બારા માસા (ઉર્દૂ) : એક કાવ્યપ્રકાર. તેમાં સ્ત્રીના વિરહના દર્દમય અનુભવો તથા તેની લાગણીઓ માસવાર બદલાતી ઋતુ અનુસાર વર્ણવવામાં આવે છે. આ પ્રકારનાં ગીતોમાં વર્ષના બારે માસનાં દુખ-દર્દોની રજૂઆત થાય છે, તેથી તેનું નામ બારા માસા પડ્યું છે. બારા માસા પ્રકારનું ગીત ઉર્દૂ ઉપરાંત પંજાબી, હરયાનવી, વ્રજભાષા, અવધી, મૈથિલી, માલવી, ભોજપુરી અને ગુજરાતીમાં પણ મળે છે. સંસ્કૃતમાં વર્ષની 6 ઋતુઓ, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર તથા વસંતનું જે વર્ણન મળે છે તે બારા માસાની પરંપરાથી પ્રાચીન અને ભિન્ન છે. બારા માસામાં કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનાઓની જે ઋતુજન્ય વિશિષ્ટતાઓ છે અને જે માનવીના મનની લાગણીઓને પ્રભાવિત કરે છે તેને અનુરૂપ, વિરહમાં તડપતી સ્ત્રીનાં દુખ-દર્દ વર્ણવવામાં આવે છે અને અંતમાં તેના પ્રેમી અથવા પતિનું મિલન થતું બતાવવામાં આવે છે. બારા માસામાં એક રીતે વિરહવર્ણનને પ્રકૃતિવર્ણન સાથે જોડી દેવામાં આવે છે.
કવિ અફઝલ પાનીપતી(અ. 1625)એ તેમના ઉર્દૂ કાવ્ય ‘બિકટ કહાની’માં બારા માસાની સુંદર રચના કરી છે. એક સ્ત્રી જેનો પ્રિયતમ પરદેશમાં છે અને જે વિયોગ થતાં જુદાઈનાં દુખોમાંથી પસાર થઈ રહી છે, તેની વિવિધ લાગણીઓને માસવાર આલેખવામાં આવી છે. શરૂઆત શ્રાવણથી થાય છે અને અષાઢ સુધીના બારે મહિનાઓમાં એ સ્ત્રીની બદલાતી માનસિક સ્થિતિનો ચિતાર રજૂ કરીને છેવટે તેના પ્રિયતમના આગમન તથા મિલનના હર્ષઉલ્લાસને વર્ણવવામાં આવ્યાં છે. બારા માસા પ્રકારનાં કાવ્ય-ગીતોમાં અફઝલની કૃતિ ‘બિકટ કહાની’ એક સીમાચિહ્ન સમાન છે. ઉર્દૂનું બીજું બારા માસા સૂરતના કવિ ઉઝલત સૂરતી(1692–1775)ની કૃતિ છે. સૈયદ અબ્દુલવલી ઉઝલત સૂરતીએ 79 પંક્તિઓનું બારા માસા કાવ્ય લખ્યું હતું. આ કાવ્યમાં કવિએ અષાઢથી શરૂ કરીને જેઠ માસ સુધી દરેક માસ વિશે 5-5 પંક્તિઓ લખી છે. તેમાં વિરહમાં ઝૂરતી એક સ્ત્રીની બદલાતી ઋતુને અનુરૂપ બદલાતી લાગણીઓ વર્ણવવામાં આવી છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી