છે. આમાં કીડિયાં મોતીની ગૂંથણકલાના નમૂનાઓ વિશિષ્ટ છે, જેમાં કીડિયાકામવાળાં પછીત, પાટી, ચાકળા, ચંદરવા, સાખ, તોરણ, ઘોડિયું, ટોડલિયા, ધારિયું વગેરેના નમૂનાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ખડિયો, કલમ, ચોપાટ, સોગઠાં, પ્રસાધનસામગ્રી, મંગળ કળશ, બળદ અને ગાડીનો શણગાર વગેરેની મોતીઓથી મઢેલી અનેક નાની નાની વસ્તુઓમાં હસ્તકલાનું કૌશલ્ય પ્રગટ થાય છે. આ મ્યુઝિયમમાં એક વિભાગ બાળકોને લગતો છે, જે બાળકોને આનંદ-વિનોદ સાથે સામાન્ય જ્ઞાન મળે તેવા શૈક્ષણિક ઉદ્દેશથી આયોજિત કરાયો છે. મસાલા ભરેલાં પશુ-પક્ષીઓ અને સરીસૃપ જીવો, ભારતના વિવિધ ભાગોનાં રમકડાં, પ્રથમ અનાવરણ-દિવસનાં કવર (first day covers) ઉપરાંત પક્ષીઓ, ફૂલો, રમતગમત, બાળદિન, વિવિધ દેશોની ધ્વજસંજ્ઞાઓ જેવા વિષયોને લગતી ટપાલટિકિટો છે. આ જ સંગ્રહાલયના મકાનમાં બીજાં બે નાનાં સંગ્રહાલયોનો પણ સમાવેશ થાય છે : ગાંધીસ્મૃતિ સંગ્રહાલય અને હુન્નરઉદ્યોગનું સંગ્રહાલય. એ બંને ગાંધીસ્મૃતિ ટ્રસ્ટ-સંચાલિત છે.

સોનલ મણિયાર