બારમાસી (કાવ્ય) : ગુજરાતી મધ્યકાલીન ઊર્મિકવિતાનો એક પ્રકાર. આ કાવ્યપ્રકારમાં સામાન્ય રીતે 12 મહિનાનું પ્રકૃતિવર્ણન આવે છે. તેમાં બાર માસના વર્ણન નિમિત્તે કેટલેક અંશે પ્રકૃતિકવિતા પણ સાંપડે છે. ઉદ્દીપનવિભાવ તરીકે પ્રકૃતિવર્ણનની પાર્શ્વભૂ પર માનવભાવનું આલેખન થયું હોય છે. આ માનવભાવ લોકોત્તર-પૂજનીય પાત્રો દ્વારા વ્યક્ત થતો હોવાથી આવી કવિતા આપોઆપ ભક્તિ આદિ આધ્યાત્મિક-ધાર્મિક સંસ્કારોની પ્રેરક અને પોષક બને છે. કારતક મહિનાથી વિરહનું વર્ણન આવે છે. છેલ્લા મહિનામાં નાયકના આગમનથી વિરહનો અંત આવે છે. એટલે આ કાવ્યને એક રીતે વિરહકાવ્યનો પણ પ્રકાર કહી શકાય. મધ્યકાલીન સાહિત્યમાં ઠીક ઠીક સમય સુધી અનેક કવિઓનું આ કાવ્યસ્વરૂપ પ્રત્યે આકર્ષણ રહ્યું છે. ઋતુએ ઋતુએ પ્રગટતી લીલા આ કાવ્યપ્રકારમાં ઊતરી આવી હોય છે. ઉપરાંત સામાન્ય જનસમાજના વ્યવહારની ઘણી વિગતો, ઘણી માન્યતાઓ અને પ્રથાઓનો પણ એમાં ઉલ્લેખ જોવા મળે છે. વિરહિણી સ્ત્રીની વ્યથાનું, એના મનોમંથનનું અને અંતે બહુધા પ્રિયમિલનના આનંદનું તેમાં આલેખન થતું હોય છે. સાદી છતાં શિષ્ટ ભાષામાં ભાવ-વર્ણનોની રજૂઆત થઈ હોય છે. કવિ પોતાની સૂઝ પ્રમાણે દેશી લયબંધોનો, ક્વચિત્ છંદો સાથે વિનિયોગ કરતો હોય છે. એ રીતે લયની વિવિધતા પણ તેમાં આવતી હોય છે. ક્યારેક વર્ણનો સાથે સંવાદ પ્રયોજી કાવ્યની આકર્ષકતા વધારાય છે.

સૂરિ વિનયસુન્દરકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ (1244) પહેલું ગુજરાતી જૈન બારમાસી કાવ્ય છે. ત્યારપછી ચારિત્રકલશનો ‘નેમિ-રાજિમતી બારમાસ’, ‘નેમનાથ બારમાસ વેલપ્રબંધ’, ‘નેમ-રાજુલ સંદેશ બારમાસા’, ‘થૂલિભદ્રશીલ બારમાસ’ વગેરે નોંધપાત્ર રચનાઓ છે. જૈનેતર કવિઓએ પણ આ કાવ્યપ્રકાર ઠીક ઠીક પ્રમાણમાં ખેડ્યો છે. એમાં મુખ્યત્વે રાધા અને કૃષ્ણનો વિરહ વર્ણવવામાં આવે છે. નરસિંહ અને પ્રેમાનંદ, રત્નો અને રત્નેશ્વર, થોભણ અને પ્રેમસખી, ગિરધર અને દયારામ જેવા કવિઓએ રાધા-કૃષ્ણના ‘મહિના’ લખ્યા છે. આ સિવાય ભીલડીની, રામસીતાની, ગુરુની, ખેડૂતની બારમાસીઓ પણ લખાઈ છે. પ્રીતમે અને અખાએ, બાપુસાહેબે અને ભોજાએ ‘જ્ઞાનમાસ’ લખ્યા છે.

અર્વાચીન સમયમાં દલપતરામે અને નર્મદે આ કાવ્યપ્રણાલીનું અનુસરણ કર્યું છે. આધુનિક સમયના કવિ રાજેન્દ્ર શુક્લે પણ અભિનવ રીતે બારમાસી લખેલ છે. જોકે આ કાવ્યપ્રકાર અત્યારના સમયમાં ખેડાતો લગભગ બંધ થયો છે.

ટૂંકમાં, મધ્યકાલીન ઊર્મિકવિતાનો આ પ્રકાર લગભગ 600 વર્ષ સુધી કવિઓને હાથે ખેડાતો રહ્યો છે. એમાં પ્રકૃતિ, સંસાર અને અધ્યાત્મ ત્રણેનો સંગમ જોવા મળે છે. જૈન-જૈનેતર, હિન્દુ-મુસ્લિમ, મહારાષ્ટ્રીય, વેદાન્તી અને વૈષ્ણવ એમ વિવિધ સ્તર અને ભૂમિકાના કવિઓએ એના વિકાસ અને પ્રસારમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. લોકસાહિત્યમાં પણ વિરહની બારમાસીઓ લખાઈ છે. આમ બારમાસી કવિતા મધ્યકાલીન ગુજરાતી કવિતાનું એક કીમતી નજરાણું છે.

વીણા શેઠ