બારમાસી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lochnerarosea (Linn.) Reichb. Syn. Catheranthus roseus G. Don. Syn. Vinco rosea Linn. (हिं. सदाबहार, बारहमासी, सदासुहागन; બં. નયનતારા; મ. સદાફૂલ; પં. રતનજોત; મલ. કપાબિલા; અં. રેડ પેરીવિકલ) છે. તે માડાગાસ્કર(આફ્રિકા)ની મૂલનિવાસી છે. હવે તેનું બંને ગોળાર્ધોના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં પ્રાકૃતિકીકરણ થયું છે. ભારતમાં ગુજરાત, પશ્ચિમી હિમાલય, ગંગાનાં મેદાનો, કોંકણ, બિહાર, ઓરિસા અને કર્ણાટકમાં તે વિશેષ પ્રમાણમાં થાય છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ (perennial), ટટ્ટાર, 0.3 મી.થી 0.9 મી. ઊંચી શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં, સમ્મુખ, અંડાકાર, પ્રતિઅંડાકાર (obovate) અથવા લંબચોરસ (oblong), ચમકીલાં, અનુપપર્ણીય (estipulate), લગભગ 3.75 સેમી.થી 7.5 સેમી. લાંબાં અને 1.25 સેમી.થી 2.54 સેમી. જેટલાં પહોળાં હોય છે. પુષ્પવિન્યાસ સામાન્યત: 2થી 3 પુષ્પોના સમૂહમાં કક્ષીય પરિમિત પ્રકારનો હોય છે. પુષ્પોદભવ બારેમાસ થાય છે. પુષ્પો લાલ કે સફેદ રંગનાં, ચતુરવયવી (tetramerous) કે પંચાવયવી (pentamerous) અને કડવી ગંધવાળાં હોય છે. ફળ શુષ્ક એકસ્ફોટી (follicle) યુગ્મ પ્રકારનું અને બહુબીજમય હોય છે. તેની ત્રણ ઉપજાતિઓ છે : ‘આલ્બા’ ઉપજાતિ સફેદ પુષ્પો ધરાવે છે; ‘ઑસિલેટા’ ઉપજાતિનો દલપુંજનો મુખપ્રદેશ ગુલાબીથી માંડી કિરમજી-લાલ રંગનો અને બાકીનો ભાગ સફેદ રંગનો હોય છે; ‘રોઝીઅસ’ ઉપજાતિનો દલપુંજ એકસરખો ગુલાબી રંગનો હોય છે; તેનું પ્રસર્જન બીજ દ્વારા કે કટકારોપણ દ્વારા થાય છે. તેનું અવારનવાર કૃંતન (pruning) કરવાથી છોડ સારો લાગે છે. તે ઉનાળુ-ક્યારીઓ (summer-bed) બનાવવા, ઉદ્યાનની કિનારીઓ અને શૈલઉદ્યાન બનાવવામાં ઉપયોગી છે. તે સામાન્ય રીતે ઉદ્યાનોમાં મોટા સમૂહોમાં અથવા ક્ષુપ(shrub)ની વચ્ચે નાના ઉપક્ષુપ (undershrub) તરીકે ઉગાડવામાં આવે છે.  કેટલીક વાર તે ઊસર ભૂમિમાં કે કબ્રસ્તાન જેવી જગાઓએ અને રેતાળ રસ્તાઓ પર ‘પલાયન’ (escape) તરીકે જોવા મળે છે.

