બારાદરી : મુસાફરો માટે રહેણાક અંગે બાંધવામાં આવતી ઇમારત. ખાસ કરીને શહેરો-નગરોની બહાર, આવતા-જતા કે પસાર થતા મુસાફરો માટે રહેવાની–રાતવાસો કરવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવતી. બારાદરીની ઇમારતો ખાસ કરીને વિશાળ પ્રાંગણની આસપાસ હારબંધ ઓરડા તથા ઓસરીની રચના કરીને બાંધવામાં આવતી; જેથી સંખ્યાબંધ મુસાફરો તેમના કાફલા સાથે વાસ કરી શકે. આવી બારાદરી વિશેષે કરીને જૂનાં શહેરોની બહાર હજી પણ હયાત છે. આ રીતે ધર્મશાળાઓ પણ આનો એક પ્રકાર છે. ‘બારાદરી’નો શાબ્દિક અર્થ કદાચ બાર સ્તંભોવાળી ઇમારત એવો કરી શકાય. તેને પરસાળ પણ કહી શકાય. ઉત્તર ભારતનાં શહેરોમાં ખાસ કરીને મુસ્લિમ શાસનકાળ દરમિયાન બારાદરીઓની ઇમારતો જોવા મળે છે; જેમાં ફતેપુર સિક્રી કે નાભા વગેરે જગ્યાઓએ આવી ભવ્ય ઇમારતો હજી હયાત છે. રચના પરત્વે આગ્રાની બારાદરી આદર્શરૂપ ગણાવાય છે.

રવીન્દ્ર વસાવડા