બાર્ટન, ડેરેક (સર) (હૅરલ્ડ રિચાર્ડ)

January, 2000

બાર્ટન, ડેરેક (સર) (હૅરલ્ડ રિચાર્ડ) (જ. 8 સપ્ટેમ્બર 1918, ગ્રેવસૅન્ડ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના ખ્યાતનામ કાર્બન રસાયણશાસ્ત્રી. તેમણે લંડનની ઇમ્પીરિયલ કૉલેજ ખાતે અભ્યાસ કર્યો. 1945માં તેમણે લંડનની ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટેક્નૉલોજીમાં પ્રથમ મદદનીશ લેક્ચરર અને પાછળથી સંશોધન-ફેલો તરીકે કાર્ય કર્યું. 1949–50 દરમિયાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપતા હતા તે વખતે તેમણે સંરૂપીય વિશ્લેષણ (confor-mational analysis) એટલે કે સંકીર્ણ અણુઓની ત્રિપરિમાણીય ભૌમિતિક સંરચના અંગે પાયારૂપ સંશોધન શરૂ કર્યું. 1950માં તેમનું એ કાર્ય પ્રકાશિત થતાં વૈજ્ઞાનિક વર્તુળોનું ત્વરિત ધ્યાન દોરાયું અને કાર્બનિક રસાયણશાસ્ત્રમાં ક્રાંતિ સર્જાઈ.

1950થી તેઓ બર્કબૅક કૉલેજ, યુનિવર્સિટી ઑવ્ લંડનના ફૅકલ્ટી-સભ્ય નિમાયા અને યુનિવર્સિટી ઑવ્ ગ્લાસગો ખાતે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમણે કાર્ય કર્યું (1955–57); ત્યારબાદ તેઓ ઇમ્પીરિયલ કૉલેજ ખાતે કાર્બનિક રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા.

(સર) ડેરક બાર્ટન

તેમણે અનેક કુદરતી પદાર્થોનો (મુખ્યત્વે ફીનૉલ, સ્ટિરૉઇડો, પ્રતિજીવીઓનો) અભ્યાસ કર્યો છે. 1960માં તેમણે આલ્ડોસ્ટેરૉન હૉર્મોનના સંશ્લેષણ માટેની ‘બાર્ટન પ્રતિક્રિયા’ શોધી હતી.

1969માં કાર્બનિક રસાયણશાસ્ત્રના આવશ્યક ભાગરૂપે સંરૂપીય વિશ્લેષણ સ્થાપિત કરવામાં સહાયરૂપ બનેલા તેમના સંશોધનકાર્ય માટે તેમને નૉર્વેના ઑડ હેઝલ સાથે સંયુક્તપણે નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.

પછીથી 1985માં તેઓ ટેક્સાસની એ. ઍન્ડ. એમ. યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા.

જ. પો. ત્રિવેદી

મહેશ ચોકસી