બારમાસી : પર્ણો અને પુષ્પો

વનસ્પતિનાં બધાં જ અંગો–ખાસ કરીને મૂળની છાલ–ઍલ્કેલૉઇડ ધરાવે છે. આ ઍલ્કેલૉઇડમાં ‘સર્પગંધા’ (રાવોલ્ફિયા) જૂથનાં ત્રણ ઍલ્કેલૉઇડનો સમાવેશ થાય છે; જે પૈકી એજ્માલિસીન અને સર્પેન્ટિનનું પ્રમાણ સર્પગંધા કરતાં પણ વધારે હોય છે; જ્યારે રીસર્પિનનું પ્રમાણ ઓછું હોય છે. બારમાસીમાં એજ્માલિસીન, એકુમ્માઇન, કૅથેરેન્થિન, લ્યુરોસીન, લૉકનેરેસીન, લોકનેરીન, પૅરિવીન, રીસર્પિન, સર્પેન્ટાઇન, ટેટ્રાહાઇડ્રૉક્સિઆલ્સ્ટોનીન, વિંકાલ્યુકોબ્લાસ્ટીન, વિંડોલીન, વિંડોલીનીન-2 HCl અને વિરોસીન નામનાં ઍલ્કેલૉઇડ હોય છે.

બારમાસીમાં સર્પગંધા(Rauvolfia serpentina)ની જેમ અલ્પરક્તદાબક (hypotensive), શામક (sedative) અને પ્રશાન્તક (tranqucillizing) ગુણધર્મો ધરાવતાં ઍલ્કેલૉઇડ હોય છે. તે સ્નાયુઓ માટે અને મધ્યસ્થ ચેતાતંત્રના અવનમન(depression)માં વિશ્રાંતક (relexant) તરીકે કાર્ય કરે છે. તે Vibrio cholerac અને Micrococcus pyogenes Var. aureusની વૃદ્ધિને અવરોધે છે. પર્ણોમાંથી પ્રાપ્ત કરેલા વિંડોલીન અને બીજાં ઍલ્કેલૉઇડ M. pyogenes var. albus, Streptococcus haemolyticus, Cornybacterium diphtheriae અને કેટલાક અન્ય બૅક્ટેરિયા સામે સક્રિય હોય છે. સ્ટ્રેપ્ટોકોકલ અને સ્ટૅફાઇલોકોકલ ચેપમાં તેનાં પર્ણોનો નિષ્કર્ષ પ્રતિ-જીવાણુક (antibacterial) પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

બારમાસીના કેટલાક નિષ્કર્ષો દ્વારા લ્યૂકેમિયાગ્રસ્ત ઉંદરોનું જીવન મર્યાદિત પ્રમાણમાં લંબાવી શકાયું છે. લ્યૂરોસીન અને વિંકાલ્યુકોબ્લાસ્ટીન પ્રતિલ્યૂકેમિક સક્રિયતા દર્શાવે છે. વિંકાલ્યુકોબ્લાસ્ટીન હોજિકનના રોગમાં અને જરાયુકાર્સિનોમા(chorion carcinoma)માં વપરાય છે. વિંક્રીસ્ટીન શ્વેતરક્તતા(leukaemia)માં ખાસ કરીને બાળકો માટે અને સ્ત્રીઓના સ્તનકૅન્સરમાં પણ ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર તે ગુણમાં ઠંડી અને ઝેરના દોષ, રક્તવિકાર અને પિત્ત(ગરમી)ના રોગોની શાંતિ કરે છે. તે જળોદર, પરમિયો, કબજિયાત, કર્ણશૂળ, રક્ત-કૅન્સર, મધુપ્રમેહ, અતિરક્તદાબ, તથા ભમરી, મધમાખી અને મચ્છર જેવાં જંતુના ડંખના ઝેરની નાશકર્તા છે. અતિરક્તદાબજન્ય બેચેની અને અસ્વસ્થતા દરમિયાન ગરમ ચાના એક કપમાં ચાર લાલ બારમાસીનાં પુષ્પ બે મિનિટ રાખી પી જવાથી 1થી 2 મિનિટમાં સુંદર લાભ થાય છે. રક્તકૅન્સર અને મધુપ્રમેહમાં તેનાં પર્ણનો 1થી 2 ચમચી રસ રોજ સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.

ગાય-ભેંસ માટે તે ઝેરી છે. પર્ણોનો રસ ભમરીના કરડેલા ભાગ પર ચોપડવામાં આવે છે. પર્ણોનો ક્વાથ (infusion) અત્યાર્તવ(menorrhagia)ની ચિકિત્સામાં આપવામાં આવે છે.

મ. ઝ. શાહ

બળદેવપ્રસાદ પનારા

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