બારાનગર : પશ્ચિમ બંગાળ રાજ્યના ચોવીસ પરગણા જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 22° 38´ ઉ. અ. અને 88° 22´ પૂ. રે. તે બારાહાનગર તરીકે પણ ઓળખાય છે. આજે આ શહેર બૃહત્ કલકત્તાના એક પરા તરીકે ગણાય છે. તે કલકત્તાની ઉત્તરે હુગલી નદીના પૂર્વ કિનારે વસેલું છે. કલકત્તાથી તે 20 કિમી. અને હાવરાથી 16 કિમી.ના અંતરે આવેલું છે. બારાનગરનું ઉનાળાનું અને શિયાળાનું તાપમાન અનુક્રમે 36°થી 37° સે. અને 12°થી 13° સે. જેટલું રહે છે તથા સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 1,400થી 1,500 મિમી. જેટલો પડે છે. આ શહેર રેલમાર્ગ તથા સડકમાર્ગથી જોડાયેલું છે. તેની નજીકથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 34 પસાર થાય છે, જે માલ્દા અને કલકત્તાને જોડે છે. તેની ઉત્તરે પાનીહાટી અને પૂર્વે બસ્તરહાટ તથા દક્ષિણે ડમડમ શહેરો આવેલાં છે.

કલકત્તાના વિકાસની સાથે સાથે બારાનગરે પણ પ્રગતિ સાધી છે. આજે તો પશ્ચિમ બંગાળ રાજ્યના મહત્વના ઔદ્યોગિક શહેર તરીકે તે જાણીતું બન્યું છે. અહીં શણ અને સુતરાઉ કાપડની ઘણી મિલો આવેલી છે. વિવિધ પ્રકારનાં રસાયણો બનાવવાના એકમો પણ અહીં સ્થપાયા છે. દિવેલ, દીવાસળી તેમજ ખેતીનાં ઓજારો બનાવવાનાં અસંખ્ય કારખાનાં આવેલાં છે. અહીં ઉદ્યોગોનું આધુનિકીકરણ થયું હોવાથી ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગના ઘણા એકમો કાર્યરત બન્યા છે.

1991ની વસ્તીગણતરી મુજબ, બારાનગરની વસ્તી 2,23,770 જેટલી છે; જેમાં પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે 1,19,243 અને 1,04,527 છે. અહીં શિક્ષિત લોકોનું પ્રમાણ 76.78 % છે, જેમાં પુરુષો 81.03 % અને સ્ત્રીઓ 71.93 % છે.

ઇતિહાસ : પૉર્ટુગીઝોએ પોતાની વસાહત સર્વપ્રથમ જ્યાં સ્થાપી હતી ત્યાં હુગલી નદીને કિનારે આ શહેર વસેલું છે. ત્યારપછીથી ડચ લોકોએ તેને વેપારી મથક અને વહાણવટાના કેન્દ્ર તરીકે વિકસાવ્યું. 1795માં બ્રિટિશ લોકોનું અહીં વર્ચસ્ સ્થપાયું. 1869માં અહીં નગરપાલિકાની સ્થાપના  થઈ, 1889માં તેને બારાનગર નામ અપાયું. 1899માં તેના બે ભાગલા પડ્યા, ઉત્તરભાગનો કામારહાટી મ્યુનિસિપાલટીમાં સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે દક્ષિણનો ભાગ આજના બારાનગર તરીકે ઓળખાયો.

નીતિન કોઠારી