બારદોલાઈ, રજનીકાન્ત (જ. 1867; અ. 1939) : અસમિયા ભાષાના નવલકથાના પ્રારંભિક લેખક. એમણે આસામી નવલકથાનું સ્વરૂપ-ઘડતર કર્યું. 1889માં બી.એ.ની પરીક્ષા પાસ કરીને તેઓ સરકારી નોકરીમાં જોડાયા. શરૂઆત નાયબ કલેક્ટરથી કરી. ધીમે ધીમે તેઓ નાયબ કમિશનરને પદે પહોંચ્યા. 1918માં તેઓ નિવૃત્ત થયા. જ્યારે ભારતીય સંસ્કાર અને પશ્ચિમના સંસ્કારો વચ્ચે ઘર્ષણ થતું હતું તે સમયે એમણે નવલકથાઓ દ્વારા પૂર્વની સંસ્કૃતિને આંચ ન આવે, એની સલામતી સચવાય એવી કૃતિઓ રચી. એમના સમયની નવલકથાઓમાં દેશપ્રેમની ભાવનાને પોષક વાતાવરણ ન મળતાં એમણે આસામના મધ્યકાલીન ઇતિહાસમાંથી કથાવસ્તુની પસંદગી કરી. એક સરકારી નોકર હોવા છતાં તેઓ પ્રબળ દેશપ્રેમી હતા અને ભારતીય સંસ્કૃતિના વૈશિષ્ટ્યથી લોકો જાગ્રત રહે તે માટે એમણે નવલકથાનું માધ્યમ પસંદ કર્યું. આસામની પ્રજાનાં શૌર્ય અને શક્તિનો પરિચય થાય એવી ઘટનાઓના નિરૂપણ માટે એમણે આસામના ભૂતકાળને પસંદ કર્યો. એમણે 8 નવલકથાઓ લખી છે – ‘મિરી જિયોરી’; ‘મનોમતિ’; ‘રંગીલી’; ‘નિર્મલ ભગત’; ‘રાહદોઈ લિગીરી’; ‘તમરેશ્વરીર મંદિર’; ‘ડંડુઆદ્રોહ’ અને ‘રાધા રુક્મિણીર રોન’. ‘મિરી જિયોરી’ એ પ્રથમ આસામી નવલકથા છે, જેમાં કથાનક આદિવાસી વિસ્તારમાંથી લીધું છે. તેમાં આદિવાસી પ્રણયીઓના નિર્મળ પ્રેમનું આલેખન છે. જોકે બે પ્રણયીઓના પ્રેમનો સમાજ વિરોધ કરતો હોવાથી, બંને પ્રેમીઓની આત્મહત્યાથી કથા કરુણાન્ત બની છે. એમણે એ યુગમાંના આદિવાસી વિસ્તારના જીવનનો સર્વાંગી પરિચય આપ્યો છે. એમની ‘મનોમતિ’ નવલકથામાં આસામ પરના બ્રહ્મદેશના આક્રમણનો આસામવાસીઓએ વીરતાથી કરેલો સામનો દર્શાવી તત્કાલીન જનતાની દેશભક્તિનો મહિમા ગાયો છે. એ રીતે ‘નિર્મલ ભગત’, ‘રંગીલી’ અને ‘રાહદોઈ લિગીરી’માં આસામના આપખુદ ‘અહોમ’ રાજાના અત્યાચારો સામે આમ પ્રજાએ જે વિદ્રોહ કર્યો અને અન્યાયનો પ્રતિકાર કરવાની શક્તિ દર્શાવી, તેના ચિત્રણ દ્વારા સાંપ્રત કાળમાં અંગ્રેજોના જુલમ સામે લડવાની પ્રેરણા મળે એવી પ્રસંગોની ગૂંથણી કરી છે. ‘રાધારુક્મિણી’ પણ શાસકો સામેની પ્રજાની લડતની કથા છે. એમની નવલકથાઓમાં પુરુષ કરતાં સ્ત્રીપાત્રો વધારે શક્તિશાળી દર્શાવાયાં છે. નારીપાત્રોની સરખામણીમાં પુરુષો ઓછાં તેજસ્વી જણાય છે.

રજનીકાન્ત બારદોલાઈએ આસામી નવલકથાનો ર્દઢ પાયો નાંખ્યો છે.

ચન્દ્રકાન્ત મહેતા