બારાડી, હસમુખ જમનાદાસ  (જ. 23 ડિસેમ્બર 1938, રાજકોટ; અ. 4 ફેબ્રુઆરી 2017, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર, દિગ્દર્શક અને નાટ્યવિવેચક. વતન રાજકોટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1961માં ત્યાંની જ સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાંથી નાટ્યદિગ્દર્શન વિષયનો ડિપ્લોમા મેળવ્યો. 1964માં અંગ્રેજી–સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. 1972માં મૉસ્કોની યુનાચાર્સ્કી યુનિવર્સિટીમાંથી થિયેટર–ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયા. તે પહેલાં 1959થી 1964 દરમિયાન આકાશવાણી, વડોદરા તેમજ રાજકોટ કેન્દ્રમાં નાટ્યલેખક તરીકે તેમણે સેવાઓ આપેલી. 1964–68 દરમિયાન આકાશવાણીના દિલ્હી મથકના ગુજરાતી વિભાગના સમાચાર-ઉદ્ઘોષક અને 1968થી 1972 દરમિયાન સરકારી વિનિમય કાર્યક્રમ અનુસાર મૉસ્કો રેડિયોના ગુજરાતી વિભાગના કાર્યક્રમ-આયોજક હતા. 1973થી 1993 સુધી ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર(ISRO)માં કાર્યક્રમ-નિર્માતા હતા. તે પદેથી નાટ્યપ્રવૃત્તિને બધો સમય આપવાના શુભ હેતુથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી (1993).

બારાડી નાટ્યપ્રવૃત્તિને સમર્પિત લેખક-કલાકાર હતા. તેમણે ડઝન જેટલાં નાટકો આપ્યાં છે. તેમાં પહેલું નાટક ‘કાળો કામળો’ (1975) મૉસ્કોમાં કાર્યશિબિર નિમિત્તે લખેલું. પછી ‘જશુમતી–કંકુવતી’ (1978), ‘પછી રૉબાજી બોલિયા’ (1979), ‘જનાર્દન જોસેફ’ (1980), ‘ખુશનુમા ખયાલનો ખેલ’ (1981), ‘એકલું આકાશ અને બીજાં નાટકો’ (1985), ‘રાઇનો દર્પણરાય’ (1986) અને ‘આખું આયખું ફરીથી’ (1991) વગેરે નાટકો આપ્યાં. તેમાંનાં બધાં જ નાટકો તેમણે ભજવ્યાં કે ભજવાવ્યાં છે. ‘રાઇનો દર્પણરાય’ ‘રાઇનો પર્વત’માંથી લીધેલા વસ્તુને નવા અર્થઘટન દ્વારા વિશિષ્ટ વળાંક આપતું પ્રયોગલક્ષી નાટક છે. ‘આખું આયખું ફરીથી’ તેમનું શ્રેષ્ઠ દ્વિઅંકી નાટક છે. તેમાં નટ, નટી અને દિગ્દર્શિકા પોતપોતાનો પાઠ ભજવતાં ભજવતાં ‘સ્ક્રિપ્ટની બહાર’ નીકળી જાય છે અને નાટકના વસ્તુને સમાંતર ચાલતા પોતાના અંગત ભાવસંવેદનમાં અટવાઈ જાય છે. ત્રણ કલાકારો ચાર પાત્રોને રજૂ કરે છે અને બહુપરિમાણી ધોરણે સમગ્ર વસ્તુનું વિશ્લેષણ થતું જાય એવો કસબ નાટ્યકારે વાપર્યો છે. અનુઆધુનિકતાને બંધ બેસે તેવા લોકકેન્દ્રી થિયેટરના અંગરૂપે રોજબરોજના પ્રશ્નો રજૂ કરતાં શેરી-નાટકો પણ તેમણે લખ્યાં છે, ભજવ્યાં છે અને ભજવાવ્યાં છે.

હસમુખ જમનાદાસ બારાડી

ચ. કા. ભટ્ટની નવલકથા પરથી ‘ભઠ્ઠી’ ટેલિફિલ્મ (1997) તૈયાર કરેલી તે આઝાદીની રજતજયન્તીની ઉજવણી નિમિત્તે દૂરદર્શન પર રજૂ થયેલી.

‘નાટક સરીખો નાદર હુન્નર’ (1983) તેમના નાટક અને રંગભૂમિને લગતા લેખોનો સંગ્રહ છે. તેમણે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ નૅશનલ બુક ટ્રસ્ટ, દિલ્હીને ઉપક્રમે તૈયાર કર્યો હતો (1996). યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ માટે ‘ટીવી પ્રોડક્શન’ વિષય પર પાઠ્યપુસ્તક તૈયાર કર્યું હતું (1993), જેને તે વર્ષના એ વિષયના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પારિતોષિક મળ્યું હતું. તેમણે ભારતમાં તેમજ વિદેશમાં નાટક અને રંગભૂમિને લગતી અનેક તાલીમશિબિરોનું સંચાલન કરેલું છે. બટુભાઈ ઉમરવાડિયાની સ્મૃતિમાં સ્થપાયેલી નાટ્યશિક્ષણસંશોધન સંસ્થા- (BUDETRI)ના કુશળ કાર્યવાહક તરીકે તેમજ ‘નાટક’ ત્રૈમાસિકના ર્દષ્ટિમંત તંત્રી તરીકે તેઓ ઉપયોગી સેવા આપતા હતા. એ રીતે ગુજરાતમાં નવી રંગભૂમિની હવા જમાવવામાં બારાડીએ મહત્વનો ફાળો આપ્યો છે.

તેમને નાટ્યલેખન માટે 1987થી 1991ના ગાળાનો નર્મદચંદ્રક પણ અર્પણ થયો છે.

ધીરુભાઈ ઠાકર