બારાબંકી : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ થી 27° 19´ ઉ. અ. અને 80° 58´ થી 81° 55´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ગોમતી નદીના દક્ષિણ તરફના થોડા નાના ભાગને બાદ કરતાં આ આખોય જિલ્લો ગોમતી અને ઘાઘરા નદીઓ વચ્ચેના પ્રદેશમાં આવી જાય છે. તે વાયવ્ય અને ઉત્તરમાં સીતાપુર અને બહરૈચ જિલ્લાઓથી, ઈશાન અને પૂર્વમાં ગોંડા જિલ્લાથી, અગ્નિમાં ફૈઝાબાદ જિલ્લાથી, દક્ષિણ અને નૈર્ઋત્યમાં સુલતાનપુર અને રાયબરેલી જિલ્લાઓથી ઘેરાયેલો છે. જિલ્લાનો કુલ વિસ્તાર 4,401 ચોકિમી. જેટલો છે. મધ્ય પશ્ચિમ તરફ આવેલું બારાબંકી જિલ્લાનું વડું મથક છે.

બારાબંકી જિલ્લો (ઉત્તર પ્રદેશ)

પ્રાકૃતિક રચના : આ જિલ્લો લગભગ સંપૂર્ણપણે કાંપનાં સમતળ મેદાનોથી બનેલો હોવા છતાં વિવિધ પ્રાકૃતિક લક્ષણોને આધારે તેના પાંચ વિભાગો પાડવામાં આવેલા છે :

(1) ઘાઘરા–ચૌકા (શારદા) દોઆબ : આ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ તરાઈની કાંપભૂમિથી બનેલો છે. (2) ઘાઘરા ખદર : ઘાઘરા–ચૌકા સંગમથી દક્ષિણે ઘાઘરાની ખીણમાં ખદર(નૂતન કાંપ)ની જમાવટ થયેલી છે. આ પ્રદેશ ઘાઘરા અને તેની શાખાનદીઓના પૂરથી ક્યારેક ક્યારેક છવાઈ જાય છે. (3) મધ્યનો ઊંચાણવાળો પ્રદેશ : જિલ્લાનો ઘણોખરો પ્રદેશ આવરી લેતો આ વિભાગ ઘાઘરાના કાંઠાથી ગોમતીની દક્ષિણતરફી ખીણ સુધી પથરાયેલો છે અને ખૂબ જ ફળદ્રૂપ છે. (4) ગોમતીને વીંધતો પ્રદેશ : અહીં ત્રણ વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. ગોમતીના કાંઠાનો ઉત્તર તરફનો ભાગ કોતરોવાળો છે; દક્ષિણ તરફનો લખનૌ અને રાયબરેલીની સીમા નજીકનો ભાગ સરોવરોવાળો છે; વચ્ચેનો ભાગ વનરાજિવાળો છે. (5) ગોમતી ખદર : ગોમતીના પટની આજુબાજુનો કાંપની ભૂમિથી બનેલો છે, તે પણ તરાઈ કહેવાય છે. તે ગોમતીનાં પૂરથી છવાઈ જતો હોય છે. જ્યાં જ્યાં નદીના તટ ઊંચા છે ત્યાં કોતરોની રચના થયેલી છે અને જમીનો રેતાળ, હલકા પ્રકારની છે.

આખોય જિલ્લો ગંગાના કાંપના પ્રદેશનો એક ભાગ ગણાય છે. ઘાઘરા ખદરવાળા તરાઈ ભાગમાં મળી આવતું કંકર અહીંનું એકમાત્ર ઉપયોગી ખનિજદ્રવ્ય છે, તેને બાળીને ચૂનો બનાવાય છે. જિલ્લામાં જોવા મળતા જમીન-પ્રકારોમાં ભૂર (રેતાળ જમીન), દુમત (ગોરાડુ જમીન) અને માટિયાર(માટીવાળી જમીન)નો સમાવેશ થાય છે. નદીઓના ઊંચાઈવાળા ભાગોમાં ભૂર, નીચાણવાળા ભાગોમાં માટિયાર, જ્યારે બાકીનાં સ્થાનોમાં દુમત જોવા મળે છે. આ જિલ્લામાં જંગલો આવેલાં નથી, પરંતુ બાવળ, લીમડો, જાંબુ, મહુડા, પકાર અને સીસમનાં વૃક્ષોની વનરાજિથી તે ભરપૂર છે.

