બાર્ટન, ક્લારા (જ. 1821, ઑક્સફર્ડ; અ. 1912) : અમેરિકાની રેડક્રૉસ સંસ્થાનાં સ્થાપક. તેઓ ક્લૅરિસા બાર્ટનના નામે બહુ લોકપ્રિય હતાં. 1836થી 1854 દરમિયાન તેમણે સ્કૂલની શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. 1861થી 1865 દરમિયાન, આંતરવિગ્રહના વિકટ સમયમાં ઘવાયેલા સૈનિકો માટે તેમણે ખાદ્યસામગ્રીનો પુરવઠો તથા અન્ય સવલતોની રાહત-સામગ્રી મેળવવામાં ખૂબ સહાય કરી. ફ્રાન્કો-પ્રશિયન યુદ્ધ દરમિયાન (1870–71) રેડક્રૉસની એક શાખાની યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે સ્થાપના કરી અને તેનાં પ્રથમ પ્રમુખ બન્યાં (1881–1904). તેમની ઝુંબેશના પરિણામે જ અમેરિકાએ જિનીવા કન્વેન્શનમાં સહી કરી હતી.
મહેશ ચોકસી