બારદોલાઈ, ગોપીનાથ બુદ્ધેશ્વર

January, 2000

બારદોલાઈ, ગોપીનાથ બુદ્ધેશ્વર (જ. 6 જૂન 1890, રાહા, ગુવાહાટી, આસામ; અ. 5 ઑગસ્ટ 1950) : ભારતરત્ન ખિતાબથી નવાજાયેલા આધુનિક આસામના શિલ્પી. માનું નામ પ્રાણેશ્વરીદેવી. પ્રાથમિક શિક્ષણ રાહા અને માધ્યમિક શિક્ષણ ગુવાહાટીમાં લીધું. 1907માં વિશેષ ગુણવત્તા સાથે મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કૉલેજ-શિક્ષણ કલકત્તામાં લઈ 1912માં સ્નાતક થયા. ત્યારબાદ અનુસ્નાતક પદવી હાંસલ કરી કાયદાની વિદ્યાશાખાના સ્નાતક બન્યા. 1917માં ગુવાહાટી બારમાં જોડાયા. ગોપાલપારા જિલ્લામાં ચરિયાણની જમીન પર સરકારે વેરો નાંખતાં ખેડૂતોએ તેનો વિરોધ કર્યો ત્યારે તેમને પક્ષે રહી સરકાર વિરુદ્ધ તેઓ કેસ લડ્યા અને એ રીતે જાહેર જીવનના શ્રીગણેશ કર્યા. 1921માં ગાંધીજીએ ગુવાહાટીની મુલાકાત લીધી ત્યારે તેમના વિચારોથી પ્રભાવિત થઈ આસામ એસોસિયેશનનું આસામ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિમાં રૂપાંતર કર્યું અને રાજકીય જીવનમાં સક્રિય બન્યા. ક્રમશ: કૉંગ્રેસનાં અધિવેશનોમાં ભાગ લઈ શેષ ભારત અને આસામ વચ્ચે કડીરૂપ કામગીરી બજાવતા હતા. આ દરમિયાન એક વર્ષની  સાદી કેદની સજા ભોગવી. 1934થી 38 દરમિયાન ગુવાહાટી નગરપાલિકાના અધ્યક્ષસ્થાને રહ્યા અને 1937થી આસામ વિધાનસભાના સભ્ય અને કૉંગ્રેસ પક્ષના નેતા રહ્યા. સપ્ટેમ્બર 1938થી નવેમ્બર ’39 સુધી તેઓ આસામની મિશ્ર સરકારના મુખ્યપ્રધાન રહ્યા અને બીજા વિશ્વયુદ્ધને કારણે પદત્યાગ કર્યો. ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લેવાને પરિણામે ઑગસ્ટ 1942થી જાન્યુઆરી ’44 સુધી કારાવાસ ભોગવ્યો. 1946માં પુન: વિધાનસભાના નેતા અને મુખ્યમંત્રી બન્યા. સફળ વહીવટદાર તરીકે યશસ્વી કામગીરી બજાવી પ્રજાલક્ષી કામો કર્યાં અને ચાહના પામ્યા. આઝાદી સમયે આસામને પૂર્વ પાકિસ્તાન સાથે જોડવાની ચાલને તેમણે સફળ ન થવા દીધી અને આસામનું ભારત સાથેનું જોડાણ નિશ્ચિત બન્યું. આઝાદ ભારતની બંધારણસભાના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી. આ દરમિયાન તેમણે આદિવાસી પ્રજાઓની સ્વાયત્તતાની હિમાયત કરી અને તેમની જીવનરીતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો.

સ્વાતંત્ર્યલડત અને રાજકીય કારકિર્દી દરમિયાન તેમની  સામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ બહોળો બન્યો હતો. આદિવાસીઓના ઉત્કર્ષ માટે માધ્યમિક શાળાની અને નોકરિયાતો માટે રાત્રિ-કૉલેજની તેમણે સ્થાપના કરી. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની આસામ શાખા સ્થાપી હિંદી ભાષાના શિક્ષણ અને પ્રસાર માટે કાર્ય કર્યું. તેઓ પોતે ખાદી કાંતતા અને ખાદીના પ્રચારાર્થે સાઇકલ પર ગામેગામ પ્રવાસ કરી તેની ઉપયોગિતા સમજાવતા હતા. ગુવાહાટીમાં હરિજનો માટે રહેઠાણ અને શિક્ષણની સુવિધાઓ વિકસાવી અને ગાંધીચીંધ્યા માર્ગે રચનાત્મક કાર્યોમાં સક્રિય રહ્યા. આદિવાસીઓ અન્ય પ્રજાજનો સાથે મુક્ત રીતે હળે-ભળે તે માટે તેમણે વિશેષ મહોત્સવનું આયોજન કર્યું હતું. અફીણ-બંધીના કાર્યક્રમનો અમલ કરી તેમાં સો ટકા સફળતા સિદ્ધ કરી. સમગ્ર ઉત્તર-પૂર્વને ભારતીય રાષ્ટ્રીયતા સાથે જોડી બુલંદ રાષ્ટ્રીય ઐક્ય સર્જવાનું તેમનું સ્વપ્ન હતું. આઝાદી બાદ ગુવાહાટીમાં વડી અદાલતની રચના કરી. યુનિવર્સિટીની સ્થાપના કરી. ઉપરાંત ઇજનેરી કૉલેજ, સંગ્રહાલય, પોલીસ ટ્રેનિંગ કૉલેજ, ફૉરેસ્ટ ટ્રેનિંગ કૉલેજ, સહકારી સંસ્થાઓ માટેની ટ્રેનિંગ કૉલેજ સ્થાપી આસામના સર્વાંગી વિકાસ માટેનું વાતાવરણ રચી આપ્યું અને તેના શિલ્પી બની રહ્યા, જે બદલ પ્રજાએ તેમને ‘લોકપ્રિય’ના બિરુદથી સન્માન્યા. 1999માં મરણોત્તર ‘ભારતરત્ન’નો ખિતાબ એનાયત કરીને મોડે મોડે પણ તેમનાં કાર્યોને સમુચિત અંજલિ આપવામાં આવી.

તેઓ સારા ભજનિક, ક્રિકેટચાહક અને રમત-ગમતના રસિયા હતા. તમામ વર્ગના લોકો સાથે મુક્ત રીતે હળતાભળતા. તેમણે શ્રી રામ, બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત, હઝરત મોહંમદ અને મહાત્મા ગાંધીની જીવનકથાને અલગ અલગ રીતે ગ્રંથસ્થ કરી હતી. આસામના અગ્રણી નેતા ફૂકન તરુણ રામની જીવનકથા તેમણે રચી હતી તથા ગાંધીજીના ‘અનાસક્તિ યોગ’નો અનુવાદ પણ તેમણે કર્યો હતો.

રક્ષા મ. વ્યાસ