જળપરિવાહ : ઘાઘરા અને ગોમતી આ જિલ્લાની બે મુખ્ય નદીઓ છે. ઘાઘરા જિલ્લાની ઉત્તર સરહદ રચે છે અને આ જિલ્લાને બહરૈચ અને ગોંડાથી અલગ પાડે છે. ચૌકા (શારદા) ઘાઘરાની મુખ્ય શાખાનદી છે. ગોમતી નદી સાલેમપુર નજીક આ જિલ્લામાં પ્રવેશે છે, તેમાં જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે ઊભા પાક અને જાનમાલને નુકસાન કરી જાય છે, તથા કેટલાક ભાગોને જળબંબાકાર બનાવી દે છે. કાલવણી અને રેથ તેની શાખાનદીઓ છે. જિલ્લામાં આવેલાં નાનાંમોટાં સરોવરો પૈકી પરગણા રામનગરમાંનું બઘાર તાલ મોટામાં મોટું છે. કેટલાંક સરોવરો પંકભૂમિવાળાં પણ બની રહે છે.

ખેતી-પશુપાલન : આ જિલ્લામાં ખરીફ અને રવી બંને પ્રકારના પાક લેવાય છે. ખરીફ પાકમાં ડાંગર તથા રવી પાકોમાં ઘઉં અને ચણા મુખ્ય છે. આ ઉપરાંત રોકડિયા પાકોમાં શેરડી લેવાય છે. ખેતરોમાં કૂવા અને નહેરો દ્વારા સિંચાઈ થાય છે. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ અહીં પણ ગાય, બળદ, ભેંસ અને ઘેટાં મુખ્ય પાલતુ પ્રાણીઓ છે. તેમને માટે પશુ-દવાખાનાં તેમજ સ્વાસ્થ્ય-સુધાર-કેન્દ્રો પણ છે.

ઉદ્યોગો : આ જિલ્લાનું ઔદ્યોગિક માળખું ખેતપેદાશો પર આધારિત છે. જિલ્લામાં ત્રણ ખાંડનાં કારખાનાં, એક સુતરાઉ કાપડનું કારખાનું અને એક રસાયણો તથા રાસાયણિક પેદાશોનું કારખાનું આવેલાં છે. આ ઉપરાંત બધા મળીને 6,406 જેટલા નાના ઔદ્યોગિક એકમો પણ છે, તે પૈકી 4,874 ગ્રામીણ વિસ્તારોમાં અને 1,532 શહેરી વિસ્તારોમાં આવેલા છે. ઉત્તરપ્રદેશના નવ જિલ્લાઓમાં વિકસેલા નાના પાયા પરના ઔદ્યોગિક એકમોમાં બારાબંકીનો પણ સમાવેશ થાય છે. અહીંના ગ્રામીણ વિસ્તારોમાં મુખ્યત્વે ખાદીના, હાથવણાટના અને ઝવેરાતના એકમો વિકસેલા છે. આ ઉપરાંત અહીં ઈંટો બનાવવાના, ચર્મઉદ્યોગના અને ખાંડસરી બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે.

વેપાર : આ જિલ્લામાં આવેલાં રામપુર–ભવાનીપુર, ઝૈદપુર અને નવાબગંજ ઔદ્યોગિક ઉત્પાદન કરતાં વેપારી મથકો છે. નવાબગંજ સેવાપ્રવૃત્તિનું કેન્દ્ર પણ છે. અહીં મુખ્યત્વે હાથસાળના વણાટની ચીજો વપરાય છે. રૂદૌલીમાં ખાંડસરી, ઈંટો અને ચામડાનાં પગરખાંનું ઉત્પાદન અને વેપાર થાય છે. અનાજ, હાથવણાટનું સૂતર, ચોખા, અફીણ અને શેતરંજીઓની નિકાસ તથા મીઠું, શણ, કાપડ માટેના રેસા (staple), કેરોસીન અને તમાકુની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : બારાબંકી ઉત્તર રેલવેના લખનૌ–મુગલસરાઈ વિભાગીય બ્રૉડગેજ માર્ગ પર આવેલું છે. આ માર્ગ પર આવતાં ફૈઝાબાદ, શાહગંજ, જૌનપુર અને વારાણસી જેવાં મુખ્ય મથકો સાથે તે જોડાયેલું છે. આ ઉપરાંત ઈશાની રેલવેના લખનૌ–ગોરખપુર વિભાગીય મીટરગેજ માર્ગથી પણ તે સંકળાયેલું છે. આ માર્ગ પર આવતાં ગોંડા અને બસ્તી સાથે પણ તે જોડાયેલું છે. અહીંથી પસાર થતો બારાબંકી–લખનૌ સડકમાર્ગ એક તરફ ફૈઝાબાદ તો બીજી તરફ બસ્તી અને ગોરખપુરને જોડે છે. 28 નંબરનો લખનૌ–ગોરખપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ ગોંડા જતો બીજો એક માર્ગ પણ અહીંથી પસાર થાય છે. ફતેહપુર અને હૈદરગઢના જિલ્લામાર્ગો પણ બારાબંકીને જોડે છે. પ્રવાસયોગ્ય કોઈ વિશેષ સ્થળો આ જિલ્લામાં નથી, પરંતુ મેળા અને તહેવારોની ઉજવણી થાય છે. આ જિલ્લામાં આવેલ છપૈયા ગામ સહજાનંદ સ્વામીનું જન્મસ્થળ છે. દેવા નામના સ્થળે મુસ્લિમ સંત હાજી હફીઝ સઇદ શાહ વારિસ અલીનો મકબરો આવેલો છે, તે યાત્રીઓનું ધાર્મિક સ્થળ બની રહેલ છે.

