બારદોલાઈ, નવીનચંદ્ર (જ. 3 નવેમ્બર 1875, ઉત્તર ગુવાહાટી, જિ. કામરૂપ; અ. 15 ફેબ્રુઆરી 1936) : આસામના જાહેર જીવનના અગ્રણી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રસિદ્ધ લેખક. તેમના પિતા માધવચંદ્ર આસામમાં સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટ હતા, તેથી વિવિધ સ્થળે શિક્ષણ મેળવ્યું. તેમણે કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાંથી સ્નાતકની અને રિપન કૉલેજમાંથી કાયદાની પદવી મેળવી. સરકારી નોકરીની તક મળવા છતાં તેમણે વકીલાતનું ક્ષેત્ર પસંદ કર્યું અને 1908થી 1918 સુધી કલકત્તાની વડી અદાલતમાં વકીલાત કરી.

આસામ એસોસિયેશનના સભ્ય બની તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો અને 1914થી આ સંસ્થાના પ્રમુખ ચૂંટાયા. મૉન્ટેગ્યૂ-ચેમ્સફર્ડ સુધારાઓમાં આસામનો સમાવેશ કરવો જોઈએ એ બાબતની રજૂઆત કરવા તેઓ 1919માં ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં સફળતાપૂર્વકની રજૂઆત કરવા બદલ તેમને ભારે નામના અને લોકચાહના મળ્યાં.

1920થી તેઓ રાષ્ટ્રીય જીવનમાં સક્રિય બન્યા અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નાગપુર અધિવેશનમાં હાજર રહ્યા. તેમણે આસામમાં કૉંગ્રેસની શાખા સ્થાપી અને તેના પ્રથમ મંત્રી બન્યા. અસહકારના આંદોલનમાં સક્રિય ભાગ લઈ ગાંધીજીનો સંદેશો તેમણે આસામના ખૂણે  ખૂણે ફેલાવ્યો. આંદોલનમાંની સક્રિય ભાગીદારીને કારણે તેમણે 18 માસની કારાવાસની સજા ભોગવી તેમજ મુક્તિ બાદ ખાદીનો પ્રચાર કર્યો.

ત્યારબાદ તેઓ આસામ વિધાનસભાના સભ્ય ચૂંટાયા. 1932માં ગુવાહાટી જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા. અખિલ ભારતીય કૉંગ્રેસ દિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવતાં તેમની ધરપકડ કરવામાં આવી અને ફરી વાર જેલવાસ વેઠ્યો. ગુવાહાટી સ્થાનિક એકમના પ્રમુખ તરીકે તેઓ અસ્પૃશ્યતા દૂર કરવા સતત પ્રયાસો કરતા અને ગ્રામીણ પ્રજાના ઉત્કર્ષ માટે અનેક કાર્યક્રમો ઘડતા અને તેમાં સક્રિય કામગીરી પણ કરતા. તેઓ શક્તિશાળી વક્તા અને સુપ્રસિદ્ધ લેખક હોવા ઉપરાંત સંગીત અને રમતગમતમાં પણ ઊંડો રસ ધરાવતા હતા.

ભારતના આ યશસ્વી સપૂતની સ્મૃતિમાં ભારતીય તાર-ટપાલ વિભાગે ટપાલ-ટિકિટ પણ બહાર પાડી છે.

રક્ષા મ. વ્યાસ