વસ્તી-વસાહતો : આ જિલ્લાની વસ્તી 1991 મુજબ 24,23,136 જેટલી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું વિતરણપ્રમાણ અનુક્રમે 21,98,258 અને 2,24,878 જેટલું છે. દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 870નું છે. વસ્તી-ગીચતા દર ચોકિમી.દીઠ 551 વ્યક્તિની છે. અહીં મુખ્ય ભાષાઓ હિન્દી અને ઉર્દૂ છે. જિલ્લામાં 18,93,433 હિન્દુઓ, 5,24,895 મુસ્લિમો, 1,843 જૈનો, 1,196 શીખો, 792 બૌદ્ધો, 719 ખ્રિસ્તી તથા 258 અન્યધર્મી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 25 % જેટલું છે. આ જિલ્લામાં નવાબગંજ ખાતે માત્ર એક સ્નાતક કક્ષાની કૉલેજ છે. નવાબગંજ મ્યુનિસિપલ બૉર્ડ હેઠળ ઉચ્ચ માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા છે તેમજ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ છે. નવાબગંજ, રૂદૌલી, ઝૈદપુર, બંકી તેમજ અન્ય સ્થળોએ હૉસ્પિટલો, ડિસ્પેન્સરી, ક્ષયરોગ-ચિકિત્સાલય, પ્રસૂતિગૃહો, બાલકલ્યાણકેન્દ્રો તથા કુટુંબનિયોજનકેન્દ્રોની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જિલ્લામાં 6 તાલુકા (નવાબગંજ, રામનગર, ફતેહપુર, હૈદરગઢ, રામસનેહીઘાટ અને રૂદૌલી) તથા 16 સમાજવિકાસ ઘટકો છે. 13 નગરો (આ પૈકી રૂદૌલી, ઝૈદપુર, ફતેહપુર, દરિયાબાદ, રામપુર, ભવાનીપુર, રામનગર, સાત્રિખ, હૈદરગઢ, દેવા, સિદ્ધૌર, ટિકાયતનગર અને બારાબંકી એક લાખથી ઓછી વસ્તીવાળાં છે) અને 37 વસ્તીવિહીન સહિતનાં 2,087 જેટલાં ગામડાં છે.

ઇતિહાસ : આ જિલ્લાની રચના 1856ના વર્ષમાં થયેલી હોવાથી તેનો ઇતિહાસ અવધ(ફૈઝાબાદ)ના ઇતિહાસને મળતો આવે છે.

શહેર : ભૌગોલિક સ્થાન : 26° 55´ ઉ. અ. 81° 12´ પૂ. રે. તે લખનૌથી ઈશાનમાં આવેલું છે. તે નવાબગંજના જોડિયા શહેરનો પણ સમાવેશ કરે છે. તે જિલ્લાનું વહીવટી મથક છે. નવાબગંજ કૃષિબજાર તથા સુતરાઉ કાપડવણાટ માટેનું કેન્દ્ર બની રહેલું છે. આ બંને નગરો – બારાબંકી તથા નવાબગંજ લખનૌ અને ફૈઝાબાદ વચ્ચેના મુખ્ય માર્ગ પર આવેલાં છે અને રેલમથકો પણ છે.

નિયતિ મિસ્ત્રી

ગિરીશભાઈ પંડ્યા